(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતના સલાબતપુરા વિસ્તારમાં ગત 13 જુલાઈના ડીસીપી રાજદીપસિંહ નકુમની હાજરીમાં આરોપીઓને જાહેરમાં પરેડ કરાવીને લાકડીઓ વડે માર મારવાના વિવાદાસ્પદ કેસમાં ગુજરાત હાઈ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું હતું.
આ મામલે હાઈ કોર્ટે લીધેલી સુઓમોટો અરજીની હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કોઈ પણ સિનિયર પોલીસ અધિકારી દ્વારા કાયદો હાથમાં લેવાનું આ પ્રકારનું વર્તન બિલકુલ સ્વીકાર્ય નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ઘટનાના વીડિયોથી લોકોને ભારે આઘાત લાગ્યો છે, જેને પગલે ચીફ જસ્ટિસે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી.
સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે આકરી ટકોર કરતા જણાવ્યું હતું કે, આ કેસમાં નિષ્પક્ષ તપાસ થાય તે માટે સંબંધિત ડીસીપી નકુમની તાત્કાલિક અસરથી અન્ય સ્થળે બદલી કરવી અનિવાર્ય છે.
કોર્ટે નોંધ્યું હતું કે જ્યાં સુધી જવાબદાર સિનિયર પોલીસ અધિકારીને તેમની જગ્યા પરથી હટાવવામાં નહીં આવે, ત્યાં સુધી તેમના તાબા હેઠળના નાના અધિકારીઓ કે કર્મચારીઓ સાક્ષી તરીકે તેમની વિરુદ્ધમાં કશું પણ કહેવાની હિંમત કરશે નહીં. તેથી નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે પહેલાં ઉચ્ચ અધિકારીની બદલી કરો અને પછી જ તપાસને આગળ ધપાવો.
આ મામલે સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ડીજીપીના આદેશથી સુરત પોલીસ કમિશનરે એડિશનલ સીપી (ક્રાઇમ)ને આ ઘટનાની પ્રાથમિક તપાસ સોંપી છે અને વીડિયોમાં દેખાતા લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. સાથે જ સરકારી વકીલે કોર્ટને વિનંતી કરી હતી કે આજ પૂરતો હુકમમાં કોઈ લેખિત નિર્દેશ ન અપાય, સરકાર સ્વયં આ મામલાની ગંભીરતા સમજીને યોગ્ય કાનૂની અને વહીવટી પગલાં લઈ આગામી શુક્રવાર સુધીમાં રિપોર્ટ રજૂ કરશે. હાઇ કોર્ટે સરકારી વકીલની આ રજૂઆત ગ્રાહ્ય રાખીને આ કેસની વધુ સુનાવણી આગામી 21 ઓગસ્ટ પર મુલતવી રાખી હોવાનું જાણવા મળ્યું હતું.