ગૌરવ મશરૂવાળા
મોટા ભાગની સમસ્યાઓનો ઉકેલ આપણે ધનસંપત્તિમાંથી શોધવાની કોશિશ કરતાં હોઈએ છીએ. આપણી પાસે ધનસંપત્તિ નહીં હોય તો નસીબને દોષ દઈએ છીએ. કેટલીય વાર આપણા ભવિષ્ય વિશેની ચિંતાનો સંબંધ આવક અને સંપત્તિ સાથે હોય છે.
હકીકત એ છે કે ધનસંપત્તિ પાસે આપણી બેચેનીનો ઉકેલ ભાગ્યે જ હોય છે. રોટી, કપડાં, મકાન અને તંદુરસ્તી જેવી મૂળભૂત જરૂરિયાતો માટે પૈસાની જરૂર ચોક્કસ પડે છે, પણ તે સિવાય જીવનમાં જે સમસ્યાઓ ઊભી થાય છે તેનું નિવારણ ધનસંપત્તિથી થઈ શકતું નથી.
પ્રશ્નો તો રહેવાના જ. અમીર લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે અને દુખી લોકોનો પ્રશ્ર્ન છે કે ભૂખ તો લાગી છે, પણ શું કરીએ!
ઘણા લોકો નિવૃત્ત થવાના યોગ્ય સમય-સંજોગો વિશે સલાહ માગતા હોય છે. સામાન્યપણે તેઓ નિવૃત્તિને સંપત્તિના સંદર્ભમાં જોતા હોય છે. એમનો સ્ટાન્ડર્ડ સવાલ આ હોય છે : કેટલું ભંડોળ એકઠું કરી લીધા પછી હું રિટાયર થાઉં તો વાંધો ન આવે? અમુક નિશ્ચિત પ્રમાણમાં નાણું ભેગું કરવા માટે જે રોજિંદું કંટાળાજનક કામ કરવું પડે છે તેમાંથી તો મુક્તિ જોઈતી હોય છે. હું એવા લોકોના સંપર્કમાં પણ આવું છું જેમને પોતાના વર્તમાન કામમાંથી જરાય આનંદ મળતો હોતો નથી, પણ નિવૃત્ત થયા પછી તેઓ એ કામ કરવા માગે છે જેના પ્રત્યે તેમને દિલથી લગાવ હોય.
આમાંથી આ લોકો પર ખરેખર આર્થિક જવાબદારી હોવાથી અનિચ્છાએ અણગમતું કામ કરતા હોય છે. અમુક લોકો નિશ્ચિત કમાણી કરી લીધા પછી જ પોતાને મનગમતું કામ હાથમાં લેવાનો-કરવાનો નિર્ણય કરે છે. આ બન્નેમાંથી એકેય પ્રકારના લોકોને ક્યારેય આર્થિક આઝાદી મળતી નથી.
એમની સાથે વાત કરતી વખતે હું હંમેશાં સ્ટુઅર્ટ વાઈલ્ડ અને હેન્રી ફોર્ડને ટાંકતો હોઉં છું-
જો તમે તમારી જાતથી સંતુષ્ટ નહીં હો તો દુનિયાભરનું નાણું એકઠું કરી લીધા પછી પણ તમને સંતુષ્ટિનો અનુભવ નહીં થાય.- સ્ટુઅર્ટ વાઈલ્ડ.
જો તમે પૈસાના જોરે આઝાદી ઈચ્છતા હશો તો ક્યારેય આઝાદ નહીં થઈ શકો. આ દુનિયામાં માણસને સલામતીનો નક્કર અહેસાસ આ ત્રણ ચીજો જ કરાવી શકે છે- જ્ઞાન, અનુભવ અને કાબેલિયત.
- હેન્રી ફોર્ડ
આ બન્ને અવતરણમાં ઊંડી ફિલોસોફી છુપાયેલી છે. દુ:ખદ હકીકત એ છે કે આપણામાંના મોટા ભાગના લોકો પોતાની જાત સાથે અને સમાજમાં પોતાના સ્થાન બાબતે સંતુષ્ટ હોતા નથી. આપણે સામાજિક સ્વીકૃતિ મેળવવા માટે મોંઘી બ્રાન્ડનાં કપડાં, મોંઘી કાર, અવનવી જગ્યાએ ગાળવામાં આવતા વેકેશન, વગેરે જેવી બાહ્ય બાબતો પર આધાર રાખીએ છીએ.
આપણી ભૌતિક માલમિલકતની સરખામણી બીજાઓ સાથે કરતાં રહીએ છીએ. જો બીજાઓ કરતાં આપણી ચીજવસ્તુઓ બહેતર હશે તો સુખનો અનુભવ કરીશું, નહીંતર દુખી થઈ જઈશું. આપણું અસ્તિત્વ તુલનાત્મક બની ગયું છે અને ભૌતિકવાદ પર આધારિત થઈ ગયું છે. આ પ્રકારનું સુખ હંમેશાં ક્ષણજીવી સાબિત થવાનું.
હવે આપણે જાણી ગયા છીએ કે પૈસો ખાલીપો પૂરવાનું નહીં, પણ ખાલીપો સર્જવાનું કામ કરે છે. આનો અર્થ એવો નથી કે હું કંગાલિયતથી જીવવાની સલાહ આપી રહ્યો છું. તે પણ કોઈ ઉપાય નથી. સૌથી સંતૃષ્ટ માણસ એ છે જે પોતાની જાત સાથે ખુશ હોય.
યોગિક વેલ્થ
જ્યાં નીતિમૂલ્યો ન હોય એ જગ્યાએ રહેવાનું લક્ષ્મીજીને ગમતું નથી.