Wed Sep 02 2026

Logo

મુખ્બિરે ઈસ્લામઃ દુઆમાં એ કશ્ક હોવી જોઈએ કે અલ્લાહની હાજરીનો અહેસાસ થાય

2026-06-04 10:36:00
Author: Anwar Valiani
મુખ્બિરે ઈસ્લામઃ દુઆમાં એ કશ્ક હોવી જોઈએ કે અલ્લાહની હાજરીનો અહેસાસ થાય

અનવર વલિયાણી

સૃષ્ટિના મહાન સર્જક અલ્લાહની ઓળખ અને તેના પ્રત્યેનું ઈમાન, અખૂટ અને અડગ શ્રદ્ધા એ દુઆનું એક અવિભાજ્ય અંગ છે.
-માગણીઓ કે સુખદ ભાવિની ઈચ્છાઓ પછી તે નાની હોય યા મોટી તેને પૂરી કરનાર એક માત્ર અલ્લાહ જ છે અને જો એ હાજતો પૂર્ણ થવા પામતી નથી અથવા અંશત: પૂરી થાય છે તો એમાં જ માગણી કરનારની ભલાઈ છે. એ દુઆ, પ્રાર્થનાની રૂહ છે, આત્મા છે.

-વ્હાલા વાચક બિરાદરો! વીતેલા જીવનમાં આચરેલાં ગુનાહિત કૃત્યો તે થયેલી ભૂલો બદલ પશ્ર્ચાત્તાપની લાગણી અને ફરીથી એવું ન કરવાની પ્રતિજ્ઞા સાથે એનું પાલન કરવાનું સમજભાન તેમજ અલ્લાહની અનેકવિધ બક્ષીસોના ભોગવટા બદલ આભાર પ્રદર્શિત કરવાની નૈતિક ફરજ એ દુઆની આધારશિલાઓ છે. નિર્મળતા, નમ્રતા અને એકાગ્રતા દુઆને ધારદાર અને અસરકારક બનાવે છે. 

દુઆનો આરંભ અલ્લાહની મહાનતાને લક્ષે લઈ તેની પ્રશંસા સાથે કરવામાં આવે તો જાણે સોનામાં સુગંધ ભળી. વળી એમ કરવામાં પયગંબરોનું અનુસરણ સમાયેલું છે અને અદબ તથા શિષ્ટાચાર પણ મોમીનને એજ સૂચવે છે.

દુઆમાં ઔપચારિકતાનું તત્ત્વ હોવું જોઈએ નહીં. કારણ કે અખૂટ શ્રદ્ધા, નમ્રતા અને આંખોની ભીનાશ સાથે ગદગદ કંઠે ઉચ્ચારાયેલી દુઆ જ અલ્લાહના અસીમ કૃપાસાગરને જોશમાં લાવવામાં નિમિત્ત બને છે. અલ્લાહ સાથે મજબૂત સંપર્ક સેતૂ- રચી તે દ્વારા દુઆ કરવાની સદ્બુદ્ધિ ધરાવનારને જે રીતે છીપ મોતીને સાચવે છે એ રીતે દયાળુ અલ્લાહની કૃપાઓ સુરક્ષિત રાખે છે. 

પાક પરવરદિગાર મોમીન બંદાની દુઆઓને મંજૂર રાખે એ માટે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે. દુઆ કબૂલ થાય એ માટે સૌ પ્રથમ અલ્લાહે ફરજિયાત ઠેરવેલી ઈબાદતોને- ખાસ કરીને નમાજને વખતસર અદા કરતા રહેવું જોઈએ. વાજિબ ઈબાદતો, નક્કી કરેલ સમયે અદા કરવામાં આવતી નમાઝ છોડી દેવાની સ્થિતિમાં દુઆ કબૂલ થવાની આશા વ્યર્થ છે. દુઆના માધ્યમ દ્વારા પોતે શું માગી રહ્યો છે અને કોની પાસે માગી રહ્યો છે, તેનું સમજભાન હોવું જોઈએ.

દુઆમાં ઉચ્ચારાતા શબ્દો માટે જીભને દિલનો સહયોગ અને સમર્થન મળવું જોઈએ. માનવી પાસે દિલ અને જીભ એ બે જ એવી વસ્તુઓ છે, જેની પવિત્રતા ને સલામતી અથવા મલીનતા કે બીમારી તેને ઊંચા સ્થાને કે ભોંયભેગો કરી શકે છે. આ જ બે વસ્તુઓ વ્યક્તિને માનવંતો કે અપમાનિત કરવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવતી હોય છે.

શક્ય હદે દુઆમાં પોતાની નમ્રતાઓ અને લાચારી તથા અલ્લાહની મહત્તા તેમજ મોટાઈ અંકિત થાય એવા શબ્દોનું ઉચ્ચારણ કરવું જોઈએ. વળી, દુઆ દ્વારા પોતે જે માગી રહ્યો છે તે વાજીબ હોવાની ખાતરી સાથે એવો વિશ્ર્વાસ પણ હોવો જોઈએ કે જો તે પોતાના હિતમાં હશે તો અલ્લાહ તેને અવશ્ય પૂરી કરશે. દુઆ એવી રીતે કરવી જોઈએ જાણે પોતે અલ્લાહને જોઈ રહ્યો છે, એની હાજરીને મહેસૂસ કરી રહ્યો છે અને એવી આધ્યાત્મિક સપાટીએ ન પહોંચી શકે તો ઓછામાં ઓછો એટલો વિશ્ર્વાસ, યકિન રાખે કે કોઈ દેખે યા ન દેખે. અલ્લાહતઆલા, ઈશ્ર્વર, પ્રભુ, ગોડ તેને જોઈ રહ્યો છે.

-બાહ્ય અને આંતરિક વર્તનમાં વિરોધાભાસ હોય, કમાણીમાં હરામનું તત્ત્વ હોય, પહેરેલા કપડાં સ્વચ્છ હોય પણ હરામની કમાણીમાંથી બનાવેલાં હોય, દુઆ કે બંદગી માટેની જગ્યા પચાવી પાડેલી હોય અને સમય પણ બીજા કોઈનો હોય તેના સંજોગોમાં દુઆ કબૂલ થવાની આશા ઠગારી નીવડશે. એજ પ્રમાણે દુઆ માગનારે અલ્લાહ સમીપ અંતરની નિર્મળતા, શરીરની પવિત્રતા, નમ્રતા, એકાગ્રતા સાથે ધ્યાનમગ્ન થવું જોઈએ અને પોતાના તકલાદી જીવનની મર્યાદા સાથે અલ્લાહની વિશાળતાનો ખ્યાલ કરીને એની ઓળખનું સંપાદન કરી, વધુથી વધુ પ્રમાણમાં પ્રશંસા કરવી જોઈએ, ત્યાર બાદ પોતાની ઈચ્છાને રજૂ કરવી જોઈએ.

-દુઆની શરૂઆત અલ્લાહની તારિફ સાથે પયંગબર હઝરત્ મુહંમદ સલ્લલ્લાહો અલયહિ  વસલામ તથા તેમના પવિત્ર વંશજો ઉપર દુરૂદ મોકલીને કરવી જોઈએ. દુરૂદ પણ એક પ્રકારની દુઆ છે. જેમાં ઋણ સ્વીકારની ભાવનાની અભિવ્યક્તિ છે. મોમીન માટે ફરજિયાત છે કે જેમના થકી આપણા સુધી દીનની નેઅમત (કૃપા) પહોંચી, એમના માટે શ્ર્વાસોશ્ર્વાસ ચાલતો રહે ત્યાં સુધી શુભેચ્છા પાઠવતા રહીએ.

- વ્હાલા વાચક બિરાદરો!
- વો દુઆ કૌનસી હૈ જો દિલ સે નીકળતે હી કબૂલ હો જાયે?

- એ દુઆ કઈ છે જેને અલ્લાહ કદી રદ્ કરતો નથી? હુકમે ઈલાહી, એ દુઆ પ્રસ્તુત લેખના આવતા અંકના બીજા અને અંતિમ ભાગમાં જાણીશું.
*
સાપ્તાહિક સંદેશ
- ઈસ્લામે જે હકીકતો બતાવી છે તેનું સમર્થન આજની નવી વૈજ્ઞાનિક શોધોએ કર્યું છે.