Wed Apr 29 2026

Logo

ઉત્તર ભારતના વાતાવરણમાં અચાનક પલટોઃ વાદળછાયા વાતાવરણથી તાપમાન ગબડ્યું

2026-03-31 21:42:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ નવી દિલ્હી-NCRમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા છૂટો-છવાયો વરસાદ પડ્યો હતો. દિવસે પણ લાઈટ ચાલુ રાખવી પડે એવું અંધારૂ જોવા મળ્યું હતું. હવામાન ખાતાએ દિલ્હીમાં વરસાદ થશે એવી આગાહી કરી છે, જેના કારણે દિલ્હીવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આવનારા ત્રણ દિવસ સુધી દિલ્હીનું તથા દિલ્હીની આસપાસના વિસ્તારોનું વાતાવરણ ભેજવાળું રહી શકે છે. 

ઉત્તર ભારતમાં વરસાદના અણસાર

છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી સહિત ઉત્તર ભારતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. દિવસે પણ અંધારૂ દેખાઈ રહ્યું છે તો ક્યારેક સાંજના સમયે પણ વાદળછાયું હવામાન જોવા મળે છે. આના કારણે દિવસભર બફારો અનુભવાય છે. મંગળવારે બપોરના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવતા દિલ્હી-NCR પર વાદળો જોવા મળ્યા હતા. દિવસે પણ વાહનોની લાઈટ ચાલું કરવી પડે એવી સ્થિતિ હતી. હવામાન ખાતાએ દિલ્હી માટે યલો એલર્ટ આપ્યું હતું. દિલ્હી-NCR પર વાદળો હજુ થોડા સમય માટે જોવા મળી શકે છે.પવનનું જોર પણ વધી શકે છે. 

ખુશનુમા મોસમ રહેશે

દિલ્હીમાં એપ્રિલ મહિનાની શરૂઆત ખુશનુમા હવામાનથી થવાની છે. પવની ગતિમાં 20થી 40 કિલી પ્રતિ કલાકનો અનુભવ થઈ શકે છે. વાતાવરણમાં ભેજ અને ઠંડક રહેતા ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. દિલ્હીની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા પાકને નુકસાન થયું છે. આવનારા એકાદ અઠવાડિયા સુધી વાતાવરણ આ જ પ્રકારનું રહેવાની શક્યતા છે. દિલ્હી સિવાય પણ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યમાં વરસાદી વાતાવરણ રહે એવી પૂરી સંભાવનાઓ છે. 

તાપમાન નીચું ઊતર્યું

દિલ્હીમાં મહત્તમ તાપમાન 33 ડીગ્રી અને લઘુતમ તાપમાન 18 ડીગ્રી રહ્યું છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં આ પ્રકારનું નીચું તાપમાન ક્યારેય નોંધાયું નથી. છૂટાછવાયા વરસાદ કે ઝાપટા સિવાય ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી. હવામાન ખાતાના રિપોર્ટ અનુસાર 5 એપ્રિલ સુધી વાતાવરણમાં ભેજ રહી શકે છે. 

વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપ અનુભવાશે નહીં પણ ક્રમશઃ બફારો વધવાના પૂરેપૂરા એંધાણ વર્તાય રહ્યા છે. એપ્રિલ મહિનામાં આ પ્રકારનું વાતાવરણ પહેલીવાર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને દિલ્હીની આસપાસ છેક હરિયાણા સુધી એક જ પ્રકારના હવામાનથી પાક પર જોખમ તોળાઈ રહ્યું છે.