નવી દિલ્હી: દેશમાં સાયબર ક્રાઇમ એક મોટો પડકાર બની રહ્યો છે. દેશમાં યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધીના લોકો તેનો ભોગ બની રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડા મુજબ દેશમાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. વર્ષ 2020થી 2024 દરમિયાન સમગ્ર ભારતમાં સાયબર વિરોધી ગુનાઓમાં બમણાથી પણ વધુ ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2020માં દેશભરમાં સાયબર ક્રાઇમના 50,035 કેસો નોંધાયા હતા, જે વર્ષ 2024 સુધીમાં વધીને 1,01,928 પર પહોંચી ગયા છે. નાણાકીય છેતરપિંડી અને ઓનલાઇન શોષણ જેવા ગુનાઓ રોકવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં ડિજિટલ સ્પેસમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે.
દક્ષિણ ભારતના રાજ્યોમાં સૌથી વધુ કેસ
આ વર્ષે દેશમાં સાયબર ક્રાઇમના સૌથી વધુ કેસ દક્ષિણ ભારતના રાજ્યોમાં નોંધાયા છે. આ વર્ષે તેલંગણામાં 27230 કેસ, કર્ણાટકમાં 21993 કેસ, ઉત્તર પ્રદેશમાં 11073 કેસ, મહારાષ્ટ્રમાં 9922 કેસ, બિહારમાં 6380 કેસ, તમિલનાડુમાં 5793 કેસ, કેરળમાં 2962 કેસ, આંધ્ર પ્રદેશમાં 2528 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં શું છે સ્થિતિ?
ગુજરાત રાજ્યના આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લા ચાર-પાંચ વર્ષોમાં રાજ્યમાં સાયબર ક્રાઇમના કેસોમાં નોંધપાત્ર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ગુજરાતમાં વર્ષ 2020માં 1,283 અને 2021માં 1,536 કેસો નોંધાયા હતા. ત્યારબાદ 2022માં આ આંકડો ઘટીને 1,417 થયો હતો, પરંતુ વર્ષ 2023માં તેમાં મોટો ઉછાળો આવ્યો હતો અને રેકોર્ડ 1,995 કેસો નોંધાયા હતા. વર્ષ 2024માં ગુજરાતમાં સાયબર ક્રાઇમના 1,592 કેસો દર્જ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે રાજ્યમાં ડિજિટલ ગુનાઓ સામે કડક કાર્યવાહી અને સતત જાગૃતિ જરૂરી છે.
કયા ગુનાઓનું પ્રમાણ વધારે?
આંકડાઓ મુજબ સાયબર ક્રાઇમને મુખ્યત્વે વિવિધ ડિજિટલ માધ્યમો અને યુક્તિઓ દ્વારા અંજામ આપવામાં આવે છે. દેશમાં સૌથી વધુ કેસો કમ્પ્યુટર સિસ્ટમ સંબંધિત ગુનાઓ વર્ષ 2024માં 36,920 કેસ અને નાણાકીય છેતરપિંડી તથા દગાખોરી વર્ષ 2024માં 49,000થી વધુ કેસના નોંધાયા છે. આ સિવાય સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવવી, મહિલાઓ અને બાળકોનું સાયબર સ્ટોકિંગ/બુલિંગના 1,240 કેસ, અશ્લીલ સામગ્રીનું પ્રસારણના 6,990 કેસ, ડેટા ચોરી, બ્લેકમેઇલિંગ અને સોશિયલ મીડિયા પર અફવા કે ફેક ન્યૂઝ ફેલાવવા જેવી પદ્ધતિઓથી નાગરિકોને શિકાર બનાવવામાં આવી રહ્યા છે.
સાયબર ગુનાઓ સામે લડવા માટે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત દેશભરમાં વિશિષ્ટ પગલાં લીધા છે. દેશના મુખ્ય સાયબર હોટસ્પોટ્સને કવર કરવા માટે અમદાવાદ સહિતના શહેરોમાં 'જોઇન્ટ સાયબર કોઓર્ડિનેશન ટીમ' (JCCT)ની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ગાંધીનગર જેવા મુખ્ય પ્રશિક્ષણ કેન્દ્રો ખાતેથી ખાસ 'સાયબર કમાન્ડો' તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગ્રાહકોની નાણાકીય સુરક્ષા માટે 1930 હેલ્પલાઇન અને CFCFRMS સિસ્ટમ દ્વારા દેશભરમાં અત્યાર સુધીમાં રૂ. 11,158 કરોડથી વધુની રકમ ચોરી થતાં બચાવી લેવામાં આવી છે.