Fri Sep 04 2026

Logo

બેરસ્ટૉની સાથે ફ્લિન્ટૉફ પણ દુબઈમાં ફસાઈ ગયો! ઇંગ્લૅન્ડની મહિલા ટીમનો પ્રવાસ રદ...

Dubai   2026-03-01 18:36:02
Author: Ajay Motiwala
બેરસ્ટૉની સાથે ફ્લિન્ટૉફ પણ દુબઈમાં ફસાઈ ગયો! ઇંગ્લૅન્ડની મહિલા ટીમનો પ્રવાસ રદ...

IANS


દુબઈઃ ઇંગ્લૅન્ડમાં ઇંગ્લૅન્ડ લાયન્સ (England Lions) નામની ક્રિકેટ ટીમ નૅશનલ ટીમ પછીની બીજા નંબરની ટીમ ગણાય છે અને એ ટીમના ખેલાડીઓ તેમ જ કોચિંગ-સ્ટાફ ઇરાનના હુમલાઓને કારણે દુબઈમાં અટવાઈ ગયા એમાં કોચિંગ-સ્ટાફના મેમ્બર જૉની બેરસ્ટૉ (Bairstow) ઉપરાંત હેડ-કોચ ઍન્ડ્રયૂ ફ્લિન્ટૉફનો પણ સમાવેશ છે અને તેમણે છૂટવા માટે બ્રિટિશ વડા પ્રધાન કેઇર સ્ટાર્મરની રવિવારે `એક્સ' પર મદદ માગી હતી.

દરમ્યાન, ઇંગ્લૅન્ડની મહિલા ક્રિકેટ ટીમ આ અઠવાડિયે પ્રૅક્ટિસ કૅમ્પ માટે દુબઈ (Dubai) જવાની હતી, પરંતુ અમેરિકા-ઇઝરાયલના ઇરાન સામેના યુદ્ધને પગલે એ પ્રવાસ હાલમાં રદ કરવામાં આવ્યો છે.

રવિવાર, પહેલી માર્ચે દુબઈમાં ઇંગ્લૅન્ડ લાયન્સની પાકિસ્તાન શાહીન્સ સાથે મૅચ રમાવાની હતી જે મૅચ યુદ્ધને કારણે રદ કરવામાં આવી હતી અને બેરસ્ટૉ તથા ફ્લિન્ટૉફે ઇંગ્લૅન્ડ લાયન્સ ટીમના ખેલાડીઓ તેમ જ તમામ સ્ટાફ મેમ્બર્સ સુખરૂપ ઇંગ્લૅન્ડ પાછા પહોંચી જાય એવી આશા સાથે વડા પ્રધાન સ્ટાર્મરને મદદ કરવાની અપીલ કરી હતી.

ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડના ટોચના હોદ્દેદારે પત્રકારોને જણાવ્યું હતું કે દુબઈમાં ઇંગ્લૅન્ડ લાયન્સ ટીમના તમામ મેમ્બર્સની સંપૂર્ણ સલામતી એ ઇંગ્લૅન્ડના બોર્ડની જવાબદારી છે અને તેઓ સલામતી નિષ્ણાતો સહિત તમામ સંબંધિતો સાથે સતત સંપર્કમાં છે. ઇરાને દુબઈ ઍરપોર્ટ ઉપરાંત કેટલીક જાણીતી હૉટેલને પણ નિશાન બનાવતાં બ્રિટિશ ખેલાડીઓ તેમ જ પાકિસ્તાન શાહીન્સના ખેલાડીઓના પરિવારો ચિંતિત છે.