Sat Jun 20 2026

Logo

ગાંધીધામ: પોલીસથી બચવા બિલ્ડિંગથી કૂદનારો યુવાન મૃત નહીં પણ જીવતો હોવાનો થયો ખુલાસો, જાણો વિગત

2026-06-20 12:36:00
Author: Mayur Patel
Article Image

ભુજઃ ગાંધીધામ શહેરમાં પોલીસની ગેરકાયદે અટકાયત અને ડરના કારણે બિલ્ડિંગ પરથી ઝંપલાવનાર યુવાન દામજી મીઠુભાઈ સીજુ મૃત્યુ પામ્યો હોવાની ચર્ચા વચ્ચે એક મોટો ખુલાસો સામે આવ્યો હતો. આ યુવાન ખરેખર મૃત્યુ નથી પામ્યો પરંતુ જીવિત છે, તેમ તેના પરિવારજનોએ સત્તાવાર રીતે જણાવ્યું હતું. માનવ અધિકાર આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક આદેશમાં વહીવટી ભૂલના કારણે તેને મૃત જાહેર કરી દેવાયો હોવાનું બહાર આવ્યું છે.

શું છે મામલો

આ પ્રકરણની વિગતો મુજબ, ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ દ્વારા દામજી સીજુ નામના યુવાનની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસના અસહ્ય ડર અને ત્રાસના કારણે યુવાને બિલ્ડિંગ પરથી નીચે ઝંપલાવી દીધું હતું, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ માનવ અધિકાર ભંગના મામલે માનવ અધિકાર આયોગમાં કેસ ચાલતો હતો. ભોગ બનનાર યુવાનને વળતર ચૂકવવામાં સરકારે ભારે વિલંબ કર્યો હોવાથી, આયોગે આ મામલે કડક વલણ અપનાવીને તાજેતરમાં રાજ્યના મુખ્ય સચિવ સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

જો કે, માનવ અધિકાર આયોગ દ્વારા જારી કરાયેલા આ સત્તાવાર વોરંટના કાગળોમાં કાનૂની કે ટેક્નિકલ ભૂલના કારણે ભોગ બનનાર યુવાન દામજી સીજુને ‘મૃતક’ તરીકે દર્શાવવામાં આવ્યો છે, જેને પગલે સ્થાનિક સ્તરે યુવાનના મોતના સમાચાર વહેતા થયા હતા. આ અંગે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતાં યુવાનના પરિવારજનોએ જણાવ્યું હતું કે, દામજી હજુ જીવિત છે અને આયોગના પત્રમાં મોટી ભૂલ થઈ છે. વળતર ચૂકવવામાં વહીવટી તંત્રના ઢીલા વલણ સામે આયોગે વોરંટ કાઢતાં હવે ગાંધીધામના આ ચકચારી કસ્ટોડિયલ ટોર્ચરના કિસ્સામાં વધુ તપાસ તેજ બનશે.

(ઉત્સવ વૈદ્ય)