Mon Jul 27 2026

Logo

દિલ્હી હોટેલ અગ્નિકાંડમાં 21 લોકોના મોત માટે કોણ જવાબદાર? દિલ્હી પોલીસે શેફની ધરપકડ કરી

2026-06-07 14:31:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલી એક હોટેલમાં લાગેલી ભીષણ આગમાં 21 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હૃદયદ્રાવક અગ્નિકાંડ મામલે તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને એક મોટી સફળતા મળી છે. શનિવારે આશરે 6 કલાકની સઘન પૂછપરછ બાદ પોલીસે હોટેલના 65 વર્ષીય મુખ્ય રસોઇયા (કુક) નેગીની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન આગ કેવી રીતે લાગી અને કેમ આટલા મોટા પાયે જાનહાનિ થઈ, તેની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

ઇલેક્ટ્રિક સ્ટવમાં બ્લાસ્ટ થયો અને આગ ફાટી નીકળી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા કુક નેગીએ સ્વીકાર્યું છે કે બુધવારે સવારે જ્યારે તે રસોડામાં રસોઈ બનાવી રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. સવારે રસોડામાં ઇલેક્ટ્રિક સ્ટવ ચાલુ કર્યાના થોડી જ વારમાં તેમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આગ આખી બિલ્ડિંગમાં ઝડપથી ફેલાઈ ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સ્ટવમાં આગ લાગ્યા બાદ કુક નેગી ગભરાઈ ગયો હતો.

આ અકસ્માતમાં 21 લોકોના મોત પાછળ હોટેલની આધુનિક સિક્યોરિટી સિસ્ટમ જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આગ લાગ્યા બાદ હોટેલની મુખ્ય પાવર સપ્લાય (મેઈન લાઈટ) બંધ થઈ ગઈ હતી. પાવર કટ થવાના કારણે હોટેલના રૂમ અને ઈમરજન્સી એક્ઝિટના ઇલેક્ટ્રોનિક લોક સિસ્ટમ જામ થઈ ગયા હતા. દરવાજા આપમેળે લોક થઈ જતાં અંદર ફસાયેલા પ્રવાસીઓ બહાર નીકળી શક્યા ન હતા અને ગૂંગળામણ તેમજ દાઝી જવાના કારણે મોતને ભેટ્યાં હતાં.

ફોરેન્સિક રિપોર્ટ અને આગળની કાર્યવાહી

દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં હોટેલના ઘણા કર્મચારીઓના નિવેદનો નોંધ્યા છે. અકસ્માત સમયે રસોડામાં અને આસપાસ હાજર રહેલા તમામ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો પણ ક્રોસ-વેરિફાય કરવામાં આવી રહ્યા છે. પોલીસ કુક નેગીના નિવેદનને આગામી દિવસોમાં આવનારા ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ અને ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટ સાથે મેચ કરશે. આ દરમિયાન હોટેલનો મેનેજર હાલ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે શોધખોળ તેજ કરી છે. ફોરેન્સિક તપાસ પૂર્ણ થયા બાદ જ આગ લાગવાનું ચોક્કસ અને વૈજ્ઞાનિક કારણ સ્પષ્ટ થશે.