અમદાવાદના કૃષ્ણનગરમાં નેપાળી યુવતીએ પ્રેમીના ત્રાસથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલા આ પ્રેમી પંખીડા બે મહિના પહેલાં જ નેપાળથી ભાગીને અમદાવાદ આવ્યા હતા. નેપાળથી અમદાવાદ ભાગીને આવેલી પ્રેમિકાએ પ્રેમીના ત્રાસથી 15 મેના ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બે મહિના પહેલા બંને નેપાળથી ભાગીને અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેવા માટે આવ્યા હતાં. જ્યાં તે બંને લિવ ઈનમાં રહેતા હતાં. એક મહિના સુધી પ્રેમી સારી રીતે રાખતો હતો, પરંતુ ત્યારબાદ યુવતીને ત્રાસ આપતો હતો કોઈપણ સંબંધી સાથે ફોન ઉપર વાત કરવા નહોતો આપતે અને ઘરે જવા દેતો નહોતો.
પ્રેમીના ત્રાસથી કંટાળીને છેવટે પ્રેમિકાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે યુવતીના માતા પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બે મહિનાથી બંને કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા હતા
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એચ. જોશીએ જણાવ્યું હતું કે, 15 મેના રોજ ચેતના બિષ્ટ (ઉ. વ.19, મૂળ રહે. નેપાળ) એ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં મકાનમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જેમાં પોલીસ દ્વારા અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. મૃતક ચેતના તેના પ્રેમી ચેતન બોહરા ( રહે. નેપાળ) સાથે ગત 24 માર્ચ 2026 ના રોજ નેપાળથી ભાગીને અમદાવાદ ખાતે આવી ગઈ હતી. છેલ્લા બે મહિનાથી બંને કૃષ્ણનગર વિસ્તારમાં જ મકાનમાં રહેતા હતા. એક મહિના સુધી ચેતન તેની પ્રેમિકા ચેતનાને સારી રીતે રાખતો હતો પરંતુ ત્યારબાદ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
શરૂઆતમાં સારી રીતે રાખી બાદમાં હેરાન કરી
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં કૃષ્ણનગર ખાતે રહીને ચેતન છૂટક મજૂરી કામ કરતો હતો. શરૂઆતના સમયમાં તે યુવતીને સારી રીતે રાખતો હતો, પરંતુ 5 મેના રોજ યુવતીએ પોતાના પિતાને ફોન કરીને પોતાની આપવીતી વર્ણવી હતી. તેણે જણાવ્યું હતું કે ચેતન તેને ખૂબ હેરાન કરે છે અને ઘરની બહાર જવા કે કોઈ સગા-સંબંધીને મળવા પણ દેતો નથી. આ બંધન અને ત્રાસના પરિણામે યુવતીએ ઘર છોડ્યાના બે મહિના જેટલા ટૂંકા સમયમાં જ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
અમદાવાદ આવેલા પ્રેમી પંખીડાનો કરુણ અંજામ
બંને કોઈ લિવ ઇન કરાર કરેલા નહોતા અને નેપાળમાં ફેસબુક મારફતે સંપર્કમાં આવ્યા હતા બંનેના ગામ પાંચ કિલોમીટર દૂર હતા અને તેઓ ભાગીને અમદાવાદ આવી ગયા હતા. અમદાવાદમાં આરોપી ચેતન છૂટક મજૂરી કામ કરતો હતો. પોલીસે આરોપી ચેતનની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. સાથે જ મૃતક અને આરોપીના મોબાઈલ કબજે કરીને FSLમાં મોકલી અપાયા છે. વધુ પુરાવા મળ્યા બાદ આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ શું આવે છે તે પોલીસ તપાસના અંતમાં જ સામે આવશે.