Mon Sep 14 2026

Logo

ગુજરાત ATSનો સપાટો, જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ, કઇ રીતે પકડાયા?

2026-07-17 10:52:00
Author: Mumbai Samachar Team
ગુજરાત ATSનો સપાટો, જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ, કઇ રીતે પકડાયા?

ગુજરાતમાં આતંકવાદી નેટવર્ક અને સ્લીપર સેલ સામે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) ફરી એકવાર બહુ મોટું અને સફળ ઓપરેશન પાર પાડ્યું છે. રાજ્યની સુરક્ષા એજન્સીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે એટીએસની ટીમોએ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં એકસાથે દરોડા પાડીને આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ  સાથે સંકળાયેલા વધુ પાંચ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. પોલીસનું આ એક સફળ ઓપરેશન હતું. જેમાં આતંકવાદીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. 

 

આતંકી સંગઠનના આકાઓના હતા સંપર્કમાં 

પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલા તમામ પાંચેય આતંકીઓ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનના આકાઓના સીધા સંપર્કમાં હતા અને ગુજરાતમાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. એટીએસની ટીમો દ્વારા અત્યારે આ તમામ આતંકીઓના રહેઠાણ અને ગુપ્ત ઠેકાણાઓ પર સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તેમની પાસેથી દેશવિરોધી સાહિત્ય, ડિજિટલ ઉપકરણો અને શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

અત્યાર સુધી 13ને દબોચ્યા

ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસ દ્વારા આ મોડ્યુલનો પર્દાફાશ કરવા માટે છેલ્લા ઘણા સમયથી વોચ રાખવામાં આવી રહી હતી. આ પહેલા પણ જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે કનેક્શન ધરાવતા 8 જેટલા સક્રિય આતંકીઓને એટીએસ અગાઉ ઝડપી પાડી ચૂકી છે. અગાઉ પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં ખુલેલી વિગતો અને કડીઓના આધારે જ આ નવું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વધુ 5 દેશદ્રોહીઓ કાયદાના સકંજામાં આવ્યા છે. આમ ગુજરાત એટીએસએ અત્યાર સુધીમાં કુલ 13 આતંકીઓને દબોચી લીધા છે. 

એટીએસ દ્ધારા ઊંડાણપૂર્ણક તપાસ 

હાલમાં એટીએસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ તમામ આતંકીઓના ફંડિંગ સોર્સ, સ્લીપર સેલના નેટવર્ક અને ગુજરાતમાં તેમના સ્થાનિક સંપર્કો કોણ કોણ હતા તે દિશામાં સઘન અને ગુપ્ત પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

ATS દ્વારા 13 જુલાઇને રોજ સિદ્ધપુરમાં એક ગુપ્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર, સિદ્ધપુરના વ્યસ્ત એવા ઝાંપલીપોળ વિસ્તારમાં એટીએસની ટીમ ત્રાટકી હતી અને ત્યાં મોડી સાંજ સુધી એક કટલરીના વેપારીની દુકાનમાં સઘન પૂછપરછ અને તપાસ કરી હતી. આ કટલરીની દુકાનમાંથી નાના રમકડાંમાં વપરાતી બેટરીઓની ખરીદી કરવામાં આવી હોવાની આશંકાને પગલે એટીએસ દ્વારા આ ઓપરેશન હાથ ધરાયું હતું.