Wed Sep 16 2026

Logo

E-20 પેટ્રોલથી એન્જિન ખરાબ થવાની કોઈ વ્યાપક ફરિયાદ નથી: રાજ્યસભામાં સરકારની સ્પષ્ટતા

2026-07-20 18:59:19
Author: Mumbai Samachar Team
E-20 પેટ્રોલથી એન્જિન ખરાબ થવાની કોઈ વ્યાપક ફરિયાદ નથી: રાજ્યસભામાં સરકારની સ્પષ્ટતા

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ઈ-20 ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અંગે ચર્ચા ચાલી રહી છે. એન્જિન ખરાબ થવા, માઈલેજમાં ઘટાડો થવો, ઇંધણ પંપની સમસ્યાઓ, કાટ લાગવો અને પાણી ભળી જવાની આશંકાઓ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં સ્પષ્ટતા કરી કે ઈ-20 પેટ્રોલને કારણે વાહનોમાં વ્યાપક પ્રમાણમાં એન્જિન ખરાબ થવું અથવા તો વાહનોમાં ગંભીર ટેકનિકલ સમસ્યાઓ આવવાની કોઈ પ્રમાણિત ફરિયાદો અત્યાર સુધી મળી નથી. સરકારે કહ્યું હતું કે વૈજ્ઞાનિક અભ્યાસો, ફીલ્ડ ટ્રાયલ અને વાસ્તવિક કામગીરીના આધારે ઈ-20 પેટ્રોલ નિર્ધારિત ધોરણો મુજબ સલામત હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યસભામાં એક લેખિત જવાબમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઈબીપી) કાર્યક્રમને એક તબક્કાવાર અને વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત પ્રક્રિયા મારફતે લાગુ કરવામાં આવ્યો છે. તેમાં નીતિ આયોગ, ઓટોમોબાઈલ ઉત્પાદકો, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા, સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ અને અન્ય તકનીકી સંસ્થાઓ સામેલ છે.

રાજ્યસભાના સાંસદ ડૉ. જોન બ્રિટાસ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ નિવેદન આવ્યું હતું. જેમાં તેમણે સવાલ કર્યો હતો કે શું સરકારને વાહન ઉત્પાદકો, ઓટોમોબાઈલ સંગઠનો અથવા ગ્રાહક સંગઠનો તરફથી એન્જિન ખરાબ થવા, ઘટેલી ઇંધણ કાર્યક્ષમતા, કાટ, પાણી મિકસ થવું અથવા ઈ-20 પેટ્રોલ સાથે કથિત રીતે જોડાયેલી અન્ય સમસ્યાઓ અંગે કોઈ ફરિયાદો મળી હતી.

સરકારે કહ્યું કે તેને "વાહન ઉત્પાદકો, ઓટોમોબાઈલ સંગઠનો અથવા ગ્રાહક સંગઠનો તરફથી એન્જિન ખરાબ થવું, ફ્યુઅલ પંપની સમસ્યાઓ અથવા ઈ20 ઇંધણને કારણે થતી અન્ય સમસ્યાઓ અંગે કોઈ વ્યાપક અથવા પ્રમાણિત ફરિયાદો મળી નથી." તેણે ઉમેર્યું હતું કે તેમણે "મીડિયા અને સોશિયલ મીડિયામાં ઉઠાવવામાં આવેલી કેટલીક ચિંતાઓની નોંધ લીધી છે, જેની વૈજ્ઞાનિક રીતે તપાસ કરવામાં આવી છે."

સરકારે કહ્યું હતું કે " ઓટોમોબાઈલ ઉત્પાદકો દ્વારા એન્જિનની ક્ષમતા, ગાડી ચલાવવામાં સરળતા, સ્ટાર્ટ થવાની ક્ષમતા, કાટ વિરોધી ક્ષમતાઓ, ઉત્સર્જન અને બળતણ કાર્યક્ષમતા જેવા પરિમાણોને આવરી લેતા વ્યાપક અભ્યાસો અને ફીલ્ડ ટ્રાયલથી પુષ્ટી થઈ હતી કે ઈ-20 નિર્ધારિત ધોરણો હેઠળ ઉપયોગ માટે સલામત છે."