ભુજ: ગાંધીધામમાં ગોડાઉન પાસે રેલવે ટ્રેક નજીક ગટરના નાળામાંથી કોથળામાં પેક કરેલી હાલતમાં મળી આવેલી યુવકની લાશના ગુનાનો ભેદ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે માત્ર 14 દિવસમાં ઉકેલી લીધો છે. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ લંબાવીને છેક બિહારના પટના જિલ્લામાંથી એક હત્યારાને ઝડપી પાડ્યો છે.
ગત 4થી જુલાઈના રોજ પોલીસને શાંતિલાલ ગોડાઉન નજીક એક નાળામાં કોથળામાં પેક કરવામાં આવેલો અજાણ્યા યુવકનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી મૃતકની ઓળખ 26 વર્ષીય પ્રકાશ પરસોતમભાઈ દેવીપૂજક (રહે. જીઆઇડીસી ઝૂંપડપટ્ટી) તરીકે થઈ હતી. મૃતકના ભાઈ અશોકે 10 જુલાઈના રોજ અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
પીઆઈ એસ. વી. ગોજીયા અને તેમની ટીમે તપાસ દરમિયાન કલાકો લાંબા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં મૃતક પ્રકાશ કાર્ગો ઝૂંપડપટ્ટી તરફ જતો દેખાયો હતો. ગુપ્ત તપાસમાં જાણવા મળ્યું કે પ્રકાશ ગાયબ થયો તે સમયે ત્રણ બિહારી યુવકો સાથે તેની માથાકૂટ થઈ હતી. પોલીસ જ્યારે તપાસ કરવા ગઈ ત્યારે ત્રણેય આરોપીની ઓરડી પર તાળા લટકતા હતા અને તેઓ બિહાર નાસી ગયા હોવાનું ટેકનિકલ સર્વેલન્સમાં બહાર આવ્યું હતું.
પોલીસની એક ટીમ બિહારના પટના જિલ્લાના બકમાબિયા ગામે પહોંચી હતી. સ્થાનિક લોકોમાં ભળી જવા અને આરોપીઓ સતર્ક ન થાય તે માટે પોલીસે બિહારી પહેરવેશ ધારણ કર્યો હતો અને વોચ ગોઠવીને મુખ્ય આરોપી 38 વર્ષીય લાલકુમાર મહતોને ઝડપી લીધો હતો.
પકડાયેલા આરોપી લાલકુમારે ગુનાની કબૂલાત કરતા જણાવ્યું કે, બનાવના દિવસે પ્રકાશ તેમની ઓરડી આસપાસ શંકાસ્પદ હાલતમાં ફરતો હતો. ચોરીની શંકાના આધારે લાલકુમાર અને તેના અન્ય બે સાથીઓએ પ્રકાશને પકડીને તલાશી લેતા તેના ખિસ્સામાંથી બે મોબાઈલ મળી આવ્યા હતા. આથી ત્રણેય જણાએ તેને ઢોર માર માર્યો હતો, જેના કારણે પ્રકાશ બેહોશ થઈ ગયો હતો.

પ્રકાશનું મૃત્યુ થયું હોવાનું સમજીને ગભરાયેલા ત્રણેય આરોપીઓએ તેના બંને પગ બાંધી લાશને કોથળામાં પેક કરી દીધી હતી. રાત્રિના અંધકારમાં ઓરડીથી અડધો કિલોમીટર દૂર નાળામાં લાશ ફેંકીને તેઓ ટ્રેન મારફતે બિહાર ભાગી ગયા હતા. હાલ પોલીસ ફોરેન્સિક ઓટોપ્સીના રિપોર્ટની રાહ જોઈ રહી છે અને અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ ચલાવી રહી છે.
(ઉત્સવ વૈદ્ય)