Fri Jul 24 2026

Logo

ગુજરાતના ઘણા જિલ્લામાં મેઘ 'કહેર': હજારોને સ્થળાંતર કરી બચાવાયા, GPSCની પરીક્ષા રદ્દ કરાઇ

2026-07-24 19:59:00
Author: Devayat Khatana
Article Image

AI Generated Images


(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના ઘણા ભાગોમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 178.88 મીમી વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે અહીં અત્યાર સુધીમાં કુલ 1,136 મીમી વરસાદ થઈ ચૂક્યો છે, જે 1996-2025ના 1,542 મીમીના સરેરાશ વરસાદના 73.67 ટકા જેટલો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 762 મીમી સામે અત્યાર સુધીમાં 294.80 મીમી એટલે કે 38.68 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 819 મીમીની સરેરાશ સામે 294.37 મીમી એટલે કે 35.94 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 730 મીમીની સરેરાશ સામે માત્ર 161.77 મીમી (22.15 ટકા) અને કચ્છમાં તો 500 મીમીની સરેરાશ સામે માત્ર 31.60 મીમી એટલે કે ફક્ત 6.32 ટકા જ વરસાદ થયો છે. રાજ્યની એકંદર સરેરાશ જોઈએ તો 909 મીમીની સામાન્ય સરેરાશ સામે અત્યાર સુધીમાં 416.65 મીમી વરસાદ નોંધાયો છે, જે કુલ સરેરાશ વરસાદના 45.84 ટકા જેટલો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 30,736 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 3,021 લોકોનું રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. વલસાડમાં 4, નવસારીમાં 3, સુરત અને અમદાવાદમાં 2, કચ્છ, દેવભૂમિ દ્વારકા,જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠામાં એક-એક મળીને કુલ 17  NDRFની ટીમ તૈનાત રાખવામાં આવી છે. જ્યારે સુરતમાં 5, વલસાડમાં 4, નવસારીમાં 3, પંચમહાલ,તાપી, અને અમદાવાદમાં 2, વડોદરામાં 1, પાટણ, રાજકોટ, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મહોસાગર,મોરબી, નર્મદામાં 1-1 મળીને કુલ 31 SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. 

રાજ્યમાં ભારે વરસાદને કારણે વીજ વ્યવસ્થાને મોટા પાયે નુકસાન થયું હતું. અહેવાલ અનુસાર,  કુલ 4,280 ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી, જે પૈકી 3,999 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવાયો હતો. જ્યારે 281 ગામોમાં હજુ પણ કામગીરી બાકી હતી. કુલ 8,698 ફીડરોને અસર થઈ હતી, જેમાંથી 7,781 ફીડર રિપેર કરી દેવાયા હતા અને 917 ફીડર હજુ પેન્ડિંગ હોવાનું જણાવ્યું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 878 ગામોમાં નવેસરથી વીજ પુરવઠાને અસર થઈ હતી, જે પૈકી 597 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક માર્ગો પ્રભાવિત થયા હતા. કુલ 1,109 માર્ગો બંધ હાલતમાં છે, જેમાં 34 સ્ટેટ હાઈવે, 38 અન્ય માર્ગ, 1,026 પંચાયત માર્ગ અને 8 નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે. સૌથી વધુ અસર વલસાડ જિલ્લામાં થઈ હતી, જ્યાં કુલ 409 માર્ગો બંધ હતા, જ્યારે નવસારીમાં 247 અને સુરતમાં 182 માર્ગો બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 29, અમદાવાદમાં 30 અને તાપીમાં 139 માર્ગો પણ બંધ થયા હતા. અગાઉની સ્થિતિએ કુલ 1,226 માર્ગો બંધ હતા, જે પૈકી અત્યાર સુધીમાં 176 માર્ગો પુનઃ શરૂ કરવામાં આવ્યા હતા, જ્યારે નવેસરથી 59 માર્ગો બંધ થતાં હાલમાં કુલ 1,109 માર્ગો બંધ હોવાનું તંત્રએ જણાવ્યું હતું.

ગુજરાત રાજ્યમાં હાલ પડી રહેલા ભારે વરસાદને કારણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી તારીખ 26 જુલાઈ રવિવારના રોજ લેવાનારી પ્રાથમિક કસોટીઓ હાલ પૂરતી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. આયોગની સત્તાવાર જાહેરાત મુજબ, પશુ ચિકિત્સા અધિકારી, નર્સિંગ ઓફિસર, મદદનીશ ઈજનેર સહિતની કુલ 34  જેટલી વિવિધ જાહેરાતોની પ્રાથમિક કસોટીઓ ઉમેદવારોની રજૂઆતો અને વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુલતવી રખાઈ છે. આ તમામ પરીક્ષાઓની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે તેમ આયોગે જણાવ્યું હતું.

આ ઉપરાંત, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ ભારે વરસાદની સ્થિતિને પગલે તારીખ  વર્ગ-૩ ની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ખાતાકીય પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી. જેમાં સિનિયર સર્વેયર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, લેબોરેટરી ટેકનીશીયન સહિતની જગ્યાઓ માટેની એમસીકયુ પદ્ધતિની પરીક્ષા તેમજ હાયર લેવલ સંવર્ગની સીનીયર કારકુનની ખાતાકીય પરીક્ષાના પ્રશ્નપત્ર-4 ની વર્ણનાત્મક પરીક્ષાનો સમાવેશ થાય છે. ઉમેદવારોના વિશાળ હિતમાં લેવાયેલા આ નિર્ણય બાદ, મંડળ દ્વારા ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.