Sat Aug 29 2026

Logo

ડોંબિવલીમાં દારૂ પીવડાવ્યા બાદ યુવતી પર ત્રણ જણે ગુજાર્યો સામૂહિક બળાત્કાર

2026-04-02 16:59:44
Author: Yogesh D. Patel
ડોંબિવલીમાં દારૂ પીવડાવ્યા બાદ યુવતી પર ત્રણ જણે ગુજાર્યો સામૂહિક બળાત્કાર

ડોંબિવલી: થાણે જિલ્લાના ડોંબિવલીમાં પાર્ટી કરવાને બહાને 22 વર્ષની યુવતીને ઘરે લઇ ગયા બાદ દારૂ પીવડાવી ત્રણ યુવકે તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. યુવતીએ આ પ્રકરણે ટિળકનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરીને પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.

ટિળકનગર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ ચેતન ચવાણ, હેમંત ચવાણ અને ઉમેશ વર્મા તરીકે થઇ હતી. ત્રણેય આરોપી રિક્ષાચાલક છે અને તેમાંથી બે જણ પીડિતાને ઓળખે છે. ઘટનાને દિવસે પીડિતાને બંને આરોપી પોતાની સાથે લઇ ગયા હતા. પીડિતાને બાદમાં તેઓ ત્રીજા આરોપીના ઘરે લઇ ગયા હતા.

અહીં પીડિતાને તેમણે દારૂ પીવડાવ્યો હતો અને બાદમાં તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ પીડિતાએ હિંમત દાખવીને ટિળકનગર પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધ ચલાવી હતી અને ત્યાર બાદ ત્રણેયને ઝડપી પાડ્યા હતા.