Mon May 04 2026

Logo

સીએમ પિનરાઈ વિજયનના 13 મંત્રી હાર્યાંઃ કોંગ્રેસ ગઠબંધન (UDF)ના ચક્રવાતમાં LDF ધરાશાયી

2026-05-04 19:55:59
Author: Mumbai Samachar Team
Article Image

થિરુવનંતપુરમઃ ભારતમાં ડાબેરી પક્ષો પોતાનો જનાધાર ગુમાવી રહી હોય તેવું લાગે છે. કેરલમના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનના નેતૃત્વ હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ)ની હાર ડાબેરીઓ માટે મોટો આંચકો છે. પાંચ દાયકામાં આ પહેલી વાર બનશે, જ્યારે ભારતમાં કોઈ કમ્યુનિસ્ટ મુખ્ય પ્રધાન નહીં હોય.

કેરળ વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનના નેતૃત્વ હેઠળની એલડીએફ મંત્રીમંડળના 21 સભ્યોમાંથી 13 સભ્યોનો પરાજય થયો હતો, કારણ કે રાજ્યભરમાં શાસક મોરચાને મોટો ફટકો પડ્યો હતો. 21 મંત્રીઓમાંથી ફક્ત મુખ્ય પ્રધાન  કે રાજન (મહેસૂલ), જીઆર અનિલ (નાગરિક પુરવઠા), કેએન બાલગોપાલ (નાણા), પી. પ્રસાદ (કૃષિ) અને સાજી ચેરિયન (સાંસ્કૃતિક બાબતો) જ વિજયી બન્યા હતા. હારનારાઓ મંત્રીઓમાં આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જનો સમાવેશ થાય છે, જે ત્રીજી વખત અરનમુલાથી ચૂંટણી લડી રહ્યા હતા.

એલડીએફ સરકારના અંતિમ વર્ષ દરમિયાન અનેક કથિત તબીબી બેદરકારીની ઘટનાઓને કારણે ટીકાનો સામનો કરી ચૂકેલા જ્યોર્જ કોંગ્રેસના ઉમેદવાર અબીન વર્ગી સામે 18,985 મતોના માર્જિનથી હારી ગયા હતા. વર્ગીએ જ્યોર્જના 51,098 મતો સામે 70,083 મતો મેળવ્યા, જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા કુમ્મનમ રાજશેખરન 34,983 મતો સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા.

કેરળ કેબિનેટના સૌથી લોકપ્રિય સભ્યમાંના એક મંત્રી વી.એન. વસાવન કોટ્ટાયમના એટ્ટુમાનૂરમાં કોંગ્રેસના ઉમેદવાર નટ્ટાકોમ સુરેશ સામે 19,752 મતોથી હારી ગયા હતા.  શિક્ષણ મંત્રી વી. શિવનકુટ્ટીએ તિરુવનંતપુરમના નેમોમ મતવિસ્તારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખર સામે કડક લડાઈ આપી હતી, પરંતુ 3,500થી વધુ મતોથી હારી ગયા હતા. 

બીજી એક હાઇ-પ્રોફાઇલ હાર કેરળ કોંગ્રેસ (બી)ના નેતા અને પરિવહન મંત્રી કે. બી. ગણેશ કુમારની હતી, જેમને 2001 પછી તેમની ચૂંટણી કારકિર્દીમાં પહેલી વાર હારનો સામનો કરવો પડ્યો. તેઓ કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિ કુમાર ચામક્કલા સામે 8,310 મતોથી હારી ગયા હતા.

કેરળ કોંગ્રેસ (એમ)ના એલડીએફ મંત્રી રોશી ઓગસ્ટિનને પણ ઇડુક્કીમાં ભારે હારનો સામનો કરવો પડ્યો, તેઓ કોંગ્રેસના ઉમેદવાર રોય કે. પૌલોસ સામે 23,822 મતોથી હારી ગયા હતા. ઉદ્યોગ મંત્રી પી રાજીવનો એર્નાકુલમ જિલ્લાના કલામાસેરીમાં પરાજય થયો હતો, તેઓ આઈયુએમએલ નેતા વી.ઈ. અબ્દુલ ગફૂર સામે 16,312 મતોથી હારી ગયા હતા. સીપીઆઈ નેતા અને મંત્રી જે. ચિંચુરાની ચદયમંગલમમાં કોંગ્રેસના ઉમેદવાર એમ.એમ. નસીર સામે 7400થી વધુ મતોથી પરાજય થયો હતો.

કોંગ્રેસ (સેક્યુલર)ના વરિષ્ઠ નેતા અને મંત્રી કડનપ્પલ્લી રામચંદ્રનનો કોંગ્રેસના ઉમેદવાર ટી.ઓ. મોહનન સામે 18,530થી વધુ મતોથી પરાજય થયો હતો. મંત્રી ઓ.આર. કેલુનો વાયનાડના મનંતવાડીમાં કોંગ્રેસના ઉમેદવાર ઉષા વિજયન સામે 10,513 મતોથી પરાજય થયો હતો. 
બીજી હાર એનસીપી (એસપી)ના નેતા અને મંત્રી એકે સસીન્દ્રનનો હતી, જેઓ કોઝિકોડના એલાથુરમાં 12,162 મતોથી કોંગ્રેસના ઉમેદવાર વિદ્યા બાલકૃષ્ણન સામે પરાજય થયો હતો.

સ્થાનિક સ્વરાજ્ય મંત્રી એમ.બી. રાજેશ યુડીએફ લહેરનો ભોગ બન્યા હતા તેઓ કોંગ્રેસના નેતા વી.ટી. બલરામ સામે 8385 મતોથી હારી ગયા હતા. ઉચ્ચ શિક્ષણ પ્રધાન આર બિંદુ કેરળના કોંગ્રેસના નેતા થોમસ ઉન્નીયાદન સામે થ્રિસુર જિલ્લાના ઇરિંજાલકુડામાં 10,212 મતોથી હારી ગયા હતા. રમતગમત મંત્રી વી અબ્દુરહીમાન મલપ્પુરમના તિરુરથી ચૂંટણી લડતા આઈયુએમએલના કુરુકોલી મોઈદીન સામે 24,137 મતોથી હારી ગયા હતા.