ભરત ભારદ્વાજ
`નીટ' પેપર મામલે કોક્રૉચ જનતા પાર્ટી (સીજેપી)ના દેખાવોને `ધુરંધર' સ્ટાઈલની ધાંય ધાંય સફળતા મળી ને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બિસ્તરાં પોટલાં બાંધીને રવાના થવું પડ્યું તેમાંથી પ્રેરણા લઈને ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલના વિરોધમાં પણ ઓનલાઈન ઝુંબેશ શરૂ થઈ છે. ચળવળકાર તેહસીન પૂનાવાલાના ટીમ ભારત નામના સંગઠને આ આંદોલનના ભાગરૂપે શુક્રવારે દિલ્હીમાં સંસદની સામે ગડ્ડી માર્ચ યોજવાની જાહેરાત કરેલી. પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલની ભેળસેળ કરીને વેચાતા ઈ-20 પેટ્રોલનો વિરોધ કરવા માટેની આ ગડ્ડી માર્ચને પોલીસે મંજૂરી ના આપતાં આ કૂચ મોકૂફ રાખવી પડી પણ સોશ્યલ મીડિયા પર ઈ-20નો વિરોધ જોરશોરથી ચાલુ છે.
દિલ્હીની ચૂંટણીમાં ભાજપ સામે ભૂંડી રીતે હારી ગયા પછી ફરી બેઠા થવા ફાંફાં મારતા આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ શનિવારે દિલ્હીમાં દેખાવો કરવાના છે. કેજરીવાલ દેખાવો કરી શકશે કે નહીં તેની ખબર આજે પડી જશે પણ ઈ-20 સામેના વિરોધે સરકારને દોડતી કરી દીધી છે તેમાં શંકા નથી. પૂનાવાલાની ટીમ ભારતે સીજેપીમાંથી પ્રેરણા લઈને ઈ -20 પેટ્રોલ વેચવાનું બંધ ના કરાય તો સીજેપીની જેમ જંતર મંતર ખાતે ધરણાં કરવાની પૂરી તૈયારી હોવાનું એલાન કર્યું છે.
સીજેપીની જેમ આ આંદોલન મોટું થાય ને સરકારની આબરૂનો વધારે ફજેતો ના થાય એ માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આ વિરોધને ઉગતો જ ડામી દેવા માટે મથામણ શરૂકરી છે. તેના ભાગરૂપે કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી હરદીપસિંહ પુરીને શુક્રવારના દેખાવોના એક દિવસ પહેલાં ટીમ ભારતના પ્રતિનિધીઓને મળવા દોડાવાયા. પુરીની ટીમ ભારતના પ્રતિનિધીઓ સાથેની મીટિગ લગભગ ચાર કલાક લગી ચાલી. સ્વાભાવિક રીતે જ ચાર કલાક લગી બધાંએ એકબીજાના ખબરઅંતર તો ના જ પૂછ્યા હોય તેથી લાંબી ચર્ચા તો થઈ જ હશે પણ તેની વિગતો બહાર આવી નથી પણ મોટા ભાગે ટીમ ભારતે પોતાની માગો અંગેના પુરાવા રજૂ કર્યા હશે.
ટીમ ભારતનું કહેવું છે કે, ઈ-20 પેટ્રોલના કારણે વાહનોનાં એન્જિનને ભારે નુકસાન થઈ રહ્યું છે ને કારમાલિકોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. માઈલેજ ઘટે છે તેથી સરવાળે બોજ વધે છે ને એન્જિનને નુકસાન થાય છે તેથી મેનટેનન્સનો ખર્ચ પણ વધે છે. આમ કારમાલિકોને ઈ-20 પેટ્રોલ વાપરવાથી ચારે બાજુથી ફટકો પડે છે. આ ફટકો ના પડે એ માટે ટીમ ભારતે કેટલીક માગણીઓ પણ મૂકી છે.
ટીમ ભારતની મુખ્ય માગ એ છે કે, 2023 પહેલાં બનેલાં લાખો વાહનો માટે ઇ-10 પેટ્રોલ ઉપલબ્ધ કરાવવામાં આવે. આ વાહનો ઇ-20 પેટ્રોલના સતત ઉપયોગ માટે બનાવવામાં આવ્યા ન હોવાથી તેમને સતત નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત દેશભરના પેટ્રોલ પંપ પર શુદ્ધ પેટ્રોલ (ઇઓ) વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે જ્યારે ઇ-20 પેટ્રોલના ભાવ શુદ્ધ પેટ્રોલની સરખામણીમાં 20 ટકા ઓછા રાખવા જોઈએ.
ટીમ ભારતનો દાવો તો એવો પણ છે કે, પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાનો આખો ખેલ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના છોકરાઓની કંપનીઓને ફાયદો કરાવવા કરાઈ રહ્યો છે તેથી ગડકરીને પણ ધર્મેન્દ્ર પ્રધાનની જેમ ઘરભેગા કરી દેવા જોઈએ. આ માગ પુરી સામે મૂકાઈ કે નહીં એ ખબર નથી. પુરીએ બીજી માગો અંગે શું જવાબ આપ્યો એ પણ ખબર નથી પણ પુરી ઈ-20ના ફાયદા ગણાવવાથી વધારે બીજું શું કહેવાના? પુરી તો ચિઠ્ઠીના ચાકર છે એટલે સાહેબના દોડાવ્યા દોડી આવ્યા ને સાહેબને જઈને બધો રિપોર્ટ આપી દેશે. તેના આધારે હવે પછી શું કરવું એ સરકાર નક્કી કરશે પણ ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલના મુદ્દે સરકાર લાંબુ પહોળું ચિતરામણ કરીને બેસી ગઈ હોવાથી સરકાર પારોઠનાં પગલાં ભરી શકે તેમ નથી એ જોતાં ટીમ ભારતની માંગણીઓ સ્વીકારાય એવી શક્યતા નથી.
સરકારની હાલત અત્યારે દૂધનો દાઝ્યો છાસ ફૂંકી ફૂંકીને પીવે એવી છે. સીજેપીએ ઈજજતનો કચરો કરી નાંખ્યો તેથી જેન-ઝી જોરમાં છે. જેન-ઝી હઈસો હઈસો કરીને ઈ-20 પેટ્રોલ વિરોધના આંદોલનમાં પણ કૂદી પડે તો આખી દુનિયામાં હાંસીને પાત્ર થઈ જવું પડે તેથી સરકારે સતર્કતા વાપરીને પહેલેથી આંદોલનને શાંત પાડવા માટે પુરીને દોડાવ્યા, બાકી સરકારે તો આ આંદોલનની હવા કાઢવા માટે પણ નીટ પેપર લીક મુદ્દે અપનાવેલી એ જ રણનીતિ અપનાવી છે. મતલબ કે સોશિયલ મીડિયા પર ધમાધમી બોલાવીને લોકોને ભ્રમિત કરી નાંખવા.
પૂનાવાલા આણિ મંડળીને પાકિસ્તાન-ચીનના એજન્ટ ગણાવવામાં જોખમ છે કેમ કે અભિજીત દીપકેની ટીમને પાકિસ્તાન-ચીનના એજન્ટ ગણાવવા ને દેશદ્રોહી ચિતરવા જતાં જેન-ઝી વધારે ભડકી ગયેલી. આ વખતે એવી સ્થિતી ન થાય એટલે ઈ-20 પેટ્રોલ સામેના વિરોધમાં પૂનાવાલા એન્ડ કંપનીને ટાર્ગેટ નથી કરાઈ પણ ઈથેનોલના ફાયદા ને ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ વાપરવાથી દેશને કેટલો ફાયદો થઈ રહ્યો છે તેને લગતા જૂઠાણાંનો મારો ચલાવવા માટે ભાજપની સોશ્યલ મીડિયા ટીમને કામે લગાડી જ દેવાઈ છે.
ભાજપની સોશ્યલ મીડિયા ટીમનાં જૂઠાણામાંથી બે મોટાં જૂઠાણાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે ને સરકારની હાંસી પણ ઊડી રહી છે. તેમાંથી પહેલું જૂઠાણું એ કે, ઈ-20 પેટ્રોલ હાઈ-ઓક્ટેન ફ્યુઅલ છે અને 108.5 ઓક્ટેન ઘરાવે છે. કોઈ પણ ફ્યુઅલ કેટલું શક્તિશાળી છે એ ઓક્ટેનમાં મપાય છે. સરળ શબ્દોમાં ઓક્ટેન એ દબાણ હેઠળ બળતણની સ્થિરતાનો માપદંડ છે. હાઈ ઓક્ટેન ફ્યુઅલનો મતલબ એ થયો કે, હાઈ-પર્ફોર્મન્સ એન્જિનમાં અચાનક વિસ્ફોટ અથવા એન્જિન નોકિગ સામે વાહન વધુ સારી રીતે ટકી રહે છે.
ભાજપના દાવા પ્રમાણે, પહેલાં મળતું પેટ્રોલ 84.4 ઓક્ટેનનું હતું જ્યારે ઈ-20 તો 108.5 ઓક્ટેન ધરાવે છે તેથી તેના કારણે વધારે માઈલેજ મળે. મજાની વાત એ છે કે, કેન્દ્ર સરકારે પોતે જ પીઆઈબી મારફતે સ્પષ્ટતા કરેલી કે, શુદ્ધ ઈથેનોલ 108.5 ઓક્ટેન ધરાવે છે જ્યારે પેટ્રોલ 84.4 ઓક્ટેન ધરાવે છે. અત્યાર લગી મળતા ઈ-10 પેટ્રોલનો ઓક્ટેન નંબર 91 હતો જ્યારે ઈ-20નો ઓક્ટેન 95 ધરાવે છે. સરકારના પોતાના દાવાથી અલગ દાવો ભાજપ કરે તેનો મતલુ એ જ થાય ને કે ભાજપ જૂઠાણું ચલાવે છે.
ભાજપે બીજું જૂઠાણું એ ચલાવ્યું કે, ઈ-20નો ઉપયોગ કરવાથી 310 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઈલની આયાત ઓછી કરવી પડી તેથી દેશને 1.90 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો. સાદા શબ્દોમાં આ વાતનો અર્થ એવો થાય કે, ભારતની ક્રૂડની આયાતમાં 310 લાખ મેટ્રિક ટન ક્રુડ ઓછું ખરીદવું પડ્યું. ખરેખર એવું છે ? ના, બિલકુલ નહીં. વાસ્તવમાં 2014થી અત્યાર લગી ભારતમાં 310 લાખ મેટ્રિક ટન ઈથેનોલ વપરાયું તેથી એટલું ક્રૂડ ઓછું આયાત કરવુ પડ્યું એવું અર્થઘટન કરી દેવાયું. તેના કારણે થયેલી બચત 12 વર્ષમાં થયેલી છે ત્યારે તેને ઈ-20ના કારણે થયેલી બચત કઈ રીતે ગણી શકાય?