ગાંધીનગર: ગુજરાત સરકારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.જેમાં રાજ્યના ઉદ્યોગકારો અને GIDC એસોસિએશન્સ તરફથી મળેલી રજુઆતોનો સંવેદનાપૂર્વક પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે GIDCના ઔદ્યોગિક પ્લોટના અગાઉના તબદીલી વ્યવહારોમાં બાકી રહેલી સ્ટેમ્પ ટ્યુટી અને તેના પર લાગતી પેનલ્ટીના બોજમાંથી પાત્ર MSME ઉદ્યોગોને રાહત આપવા GIDC એમ્નેસ્ટી સ્કીમ અમલમાં મુકવાનો નિર્ણય લીધો છે.
GIDC એન્મેસ્ટી સ્કીમ શું છે?
GIDCના પ્લોટ ધારકો દ્વારા ભૂતકાળમાં ઔદ્યોગિક પ્લોટ અથવા શેડની ફાળવણી વખતે અનેક કિસ્સાઓમાં રજિસ્ટર્ડ દસ્તાવેજના બદલે એલોટમેન્ટ લેટર, સપ્લીમેન્ટરી એગ્રીમેન્ટ વગેરે દસ્તાવેજો કરવામાં આવ્યા હતા. પરિણામે અગાઉના તબક્કાના કેટલાક વ્યવહારોમાં યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ થઈ શકી ન હતી. આવા જૂના વ્યવહારોમાં હાલના માલિકને લીઝ ડીડ અથવા અન્ય જરૂરી દસ્તાવેજની નોંધણી કરાવતી વખતે અગાઉના વ્યવહારોની બાકી સ્ટેમ્પ ડ્યુટી તેમજ ભારે દંડ ભરવાનો પ્રશ્ન ઊભો થતો હતો.
MSME ઉદ્યોગકારોને મળશે સ્ટેમ્પ ડ્યુટીમાં 80 ટકા રાહત
આ યોજના મુજબ પાત્ર કિસ્સાઓમાં લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાંથી 80 ટકા સુધીની રકમ માફ કરીને માત્ર 20 ટકા સ્ટેમ્પ ડ્યુટી તથા લાગુ પડતી પેનલ્ટી વસૂલવાનો પ્રસ્તાવ છે. પરંતુ, જ્યાં 20 ટકા સ્ટેમ્પ ડ્યુટી અને પેનલ્ટીની કુલ રકમ મૂળ સ્ટેમ્પ ડ્યુટી કરતા ઓછી થતી હોય તેવા કિસ્સામાં મૂળ સ્ટેમ્પ ડ્યુટી જેટલી રકમ વસૂલ થાય તે રીતે રાહતનો લાભ આપવામાં આવશે.
કોને લાભ મળશે?
એમ્નેસ્ટી સ્કીમનો લાભ મુખ્યત્વે MSME પ્રકારના ઉદ્યોગો, એટલે કે માન્ય ઉદ્યમ સર્ટિફિકેટ ધરાવતા એકમોને આપવાનો પ્રસ્તાવ છે. આ યોજના હેઠળ તા. 30 જૂન, 2025 સુધી થયેલા પાત્ર એલોટમેન્ટ લેટર, શેર ટ્રાન્સફર, ભાડાપટ્ટા/પેટા ભાડાપટ્ટા તથા મિલકતની તબદીલી સંબંધિત અન્ય પાત્ર વ્યવહારોનો સમાવેશ કરાશે.
1 જાન્યુઆરી 2028 પૂર્વેના વ્યવહારો માટે પણ વિશેષ રાહત
તા. 01/01/2018 પહેલાં થયેલી તબદીલીઓના કિસ્સામાં અગાઉની તબદીલીઓ પૈકી છેલ્લી તબદીલીના લેખ ઉપર નક્કી થતી બજાર કિંમતને આધારે લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાં 80 ટકા રાહત આપીને બાકીની 20 ટકા ડ્યુટી તથા લાગુ પેનલ્ટી વસૂલવાનો પ્રસ્તાવ છે.
પેનલ્ટી વસૂલવાનો પ્રસ્તાવ આ યોજનામાં
એટલું જ નહિ તા. 01/01/2018 કે ત્યારબાદ થયેલી તબદીલીઓના સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાપાત્ર થતી હોય તેવા તમામ કિસ્સાઓમાં લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાંથી 80 ટકા રાહત આપીને 20 ટકા ડ્યુટી તથા લાગુ પેનલ્ટી વસૂલવાનો પ્રસ્તાવ આ યોજનામાં છે.
સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત પણ ઝડપી બનશે
ગુજરાત સરકારે કરેલી આ પહેલથી જૂના બાકી વ્યવહારોના કારણે ઉભી થયેલી મુશ્કેલીઓનો વ્યવહારુ ઉકેલ લાવવામાં મદદ મળશે. ઉદ્યોગકારોને નાણાકીય રાહત મળવાની સાથે લાંબા સમયથી બાકી રહેલી સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત પણ ઝડપી બની શકશે.