Mon Sep 07 2026

Logo

એફડીએએ કોઈ એજન્ટ નીમ્યા નથી: વેપારીઓને સતર્ક રહેવા સૂચના

2026-08-13 20:21:36
Author: Yogesh C. Patel
એફડીએએ કોઈ એજન્ટ નીમ્યા નથી: વેપારીઓને સતર્ક રહેવા સૂચના

મુંબઈ: મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)એ ગુરુવારે જણાવ્યું હતું કે ફૂડ ઍન્ડ ડ્રગ લાઈસન્સ પ્રાપ્ત કરવા માટે તેમણે કોઈ એજન્ટ, વચેટિયા, થર્ડ પાર્ટી અથવા સંસ્થાની નિયુક્તિ કરી નથી

લાઈસન્સ મેળવવા માટે એજન્ટ કે વચેટિયાની જરૂર નથી અને એફડીએએ આ કામ માટે કોઈને નીમ્યા નથી, એવું એફડીએના કમિશનર તુકારામ મુંઢેએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

દવાના ઉત્પાદકો, હોલસેલર્સ, રિટેઈલર્સ અને ફૂડ બિઝનેસ ઑપરેટર્સે એફડીએ એજન્ટ હોવાનો દાવો કરનારી કોઈ પણ વ્યક્તિ પર ભરોસો કરવો નહીં, એવું તેમણે જણાવ્યું હતું.

અમુક ઠગ મહારાષ્ટ્ર એફડીએના એજન્ટ હોવાનો દાવો કરીને લાઈસન્સ પ્રાપ્ત કરી આપવાને બહાને નાણાંની માગણી કરી અધિકારીઓ અને કર્મચારીઓના નામનો દુરુપયોગ કરતા હોવાની માહિતી એફડીએને મળી હતી, જેને પગલે આ સ્પષ્ટતા કરવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે ફૂડ ઍન્ડ ડ્રગ લાઈન્સ માટે અરજી કરવાની પૂર્ણ પ્રક્રિયા ઑનલાઈન છે. આ રીતે કોઈ નાણાં પડાવે તો તેની ફરિયાદ તાત્કાલિક એફડીએ કમિશનરની ઑફિસમાં કરવાની અપીલ નાગરિકોને કરવામાં આવી છે.

(પીટીઆઈ)