Mon Jul 06 2026

Logo

ગુજરાત ભાજપના કયા દિગ્ગજ કોળી નેતાના પુત્રને ચૂંટણી લડાવી પ્રધાન બનાવવા સમાજ આવ્યો મેદાને?

2026-07-06 08:45:00
Author: Mayur Patel
Article Image

ભાવનગર: ગુજરાતમાં વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને આડે હજી ઘણો સમય બાકી છે, પરંતુ રાજ્યના રાજકારણમાં ભારે પ્રભુત્વ ધરાવતા કોળી સમાજમાં અત્યારથી જ રાજકીય ગતિવિધિઓ અત્યંત તેજ બની ગઈ છે. કોળી સમાજના કદાવર નેતા અને રાજ્યકક્ષાના પ્રધાન પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને પ્રધાન બનાવવા માંગ ઉઠી છે. જેને લઈ ભાવનગરના રાજકારણમાં એક મોટો ગરમાવો આવી ગયો છે.

કોણે કરી માંગ?

અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ એક મોટું નિવેદન આપીને ૨૦૨૭માં દિવ્યેશ સોલંકીને ચૂંટણી લડાવી પ્રધાન બનાવવાની ખુલ્લી માંગ કરી દીધી હતી અને મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે, પક્ષ પાસે ક્યાં કોઈ ઓપ્શન છે, ટિકિટ તો આપવી જ પડે. દિવ્યેશ સોલંકીની શૈક્ષણિક અને સામાજિક સક્રિયતાના વખાણ કરતા પ્રવીણભાઈ કોળીએ ઉમેર્યું હતું કે, તેઓ અવારનવાર શિક્ષણને લગતા કાર્યોમાં ખૂબ જ સક્રિય રહે છે અને સમાજમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે સતત પ્રયત્નશીલ છે, જેના કારણે તેઓ જ્યારે પણ વિવિધ જિલ્લાઓના પ્રવાસે જાય છે ત્યારે યુવાનો અને વડીલો તરફથી એક જ સૂર સંભળાય છે કે દિવ્યેશભાઈ ક્યારે ચૂંટણી લડશે. 

તેમની સાથે જોડાયેલા તમામ યુવાનો અને આગેવાનોની પ્રબળ માંગ છે કે વર્ષ ૨૦૨૭ની ચૂંટણીમાં દિવ્યેશભાઈ ચૂંટણી લડે, ધારાસભ્ય બને અને પોતાના પિતા પરસોત્તમભાઈ સોલંકીના નકશેકદમ પર ચાલીને મંત્રી પદ સુધી પહોંચે. વધુમાં પ્રવીણભાઈ કોળીએ દાવો કર્યો હતો કે, જો ભાજપ ટિકિટ આપે તો સૌરાષ્ટ્રની કોઈપણ કોળી બહુલ વસ્તી ધરાવતી બેઠક પરથી દિવ્યેશભાઈની જીત નિશ્ચિત છે અને વર્તમાન સમયમાં ભાજપની અંદર જો કોળી સમાજનો કોઈ સૌથી પ્રભાવશાળી અને સ્વીકાર્ય યુવા ચહેરો હોય, તો તે માત્ર દિવ્યેશ સોલંકી છે. 

ગુજરાતમાં કોળી સમાજની કેટલી છે વસ્તી?

ગુજરાતમાં કોળી સમાજની વસ્તી અઢી કરોડ જેટલી વિશાળ છે અને આ આખા સમાજની લાગણી દિવ્યેશભાઈ સાથે જોડાયેલી હોવાથી પક્ષે પણ આ બાબતની ગંભીર નોંધ લેવી જ પડશે અને તેમને ટિકિટ આપવી જ પડશે, કારણ કે પાર્ટી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી, જોકે ચૂંટણી લડવા અંગેનો અંતિમ નિર્ણય ભાઈનો જ રહેશે. 

દિવ્યેશ સોલંકીએ શું કહ્યું?

બીજી તરફ, આ સમગ્ર સામાજિક અને રાજકીય માહોલ વચ્ચે દિવ્યેશ સોલંકીએ ખૂબ જ નમ્રતાપૂર્વક અને પરિપક્વતા સાથે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેઓ આ બાબતે અત્યારે કંઈ નહીં કહી શકે, રાજકારણ રાજકારણની જગ્યાએ છે પરંતુ તેમના પરિવારમાં સમાજસેવાની આ ત્રીજી પેઢી ચાલતી આવે છે. તેમના દાદા અને પિતા પરસોત્તમભાઈએ સમાજ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે અને તેઓ પણ એમનું જ લોહી હોવાથી સમાજ તેમના માટે હંમેશા સર્વપ્રથમ રહ્યો છે અને રહેશે. રાજકારણ પણ સામાજિક સેવાનું જ એક માધ્યમ છે અને જો કોળી સમાજ માટે ક્યારેય માથું આપવું પડે તો પણ સોલંકી પરિવાર પાછળ નહીં હટે, તેમજ આગામી દિવસોમાં તેમના પિતા પરસોત્તમભાઈ જે પણ આદેશ કરશે તે મુજબ જ તેઓ આગળનું પગલું ભરશે.