Sun Jul 26 2026

Logo

દિલ્હી-પંજાબમાં પાકિસ્તાની આતંકી નેટવર્કનો પર્દાફાશ, મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ, 6 ઝડપાયા

2026-07-06 17:50:38
Author: Devayat Khatana
Article Image

વી દિલ્હી: નવી દિલ્હી અને પંજાબમાં સુરક્ષા એજન્સીઓને એક મોટી સફળતા હાથ લાગી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાનથી સંચાલિત થતા એક આતંકી અને હથિયાર તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કરીને 6 શંકાસ્પદોની ધરપકડ કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, આ તમામ આરોપીઓ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર અને કુખ્યાત ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટીના સીધા સંપર્કમાં હતા. પોલીસની આ ગુપ્ત કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી કેટલીક પિસ્તોલ, ત્રણ પેટ્રોલ બોમ્બ અને એક બાઈક જપ્ત કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે કે આખું નેટવર્ક બે અલગ-અલગ મોડ્યુલમાં વહેંચાઈને કામ કરતું હતું. એક મોડ્યુલ સીધી રીતે આતંકવાદી પ્રવૃત્તિઓ અને હુમલાઓનું કાવતરું ઘડી રહ્યું હતું, જ્યારે બીજું મોડ્યુલ સરહદ પારથી ડ્રોન મારફતે આવતા ગેરકાયદેસર હથિયારોની તસ્કરીની જવાબદારી સંભાળતું હતું. 

પાકિસ્તાન સ્થિત શહેઝાદ ભટ્ટી એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી ભારતીય યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમને આતંકની દુનિયામાં ધકેલતો હતો. આ આરોપીઓ દિલ્હી-એનસીઆર અને પંજાબના સંવેદનશીલ વિસ્તારોની રેકી કરીને કોઈ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા.

સુરક્ષા એજન્સીઓ દ્વારા આ કાર્યવાહીને એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે, જેના કારણે દેશ પર તોળાઈ રહેલો એક મોટો ખતરો સમયસર ટળી ગયો છે. હાલ સ્પેશિયલ સેલ દ્વારા આ આતંકી મોડ્યુલનું ફંડિંગ ક્યાંથી આવતું હતું અને દેશમાં તેમના અન્ય કયા સ્થાનિક સંપર્કો છે તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, ધરપકડ કરાયેલા આરોપીઓની સઘન પૂછપરછના આધારે અન્ય ગુપ્તચર એજન્સીઓને પણ સતર્ક કરી દેવાઈ છે. આ ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે દિલ્હી અને પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.