Sun Sep 06 2026

Logo

રોનાલ્ડો કોલમ્બિયા સામે ગોલ ન કરી શક્યો: કોંગો પહેલી વખત નૉકઆઉટમાં

Miami   2026-06-28 12:53:00
Author: Ajay Motiwala
રોનાલ્ડો કોલમ્બિયા સામે ગોલ ન કરી શક્યો: કોંગો પહેલી વખત નૉકઆઉટમાં

માયામી: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું પોર્ટુગલ રવિવારે અહીં કોલમ્બિયા સામેની મૅચ 0-0થી ડ્રોમાં જવાને પગલે ગ્રૂપ-કેમાં બીજા નંબરે રહીને મહા મહેનતે નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યું હતું. કોલમ્બિયાએ અગાઉ જ નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો.

રોનાલ્ડોને એક પણ ગોલ ન કરવા મળ્યો

ફૂટબૉલનો સુપરસ્ટાર રોનાલ્ડો (Ronaldo) કોલમ્બિયા સામેની આ મૅચમાં અનેક પ્રયાસો છતાં એક પણ ગોલ નહોતો કરી શક્યો. તેના દરેક આક્રમણને કોલમ્બિયાના ડિફેન્ડરોએ નિષ્ફળ બનાવ્યું હતું. ખરેખર તો તેની પોર્ટુગલની ટીમ એકેય ગોલ નહોતી કરી શકી. મૅચની છેલ્લી પળોમાં ડેવિન્સન સાન્ચેઝે હેડરથી બૉલ નેટમાં મોકલી દીધો હતો, પરંતુ ઑફ સાઈડને કારણે રિવ્યૂમાં એ ગોલ નકારવામાં આવ્યો હતો. રોનાલ્ડો કોન્ગો સામેની પહેલી મૅચમાં પણ ગોલ નહોતો કરી શકયો. એ મૅચ 1-1થી ડ્રો થઈ હતી. જોકે ઉઝબેકિસ્તાન સામેના 5-0ના વિજયમાં રોનાલ્ડોના બે ગોલ હતા.

પોર્ટુગલ-ક્રોએશિયા સામસામે

નૉકઆઉટમાં પોર્ટુગલ (Portugal)નો મુકાબલો હવે બીજી જુલાઈએ ક્રોએશિયાની મજબૂત ટીમ સામે થશે. ત્રીજી જુલાઈએ કોલમ્બિયાની ઘાના સાથે ટક્કર થશે.

કોન્ગોએ નવો ઇતિહાસ રચ્યો: વિસા ફરી ત્રાટક્યો

આ જ ગ્રૂપની અન્ય એક મૅચમાં આફ્રિકા ખંડની કોન્ગોની ટીમે ઉઝબેકિસ્તાનને 3-1થી હરાવીને ગ્રૂપની ત્રીજા નંબરની ટીમ તરીકે નૉકઆઉટમાં પ્રવેશ મેળવ્યો હતો. કોન્ગો પહેલી જ વખત વર્લ્ડ કપના નૉકઆઉટમાં પહોંચ્યું છે. એના ત્રણમાંથી બે ગોલ યોએન વિસાએ 68મી અને 91મી મિનિટમાં કર્યા હતા. કોન્ગો હવે નૉકઆઉટમાં ઇંગ્લૅન્ડ સામે રમશે.

અલ્જીરિયા અને ઑસ્ટ્રીયા પણ આગળ વધ્યા

અલ્જીરિયા અને ઑસ્ટ્રીયા વચ્ચેની રસાકસીભરી મૅચ 3-3થી ડ્રોમાં ગઈ હતી અને આ બંને દેશ નોકઆઉટમાં પહોંચી ગયા છે.