મુંબઈ અને પુણે સહિત રાજ્યભરમાં લાખો બેઠકો ખાલી; બદલાયેલા નિયમોને કારણે વિદ્યાર્થીઓએ લીધો મોટો નિર્ણય
મુંબઈ: ફર્સ્ટ યર જુનિયર કોલેજમાં ફર્સ્ટ રાઉન્ડમાં જ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં બેઠકોની ફાળવણી પહેલેથી જ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ લેવામાં આવ્યો નહોતો. આ પગલું એક નવા નિયમને અનુસરીને વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવ્યું હતું. જેથી તેઓ તેમની પસંદગી મુજબ કોલેજમાં પ્રવેશ મેળવી શકશે. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કુલ 12.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, તેમાંથી 8,87,000 વિદ્યાર્થીઓએ તેમની કોલેજની પસંદગી નક્કી કરી હતી.
પ્રથમ મેરિટ લિસ્ટમાં 5,74,245 જેટલા વિદ્યાર્થીઓને કોલેજ ફાળવવામાં આવી હતી. જેમાં 3,75,668 જેટલા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા CAP દ્વારા કરવામાં આવી હતી. અન્ય 1,99,277 જેટલા વિદ્યાર્થીઓને બેઠક ફાળવણી છતાં તેઓએ એડમિશન લીધું નહોતું.
મુંબઈ ડિવિઝન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 1,33,323 જેટલા વિદ્યાર્થીઓને બેઠક મળી હતી, જેમાંથી 73,397 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો નહોતો. બીજી તરફ પુણે ડિવિઝનમાં 35,380 જેટલા વિદ્યાર્થીઓને બેઠક મળ્યા છતાં પ્રવેશ લીધો નહોતો.
અગાઉ જો કોઈ વિદ્યાર્થી ફાળવેલી બેઠક મુજબની પ્રથમ પસંદગીની કૉલેજને નામંજૂર કરે છે, તો તેવા વિદ્યાર્થીઓને પછીના એડમિશન રાઉન્ડમાં પ્રવેશ મળતો નથી , અને તેને એ પછીના રાઉન્ડની રાહ જોવી પડે છે.
નવા નિયમ અનુસાર વિદ્યાર્થીઓને પસંદગીની કોલેજમાં પ્રવેશ મળતો હોય છતાં તેઓ બાદમાં થનારી અન્ય પ્રવેશ પ્રક્રિયામાં પણ જોડાઈ શકે છે. વિદ્યાર્થીઓ અન્ય પસંદગી માટે તેમની અગાઉ નક્કી કરેલી પસંદગીને બદલી શકે છે.
આચાર્યના નિવેદન મુજબ વિદ્યાર્થીઓ યોગ્ય કોલેજમાં પ્રવેશ મેળવવા માટે અન્ય રાઉન્ડની રાહ જોતા હોય છે અન્ય વિદ્યાર્થીઓ ડિપ્લોમા કોર્સીસ, ITI પ્રોગ્રામ્સ અને CBSE કે ICSE માટે યોગ્ય કોલેજની શોધમાં હોય છે. જેના લીધે પહેલા રાઉન્ડ પછી પણ મોટાભાગની બેઠકો ખાલી રહેતી હોય છે.
સમગ્ર રાજ્યમાં 1.79 લાખ જેટલી બેઠકો હજુ પણ ખાલી છે. જેમાં મુંબઈ ડિવિઝનમાં સૌથી વધુ 4,09,000, પુણેમાં 316,000 અને છત્રપતિ સંભાજી નગરમાં 270,000 જેટલી ખાલી બેઠકો છે.