અમદાવાદ: ગુજરાતમાં મેઘરાજાએ આજે પણ ધમધમાટ બોલાવ્યો છે. ભાવનગર, નવસારી, જૂનાગઢ, સાબરકાંઠા અને ગીર સોમનાથ જિલ્લામાં 1 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. જ્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી રાજ્યના 6 જિલ્લામાં 14-50 કિમીની ઝડપે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં ગુજરાતના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સૌથી વધુ 3.15 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી હતી, જેમાં નવસારી અને જલાલપોર બંને તાલુકાઓમાં 1.81 ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં, જૂનાગઢના વિસાવદર, સાબરકાંઠાના ઈડર અને ગીર સોમનાથના તાલાલા તાલુકાઓમાં સમાન રીતે 1.06 ઇંચ વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે.
આ 10 કલાકના સમયગાળા દરમિયાન અન્ય તાલુકાઓમાં પડેલા વરસાદની વાત કરીએ તો, સુરતના ઉમરપાડામાં 0.87 ઇંચ, અમરેલીના લાઠી તેમજ વલસાડના કપરાડામાં 0.83 ઇંચ અને નવસારીના ચીખલીમાં 0.75 ઇંચ વરસાદ નોંધાયો છે.
તેમજ, અમરેલીના રાજુલા અને ગીર સોમનાથના કોડીનારમાં 0.67 ઇંચ, જ્યારે સુરતના બારડોલીમાં 0.63 ઇંચ વરસાદ પડ્યો હતો. મુખ્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં 0.16 ઇંચ જ્યારે વડોદરામાં 0.08 ઇંચ જેટલો હળવો વરસાદ જોવા મળ્યો હતો. એકંદરે, સવારના 6 થી 4 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 105 તાલુકાઓમાં 0.04 ઇંચથી લઈને 3.15 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.