Mon May 04 2026

Logo

પૂર્વમાં મોદી મેજિક અને કેરલમમાં કોંગ્રેસની સુનામી! જુઓ સાત વાગ્યા સુધીના ચૂંટણી પરિણામો

2026-05-04 19:31:29
Author: Devayat Khatana
Article Image

 નવી દિલ્હી: આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં મતગણતરીના આંકડાઓ સામે આવી રહ્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. તો આસામમાં પણ ભાજપની મજબૂત પકડ અકબંધ રહી છે. જ્યારે દક્ષિણ ભારતના રાજયોમાં કોંગ્રેસ અને સ્થાનિક પાર્ટીઓએ તેમની દમદાર પકડને સાબિત કરી બતાવી છે.  

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આસામમાં ભારતીય જનતા પાર્ટી (BJP) 82 બેઠકો સાથે પ્રબળ વિજેતા તરીકે ઉભરી આવી છે, જેમાં તેણે 65 બેઠકો જીતી લીધી છે અને 17 પર લીડ ધરાવે છે. જ્યારે કોંગ્રેસ (INC) માત્ર 19 બેઠકો સુધી મર્યાદિત રહી છે. પશ્ચિમ બંગાળમાં પણ ભાજપે ઐતિહાસિક દેખાવ કર્યો છે, જ્યાં કુલ 293 બેઠકોમાંથી પાર્ટી 204 બેઠકો પર જીત અને લીડ સાથે બહુમતી તરફ આગળ વધી રહી છે. તેની સામે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC) માત્ર 83 બેઠકો પર જ સંઘર્ષ કરતી જોવા મળી રહી છે.

દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરીએ તો, કેરળમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC) સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો છે, જેણે 63 બેઠકો જીતી લીધી છે. તેની સામે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) 26 બેઠકો સાથે બીજા ક્રમે છે. તમિલનાડુમાં 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) 108 બેઠકો પર જીત અને લીડ સાથે મજબૂત પકડ ધરાવે છે, જ્યારે દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) 60 બેઠકો અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ (ADMK) 45 બેઠકો પર છે.

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ઓલ ઇન્ડિયા એન.આર. કોંગ્રેસ (AINRC) 12 બેઠકો સાથે સરસાઈ ધરાવે છે. અહીં DMK 5 બેઠકો અને ભાજપ 4 બેઠકો પર પોતાની પકડ જાળવી રહ્યા છે. સમગ્ર રીતે જોતા, પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે, જ્યારે કેરળમાં કોંગ્રેસ અને તમિલનાડુમાં પ્રાદેશિક પક્ષોનું પ્રભુત્વ યથાવત છે. આ આંકડાઓ રાજ્યોના ભવિષ્યના રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારોના સંકેત આપે છે.