Thu Sep 03 2026

Logo

આંબેડકરની જન્મજયંતીને તેમના વિચારોના ઉત્સવ તરીકે ઉજવો: ફડણવીસ

2026-04-03 18:10:29
Author: Vipul Vaidya
આંબેડકરની જન્મજયંતીને તેમના વિચારોના ઉત્સવ તરીકે ઉજવો: ફડણવીસ

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે ડો. બી. આર. આંબેડકરની જન્મજયંતીને ‘તેમના વિચારોના ઉત્સવ’ તરીકે ઉજવવાની અપીલ કરી હતી અને દલિત નેતાના વિચારો અને યોગદાનને સમાજના તમામ વર્ગોમાં ફેલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.14 એપ્રિલે આંબેડકરની 135મી જન્મજયંતિની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરતા, ફડણવીસે જણાવ્યું હતું કે મહાન નેતા દ્વારા પ્રદાન કરાયેલા બંધારણ અને દ્રષ્ટિકોણ રાષ્ટ્રની પ્રગતિને માર્ગદર્શન આપે છે.

મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) તરફથી એક પ્રકાશનમાં ફડણવીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મહાન નેતાઓની જન્મજયંતીની ઉજવણી ધાર્મિક વિધિઓથી આગળ વધીને ભવિષ્યની પેઢીઓને તેમના વિચારો અને પ્રેરણા આપવાના સાધન તરીકે સેવા આપવી જોઈએ.‘ડો. આંબેડકર દ્વારા આપવામાં આવેલ બંધારણ વિશ્ર્વના શ્રેષ્ઠમાંનું એક છે, અને તેના સમાવેશી સિદ્ધાંતો ભારતને વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધવામાં મદદ કરી રહ્યા છે,’ એમ તેમણે કહ્યું હતું. 

ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દર વર્ષે ઉજવણીને વધુ અર્થપૂર્ણ અને ભવ્ય બનાવવા માટે પ્રયાસો કરી રહી છે.14 એપ્રિલે લાખો અનુયાયી દાદરમાં ચૈત્યભૂમિની મુલાકાત લેવા માટે શ્રદ્ધાંજલિ આપવા આવે તેવી અપેક્ષા હોવાથી, મુખ્ય પ્રધાને અધિકારીઓને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવા જણાવ્યું હતું, જેમાં મુલાકાતીઓને ગરમીથી બચાવવા માટે આશ્રયસ્થાનો, પીવાના પાણીની પૂરતી સુવિધા અને દાદર અને નજીકના વિસ્તારોમાં યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે.

તેમણે અધિકારીઓને જનતા માટે માહિતી બોર્ડ લગાવવા અને દાદર રેલવે સ્ટેશન અને ચૈત્યભૂમિ વચ્ચે પૂરતી બસ સેવાઓ સુનિશ્ર્ચિત કરવા પણ સૂચના આપી હતી.સામાજિક ન્યાય ખાતાના પ્રધાન સંજય શિરસાટે જણાવ્યું હતું કે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરીઓ દ્વારા બંધારણને દરેક ઘર સુધી પહોંચાડવાની પહેલ અમલમાં મૂકવામાં આવી રહી છે.

આંબેડકરના ‘શિક્ષિત કરો, સંગઠિત થાઓ અને આંદોલન કરો’ના સંદેશને અનુરૂપ મોટા પાયે વિદ્યાર્થી છાત્રાલયો બનાવવામાં આવી રહ્યા છે અને આ વર્ષે ઉજવણીના ભાગ રૂપે વિશેષ પહેલ હાથ ધરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.તેમણે ઉમેર્યું હતું કે 13 એપ્રિલે ચૈત્યભૂમિ ખાતે ડો. આંબેડકરના જીવન પર આધારિત ડ્રોન શો યોજાશે.સીએમઓના નિવેદનમાં જણાવાયું છે કે બેઠકમાં પોલીસ ઔપચારિક સલામી, હેલિકોપ્ટર દ્વારા પુષ્પાંજલિ, રહેવાની સુવિધાઓ, કટોકટી અને તબીબી સેવાઓ, પ્રદર્શન મંડપ અને સ્મારક સ્થળની સજાવટ સહિતની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.