નવી દિલ્હી: કેન્દ્રીય બજેટમાં મધ્યમ વર્ગ અને એમએસએમઇ માટે અનેક 'સુવિધાજનક' પગલાં લેવામાં આવ્યા છે, અને સરકાર મજબૂરીથી નહીં, પરંતુ ખાતરી અને સ્પષ્ટતા સાથે સુધારાઓ સાથે આગળ વધી રહી છે, એમ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું.
લોકસભામાં નાણા બિલ ૨૦૨૬ પર ચર્ચાનો જવાબ આપતા, સીતારમણે કહ્યું કે નાણાકીય ખાધ નાણાકીય વર્ષ ૨૭માં જીડીપીના ૪.૩ ટકા થવાનો અંદાજ છે, જે નાણાકીય વર્ષ ૨૧માં ૯.૩ ટકા હતો, અને દેશનો દેવા-થી-જીડીપી ગુણોત્તર ઘટતા માર્ગે છે અને મોટાભાગની મુખ્ય અર્થવ્યવસ્થાઓ કરતા ઓછો છે. લોકસભાએ ૩૨ સરકારી સુધારાઓ શામેલ કર્યા પછી ધ્વનિ મત દ્વારા નાણા બિલ ૨૦૨૬ પસાર કર્યું હતું.
સીતારમણે કહ્યું કે નાણા બિલ, ૨૦૨૬ પાંચ મુખ્ય સિદ્ધાંતો - વિશ્વાસ આધારિત કર વહીવટ; નાગરિકો માટે જીવન જીવવાની સરળતા; ખેડૂતો, MSME અને સહકારી સંસ્થાઓનું સશક્તિકરણ; ભારતને મજબૂત વૈશ્વિક વ્યાપાર કેન્દ્ર બનાવવું; અને સરળ વેપાર સુવિધા અને કસ્ટમ સુધારા પર આધારિત છે.
૨૦૨૬-૨૭ નાણાકીય વર્ષના બજેટમાં મધ્યમ વર્ગને બાકાત રાખવામાં આવ્યો હોવાના વિપક્ષના આરોપને નકારી કાઢતા, એમણે વિદેશી શિક્ષણ અને તબીબી સારવાર માટે લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળ કરવામાં આવતી ચુકવણી પર ટીસીએસ દરમાં ઘટાડો જેવા પગલાંઓની યાદી આપી હતી. ઉપરાંત, વિદેશી પ્રવાસ પેકેજો પર ટીસીએસ અગાઉના ૨૦ ટકાથી ઘટાડીને ૨ ટકા કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે નાણા બિલમાં ૧૭ મહત્વપૂર્ણ દવાઓ પર કસ્ટમ ડ્યુટી મુક્તિ અને દવાઓ અને વ્યક્તિગત ઉપયોગની ડ્યુટી-મુક્ત આયાતની જોગવાઈ છે.
આ ઉપરાંત, કરદાતાઓનું જીવન સરળ બનાવવા માટે, જ્યાં પુનઃમૂલ્યાંકન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યાં પણ અપડેટેડ આઈટી રિટર્ન ફાઇલ કરવાની સુવિધાને મંજૂરી આપવામાં આવી છે, અને નાના કરદાતાઓ માટે વિદેશી સંપત્તિ જાહેર કરવાની યોજના લાવવામાં આવી છે.
કસ્ટમ્સ અધિકારીઓ સાથે એરપોર્ટ પર વિવાદો ઘટાડવા માટે, નાણા બિલ ભારતમાં લાવવામાં આવતી ભેટો અને વસ્તુઓ પર ટેરિફને તર્કસંગત બનાવવાની જોગવાઈ કરે છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં ઉતરતી વખતે મુસાફરોને હવે ચિંતા કરવાની જરૂર નહીં પડે,આનો હેતુ મધ્યમ વર્ગ, મુસાફરો, સામાન્ય નાગરિકોને સુવિધા આપવાનો છે અને તે વધુ સંપત્તિ ધરાવતા વ્યક્તિઓ માટે નથી.