(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વિશ્વસ્તરે પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને કારણે ઉર્જા પુરવઠા પર ઊભા થયેલા જોખમોને ધ્યાને રાખી ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૧૪૫૨ કિલો લિટર કેરોસીનનો એડહોક જથ્થો ફાળવવામાં આવ્યો હતો. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, આ જથ્થાનો મુખ્ય ઉપયોગ રાંધવા અને પ્રકાશ માટે કરવાનો રહેશે. આ અંતર્ગત રાજ્યના આદિજાતિ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાં વસતા અંત્યોદય અને પીએચએચ પરિવારોને પ્રાથમિકતા આપી કેરોસીન ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
નવી કાર્યપદ્ધતિ મુજબ, દરેક જિલ્લા કલેક્ટરને ૩૬ હજાર લીટર કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવશે, જેમાંથી તેઓ પરિવાર દીઠ ૫ લીટર અને સંસ્થાઓ માટે ૨૫ લીટર સુધીની ફાળવણી કરી શકશે. આ વિતરણ વ્યવસ્થામાં ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના લાભાર્થીઓ, શાળાની હોસ્ટેલો, મધ્યાહ્ન ભોજન કેન્દ્રો, વૃદ્ધાશ્રમો અને મજૂર વર્ગને અગ્રિમતા આપવામાં આવશે. કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીઓને આ સમગ્ર પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. કેરોસીન વિતરણ અંગેની કોઈપણ ફરિયાદ માટે સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર ૦૭૯-૦૨૩૨-૫૨૬૮૦ પણ જાહેર કરવામાં આવ્યો છે.
બીજી તરફ, રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો હોવા છતાં, પુરવઠાનું સંતુલન જાળવવા માટે સરકારે મહત્વના સૂચનો જારી કર્યા હતા. હવેથી એક જ ગ્રાહક દ્વારા બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારમાં ૨૫ દિવસ અને ગ્રામીણ વિસ્તારમાં ૪૫ દિવસનું અંતર રાખવું ફરજિયાત રહેશે. વધુમાં, નાગરિકોને રાંધણ ગેસ બચાવવા માટે કુકર અને સોલર એનર્જીનો ઉપયોગ કરવા તેમજ એસીનું તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ રાખવા અપીલ કરવામાં આવી છે.