જીનિવાઃ આગામી જૂન મહિનામાં અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં યોજાનારા ફિફા (Fifa) ફૂટબૉલ વર્લ્ડ કપમાં ઇરાન (Iran)ની ત્રણ મૅચ અમેરિકામાં રમાવાની છે, પરંતુ પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ (Trump) થોડા દિવસ પહેલાં જ કહી ચૂક્યા છે કે અમેરિકામાં તેઓ ઇરાનના ફૂટબૉલર્સની સલામતી વિશે કોઈ જ ખાતરી આપી શકે એમ નથી અને એ ટિપ્પણીને ધ્યાનમાં લઈને ઇરાને પોતાની મૅચો મેક્સિકોમાં રાખવા ફિફાને વિનંતી કરી છે. જોકે ફિફાનો આગ્રહ છે કે તમામ દેશોએ ત્રણ મહિના પહેલાં બનેલા મૂળ શેડ્યૂલને જ વળગી રહેવું જોઈએ.
11મી જૂનથી 19મી જુલાઈ સુધી રમાનારા ફિફા વર્લ્ડ કપમાં મધ્ય-પૂર્વના કેટલાક દેશો સહિત કુલ 48 રાષ્ટ્રની ટીમ ભાગ લેશે. ટ્રમ્પે તાજેતરમાં એક સ્પીચમાં એવું કહ્યું હતું કે `અમેરિકામાં ઇરાનની ફૂટબૉલ ટીમ વર્લ્ડ કપ રમવા આવવાની છે, પણ હું તેમની સલામતીની કોઈ ખાતરી અત્યારે આપી ન શકું.'
ટ્રમ્પના આવા અભિગમથી ઇરાને મેક્સિકોનો સંપર્ક કર્યો છે. અમેરિકા સાથે મેક્સિકોના રાજકીય સંબંધો સારા નથી. મેક્સિકોનાં પ્રમુખ ક્લૉડિયા શિનબૉમે કહ્યું છે કે `જૂનમાં ઇરાન જો એની મૅચો અમારે ત્યાં રમવા માગશે તો અમે તેમના યજમાન બનવા ઉત્સુક છીએ. તેઓ અમેરિકાને બદલે અમારે ત્યાં તેમની મૅચો રમી શકે છે.' ક્લૉડિયા આ ફેરફાર સંબંધમાં ફિફા સાથે વાટાઘાટ કરી રહ્યાં છે.
મધ્ય-પૂર્વમાં 20 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર હજારો હુમલા કર્યા છે. જોકે ઇરાને ઇઝરાયલ ઉપરાંત અખાતના દેશોમાં જ્યાં અમેરિકાના હવાઈ મથકો સહિતના જે મથકો છે ત્યાં ભારે હુમલા કર્યા છે.