Tue May 19 2026

Logo

ટૂંકુ ને ટચઃ શરીરને આ રીતે રાખો ઠંડા ઠંડા- કૂલ કૂલ

2026-05-12 11:03:00
Author: Khushbu Mulani Thakkar
Article Image

ખુશ્બુ મુલાણી ઠક્કર

દેશમાં હાલમાં ગરમીનો પારો ખાસ્સો વધી ગયો છે. શરીરને દઝાડનારી ગરમીથી લોકો તોબા પોકારી ગયા છે. એસીની ઠંડી હવા માત્ર શરીરને બહારથી ઠંડક આપે છે, પરંતુ અંદરથી પણ શરીરને ઠંડું રાખવું જરૂરી છે. ગરમીમાં તાજગી અને ઠંડક આપતાં પીણાં શરીરને માત્ર ઠંડું જ નથી કરતા, સાથે એનર્જી પણ આપે છે. અહીં કેટલાક સરળ અને સ્વાદિષ્ટ સમર કૂલ ડ્રિન્ક્સની માહિતી આપેલી છે જે તમે ઉનાળામાં સરળતાથી બનાવી શકો છો. 

છાસ: ગરમીમાં છાસ સૌથી બેસ્ટ વિકલ્પ છે. દહીંમાં પાણી ઉમેરીને મીઠું, જીરું પાઉડર અને લીલા મરચાં-આદુંનો પેસ્ટ ઉમેરો. આ પીણું પાચન માટે પણ ઉત્તમ છે અને શરીરને ઠંડક આપે છે. તમારી ચોઈસ પ્રમાણે ફુદીનો અને કોથમીર પણ નાખી શકાય.

લીંબુ શરબત: લીંબુનું શરબત તાજગી માટે જાણીતું છે. પાણીમાં લીંબુનો રસ, ખાંડ અને થોડું મીઠું મિક્સ કરો. તમે તેમાં ફુદીનાના પાન ઉમેરો તો સ્વાદ વધુ મજેદાર બની જાય છે. આજ લીંબુ શરબતને કેન્ડી મોલ્ડમાં રાખી, આઈસ કેન્ડી પણ બનાવી શકાય. ગરમીમાં ઠંડક આપતાં તકમરીયા પણ ઉમેરી શકાય.

આમ પન્ના: કાચી કેરીથી બનતું આમ પન્ના ગરમીમાં હીટસ્ટ્રોકથી બચાવે છે. તેમાં જીરું, કાળું મીઠું અને ખાંડ ઉમેરવાથી તે સ્વાદિષ્ટ બને છે. આમ પન્નામાં ફુદીનો પણ નાખી શકાય અને તકમરીયા પણ ઉમેરી શકાય.

તરબૂચ જ્યુસ: તરબૂચમાં પાણીનો અંશ વધારે હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે. તરબૂચના ટુકડાઓ બ્લેન્ડ કરીને તેમાં થોડું મીઠું અને લીંબુનો રસ ઉમેરો. અલગ ફ્લેવર માટે તરબૂચ અને દ્રાક્ષને મિક્સ કરી જ્યુસ બનાવી શકાય.

નારિયેળ પાણી: નેચરલ ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર નારિયેળ પાણી શરીરને તરત તાજગી આપે છે અને ડિહાઇડ્રેશન દૂર કરે છે.

ગુલાબ શરબત: ગુલાબનું શરબત ઠંડક માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. પાણીમાં ગુલાબ સિરપ અને બરફ ઉમેરીને પીવો. આ તમને તરત ફ્રેશ ફીલ કરાવશે. અલગ ફ્લેવર માટે ગુલાબના શરબતમાં તકમરીયા, ફુદીનો અને સોડા ઉમેરીને પણ પી શકાય.

આ બધા સમર કૂલ ડ્રિન્ક્સ સરળતાથી ઘરે બનાવી શકાય છે અને હેલ્ધી પણ છે. ગરમીમાં સોફ્ટ ડ્રિન્ક્સ કરતા આ નેચરલ પીણાં વધુ લાભદાયક છે. એનાથી તમે આખો દિવસ ફ્રેશ અને એનર્જેટિક રહી શકો છો.