Wed Jun 17 2026

Logo

લાલ કિલ્લા અને દિલ્હી વિધાનસભાને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેલ

2026-02-23 14:34:00
Author: Tejas Rajpara
Article Image

નવી દિલ્હી: દેશની રાજધાનીમાં ફરી એકવાર આતંકી ભયનો ઓછાયો જોવા મળ્યો છે. સોમવારના રોજ દિલ્હીના અતિ મહત્વના ગણાતા સ્થળોને નિશાન બનાવવાની ધમકી મળતા જ સુરક્ષા તંત્ર હરકતમાં આવી ગયું હતું. ખાલિસ્તાની જૂથના નામે મોકલવામાં આવેલા આ ધમકીભર્યા ઈ-મેલે પોલીસ અને ગુપ્તચર એજન્સીઓની ઉંઘ ઉડાવી દીધી છે. વહીવટીતંત્રે તરત જ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોરચો સંભાળી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દિલ્હી પોલીસને મળેલા એક ઈ-મેલમાં દિલ્હી વિધાનસભા અને ઐતિહાસિક લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ માહિતી મળતા જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર પરિસરની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જોકે, સદનસીબે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. પોલીસ હવે આ ઈ-મેલના મૂળ સુધી પહોંચવા માટે સાયબર સેલની મદદ લઈ રહી છે, જેથી ફેક ન્યૂઝ ફેલાવનારા તત્વોને પકડી શકાય.

ઉલ્લેખનીય છે કે, માત્ર સરકારી ઈમારતો જ નહીં, પણ દિલ્હીની જાણીતી શાળાઓને પણ નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી હતી. દિલ્હી કેન્ટ સ્થિત આર્મી પબ્લિક સ્કૂલ અને લોધી કોલોનીની એરફોર્સ બાલ ભારતી સ્કૂલને પણ સવારે ધમકીભર્યા મેલ મળ્યા હતા, જેને પગલે તાત્કાલિક શાળાઓ ખાલી કરાવી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, 'આપ' નેતા દિલીપ પાંડેને પણ અંગત ઈ-મેલ પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેની જાણ તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરી દીધી છે.

દિલ્હીમાં છેલ્લા દોઢ વર્ષમાં શાળાઓ, કોલેજો અને સરકારી સંસ્થાઓને ધમકી મળવાનો આ સિલસિલો યથાવત રહ્યો છે. આ સમયગાળા દરમિયાન 50થી વધુ વખત આવા નકલી (Hoax) મેલ્સ મોકલવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં જ અનેક પ્રતિષ્ઠિત શાળાઓને નિશાન બનાવાઈ હતી. જોકે, મોટાભાગના કિસ્સાઓમાં VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક) નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી પોલીસ હજુ સુધી મુખ્ય આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી નથી, જે સુરક્ષા વ્યવસ્થા માટે મોટો પડકાર છે.