Sat Jul 18 2026

Logo

ડોમ્બિવલીમાં ચાર જણે ચાકુથી કરેલા હુમલામાં યુવકનું મોત: યુવતી ગંભીર

2026-07-17 18:22:35
Author: Yogesh C. Patel
Article Image

થાણે: ડોમ્બિવલીમાં જૂની અદાવતમાં ચાર જણે ચાકુથી કરેલા હુમલામાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેને બચાવવા મધ્યસ્થી કરનારી યુવતી ગંભીર રીતે ઘવાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની રાતે 11.45 વાગ્યાની આસપાસ ડોમ્બિવલીમાં બની હતી.

અર્જુન ગજાનન કાલપાંડે (28) તેની ફ્રેન્ડ સ્નેહા પાનીગ્રહી રસ્તાને કિનારે ઊભાં રહીને વાતચીત કરતાં હતાં ત્યારે ચાર આરોપી ત્યાં આવ્યા હતા. આરોપીઓએ ચાકુથી અર્જુન પર હુમલો કર્યો હતો. તેને બચાવવા વચ્ચે પડેલી સ્નેહા પર પણ ચાકુથી ઘા કરવામાં આવ્યા હતા.

ડોમ્બિવલી ડિવિઝનના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી) સુહાસ હેમાડેએ જણાવ્યું હતું કે ક્રૂર હુમલામાં કાલપાંડે લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યો હતો. ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હોવાનું તબીબે કહ્યું હતું. હુમલામાં ગંભીરત રીતે ઘવાયેલી સ્નેહાને સારવાર માટે સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

આ પ્રકરણે પોલીસે બે મુખ્ય આરોપી અવિનાશ ઝા અને બૉમ્બે ગૌરવ સહિત તેના બે સાથી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ મામલે તપાસ ચાલી રહી હોવાથી ફરાર આરોપીઓની શોધ ચલાવાઈ રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)