Thu Jul 23 2026

Logo

ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, રાજ્યમાં 1201 રસ્તાઓ બંધ

2026-07-23 20:30:40
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
સમગ્ર દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ બાનમાં લીધું હતું. જેના કારણે વલસાડ, નવસારી, તાપી અને સુરત જિલ્લાઓમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું હતું. સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે અનેક નદીઓ તોફાની બની હતી અને ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના ધસમસતા પ્રવાહમાં અનેક લોકો ફસાયા હતા, પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવતા અનેક નાગરિકોના જીવ બચાવી લેવાયા છે. ભારે વરસાદની સ્થિતિને પગલે સુરત અને વલસાડ જિલ્લામાં આજે તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. 

રાજ્યમાં કુલ 1201 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. બંધ થયેલા આ રસ્તાઓમાં ગ્રામ્ય વિસ્તારોને જોડતા 1109 પંચાયત હસ્તકના માર્ગો સૌથી વધુ પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત, 26 સ્ટેટ હાઈવે, 56 અન્ય રાજ્ય માર્ગો, 10 નેશનલ હાઈવે પર પણ પાણી ફરી વળતા અગમચેતીના ભાગરૂપે તેમને બંધ રાખવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં વરસાદને કારણે સૌથી વધુ માર્ગો પ્રભાવિત થયા છે. વલસાડ જિલ્લામાં સ્થિતિ સૌથી વિકટ છે જ્યાં રાજ્યમાં સૌથી વધુ 478 રસ્તાઓ બંધ છે. ત્યારબાદ નવસારીમાં 256, તાપીમાં 195 અને સુરતમાં 192 માર્ગો પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો હતો. આ સિવાય ડાંગ જિલ્લામાં 48 અને ભરૂચમાં 17 રસ્તાઓ બંધ છે. 

ગુજરાતમાં ચાલી રહેલા ભારે વરસાદ અને ચોમાસાની સ્થિતિને કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની બસ સેવાઓને વ્યાપક અસર પહોંચી હતી.  એસટી બસના કુલ 164 રૂટ અને 964 ટ્રીપ બંધ કરવાની ફરજ પડી હતી. બસ વ્યવહાર ખોરવાઈ જવાના કારણે રાજ્યમાં નિગમને કુલ રૂપિયા 11.55 લાખનીઆવક ગુમાવવાનો વારો આવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળી હતી. વલસાડ વિભાગના નવસારીમાં ૫૨ રૂટ અને 332 ટ્રીપ બંધ કરવામાં આવી હતી. જ્યારે વલસાડ જિલ્લામાં જ 31 રૂટ અને 250 ટ્રીપ બંધ રાખવામાં આવી હતી. આ ઉપરાંત ભરૂચમાં 11 રૂટ અને 64 ટ્રીપ, સુરતમાં 31 રૂટ અને 234 ટ્રીપ બંધ રહી હતી.