Mon Sep 07 2026

Logo

ચૂંટણી પરિણામ 2026: મતોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો રાઉન્ડ નક્કી કરવાનો ચૂંટણી પંચનો ખાસ ફોર્મ્યુલા

2026-05-04 15:07:58
Author: Darshana Visaria
ચૂંટણી પરિણામ 2026: મતોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો રાઉન્ડ નક્કી કરવાનો ચૂંટણી પંચનો ખાસ ફોર્મ્યુલા

આજે વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોની ગણતરી ચાલી રહી છે અને એની સાથે જ રાજકીય સમીકરણોમાં પણ મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે જે પરિણામો આપણે જોઈએ છીએ એ પરિણામો જાહેર કરવા માટેની મત ગણતરી કઈ રીતે કરવામાં આવે છે અને એના રાઉન્ડ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? ચાલો આજે આ સ્ટોરીમાં તમને આ વિશે વિસ્તારથી જણાવીએ... 

ચૂંટણીમાં કોઈ પણ વિધાનસભા બેઠક પર મતોની ગણતરી કેટલા રાઉન્ડમાં પૂરી થશે તેની સંખ્યા અગાઉથી નક્કી હોતી નથી. આ પ્રક્રિયા સંપૂર્ણપણે તે વિધાનસભા ક્ષેત્રમાં રહેલાં કુલ પોલિંગ બૂથની સંખ્યા પર આધારિત હોય છે. આ ઉપરાંત, મતગણતરી કેન્દ્રના હોલમાં લગાવવામાં આવેલા ટેબલની સંખ્યા પણ મહત્વની ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે એક રાઉન્ડની ગણતરીમાં તેટલા જ પોલિંગ બૂથના મતો ગણવામાં આવે છે જેટલા ટેબલ તે હોલમાં લગાવ્યા હોય છે.

વાત કરીએ રાઉન્ડની ગણતરીના ઉદાહરણની તો ઈલેક્શન કમિશનના નિયમ અનુસાર, એક હોલમાં સામાન્ય રીતે 14 ટેબલ ગોઠવવામાં આવે છે. રાઉન્ડની સંખ્યા જાણવા માટે કુલ પોલિંગ સ્ટેશનની સંખ્યાને 14 વડે ભાગવામાં આવે છે. દાખલા તરીકે, જો કોઈ બેઠક પર 280 પોલિંગ સ્ટેશન હોય, તો 280ને 14 વડે ભાગતા જવાબ 20 આવે છે, જેનો અર્થ છે કે એ બેઠક પર મતોની ગણતરી 20 રાઉન્ડમાં પૂર્ણ થશે. જો કોઈ બેઠક પર પોલિંગ બૂથ વધારે હોય તો ત્યાં રાઉન્ડની સંખ્યા વધી પણ શકે છે.

મતગણતરીના દિવસે સવારે આઠ વાગ્યે સૌથી પહેલા પોસ્ટલ બેલેટથી આવેલા મતની ગણતરી હાથ ધરવામાં આવે છે. જેમાં સરકારી કર્મચારીઓ, સેનાના જવાનો અને ઈલેક્શન ડ્યુટીમાં તહેનાત લોકોના મતો હોય છે. આ ગણતરી પૂરી થયાના બરાબર અડધા કલાક પછી એટલે કે સવારે સાડાઆઠ વાગ્યે ઈવીએમના મતની ગણતરી શરૂ કરવામાં આવે છે. જ્યારે તમામ 14 ટેબલ પર ઈવીએમના મતની ગણતરી પૂરી થાય ત્યારે તેને એક રાઉન્ડ પૂર્ણ થયેલો માનવામાં આવે છે અને ત્યારબાદ જ આગામી રાઉન્ડના ઈવીએમ મશીનો ટેબલ પર લાવવામાં આવે છે.

દરેક રાઉન્ડની ગણતરી પૂરી થયા પછી તેના પરિણામને રિટર્નિંગ ઓફિસર દ્વારા બ્લેકબોર્ડ અથવા સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવે છે અને તેની સત્તાવાર જાહેરાત થાય છે. તમામ રાઉન્ડની ગણતરી પૂરી થયા બાદ, નિયમ મુજબ કોઈ પણ પાંચ રેન્ડમ પોલિંગ બૂથની વીવીપીએટી પર્ચોની ગણતરી કરવામાં આવે છે. આ રસીદનો ઈવીએમમાં નોંધાયેલા મતો સાથે મિલાન કરવામાં આવે છે. જો બંને આંકડા સાચા મળે, તો જ અંતિમ પરિણામ જાહેર કરી વિજેતા ઉમેદવારને પ્રમાણપત્ર આપવામાં આવે છે.