Thu Sep 17 2026

Logo

ગોંદિયામાં કુટુંબીજનોની નજર સામે વાઘે હુમલો કરતાં છ વર્ષના બાળકનું થયું મોત

2026-04-11 18:37:00
Author: Yogesh D. Patel
ગોંદિયામાં કુટુંબીજનોની નજર સામે વાઘે હુમલો કરતાં છ વર્ષના બાળકનું થયું મોત

ગોંદિયા: ગોંદિયા જિલ્લામાં ઘર સામે રમી રહેલા છ વર્ષના બાળક પર કુટુંબીજનોની નજર સામે વાઘે હુમલો કરતાં તેનું મૃત્યુ થયું હતું. શનિવારે સાંજના બનેલી આ ઘટના બાદ ગામવાસીઓમાં ગભરાટ ફેલાયો છે અને તેઓ હવે ઘરની બહાર નીકળતા ડરે છે.

ગોંદિયા જિલ્લાના અર્જુની/મોરગાવ તાલુકાના ધાબેટેકડી ગામમાં રહેતો છ વર્ષનો પ્રજ્વલ ગોવર્ધન મેશ્રામ શનિવારે સાંજે ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે અચાનક આવી ચડેલો વાઘ તેને ઉપાડી ગયો હતો. મેશ્રામના પરિવારજનોએ બૂમાબૂમ કરી મૂકતાં રહેવાસીઓ ત્યાં દોડી આવ્યા હતા. વાઘ જંગલ તરફ ગયો હોવાથી ગામવાસીઓએ તેનો પીછો કર્યો હતો અને બાદમાં તેમને પ્રજ્વલ થોડે દૂર લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.

પ્રજ્વલને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો, પણ તેનું મૃત્યુ થયું હતું. દરમિયાન બનાવની જાણ થતાં વનવિભાગના અધિકારીઓ ગામમાં આવી પહોંચ્યા હતા અને બાદમાં તેમણે જંગલમાં જઇને વાઘની શોધ ચલાવી હતી. આ ઘટના બાદ ગામવાસીઓએ વાઘને તાત્કાલિક પકડી પાડવાની અને પ્રજ્વલના પરિવારને આર્થિક મદદ કરવાની માગણી કરી હતી. વાઘે કરેલા હુમલા બાદ વનવિભાગના અધિકારીઓએ મહત્ત્વની સૂચના જારી કરી હતી, જેમાં નાના બાળકોએ ઘરની બહાર એકલા ન મોકલવા, રાતના સમયે જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવા અને બહાર જતી વખતે એકલા નહીં, પણ સમૂહમાં જવા તથા સાથે લાઠી તેમ જ ટોર્ચ સાથે રાખવા જણાવવામાં આવ્યું છે.