અંકિત દેસાઈ
વર્તમાન સમયનાં અખબારો અને ન્યૂઝ પોર્ટલ્સની હેડલાઇન્સ પર નજર કરીએ તો એક ચોક્કસ આકૃતિ વારંવાર ઊપસી આવે છે:
‘યુવાને લગ્નની લાલચ આપી યુવતીને ભોગવી અને પછી તરછોડી દીધી.’ આ પ્રકારના કિસ્સામાં મોટાભાગે એવું જોવા મળે છે કે બે પુખ્ત વ્યક્તિ મહિનાઓ કે વર્ષો સુધી પરસ્પર સહમતીથી, પ્રેમથી અને સંપૂર્ણ હોશ હવાશમાં શારીરિક સંબંધોમાં રહે છે, પરંતુ જેવી સંબંધમાં કોઈ ખટાશ આવે, વૈચારિક મતભેદ થાય અથવા કોઈ પણ કારણસર બંને અલગ થવાનો નિર્ણય લે કે તરત જ આખો મામલો પોલીસ સ્ટેશનના ઉંબરે પહોંચી જાય છે અને વર્ષોનો સહમતિભર્યો સંબંધ એકાએક ‘બળાત્કાર’ની વ્યાખ્યામાં ફેરવાઈ જાય છે.
આવા બદલાતા સામાજિક પવન અને કાયદાકીય અર્થઘટન સામે હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે જે સંબંધમાં બંને પક્ષ સમાન રીતે સામેલ હતા, એમાં સંબંધ તૂટતી વખતે માત્ર પુરુષને જ ભોગવિલાસી અને ગુનેગાર તરીકે કેમ ચિતરવામાં આવે છે? શું પ્રેમ અને સહમતીના એ લાંબા સમયગાળા દરમિયાન સ્ત્રીની પોતાની કોઈ સ્વાયત્તતા કે ઇચ્છા નહોતી?
આપણા સમાજની અને મીડિયાની માનસિકતા હજુ પણ પિતૃસત્તાક જડતા અને જુનવાણી માનસિકતામાં અટવાયેલી છે. એક તરફ આપણે સ્ત્રી સશક્તીકરણ, આર્થિક સ્વતંત્રતા અને લિંગ સમાનતાની વાતો કરીએ છીએ- આપણે સ્ત્રીને તેના જીવનના નિર્ણયો લેવા માટે સક્ષમ અને સ્વાયત્ત માનીએ છીએ, પરંતુ જેવી સંબંધમાં ઓટ આવે કે તરત જ મીડિયા અને સમાજ એ સ્ત્રીને બિચારી, અબળા અને છેતરાયેલી સાબિત કરવા કમર કસી લે છે.
‘ભોગવીને તરછોડી દીધી’ જેવો શબ્દપ્રયોગ જ અત્યંત અપમાનજનક છે, જે માત્ર પુરુષને રાક્ષસ નથી બનાવતો, પરંતુ સ્ત્રીને પણ એક સજીવ સૃષ્ટિને બદલે માત્ર એક ‘વસ્તુ’ કે ‘ભોગવવાની સામગ્રી’ તરીકે રજૂ કરે છે. આ શબ્દપ્રયોગ એ સત્યને નકારી દે છે કે આજના શિક્ષિત અને પુખ્ત યુગમાં શારીરિક સંબંધ એ કોઈ એક પક્ષ દ્વારા બીજા પક્ષનું શોષણ નથી, પણ બે વ્યક્તિ વચ્ચેનો પરસ્પર આનંદ અને સંવેદનાનો વિનિમય છે.
જ્યારે કોઈ સંબંધ છ મહિના, એક વર્ષ કે બે વર્ષ સુધી સતત ચાલે છે ત્યારે તેમાં શારીરિક નિકટતા કોઈ એક આકસ્મિક ઘટના નથી હોતી. તે પરસ્પર સંમતિથી વારંવાર લેવાયેલો નિર્ણય હોય છે. જીવનના અન્ય નિર્ણયોની જેમ સંબંધો પણ હંમેશાં સફળ નથી થતા. લગ્ન વગરના સંબંધ (કશદય-શક્ષ યિહફશિંજ્ઞક્ષતવશાત)કે પ્રેમ સંબંધોમાં રહેતા લોકો વચ્ચે પણ મતભેદો થઈ શકે છે અથવા ભવિષ્યનાં આયોજનો બદલાઈ શકે છે.
બે વ્યક્તિ વચ્ચે ખટરાગ થાય અને તે પરસ્પર સંમતિથી કે અસંમતિથી પણ અલગ થાય, તેને સંબંધનો અંત કે ‘બ્રેકઅપ’ કહેવાય, ગુનો નહીં. જોકે કાયદાકીય જોગવાઈઓ અને સમાજની સહાનુભૂતિનો દુરુપયોગ કરીને લાંબા ગાળાના સંબંધોના અંતને બળાત્કાર અથવા છેતરપિંડીના ચોકઠામાં બેસાડવો એ સંબંધોની પવિત્રતા અને કાયદાની ગરિમા બંનેની મજાક ઉડાવવા બરાબર છે.
આ સંદર્ભમાં દેશની સર્વોચ્ચ અદાલત અને વિવિધ વડી અદાલતોએ પણ સમયાંતરે ચિંતા વ્યક્ત કરી છે. અદાલતોએ સ્પષ્ટ કર્યું છે કે ‘લગ્નનું વચન પાળી ન શકવું’ અને ‘લગ્નની ખોટી લાલચ આપીને સંબંધ બાંધવો’એ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે.
જો કોઈ પુરુષ શરૂઆતથી જ છેતરવાના ઇરાદાથી ખોટું બોલ્યો હોય તો તે ગુનો બની શકે છે, પરંતુ જો સંબંધની શરૂઆત સાચા મનથી થઈ હોય અને પાછળથી સંજોગો બદલાવાને કારણે અથવા પરિવારના વિરોધને કારણે લગ્ન ન થઈ શક્યા હોય તો તેને બળાત્કાર કહી શકાય નહીં. કાયદાનો ઉદ્દેશ્ય પીડિતોને ન્યાય આપવાનો છે, પરંતુ જ્યારે લાંબા ગાળાના સહમતિભર્યા સંબંધો તૂટ્યા પછી તેનો ઉપયોગ વેર વાળવા,બ્લૅકમેલ કરવા કે પુરુષ પર દબાણ લાવવાના હથિયાર તરીકે થવા લાગે ત્યારે વાસ્તવિક પીડિતો માટેનો ન્યાય નબળો પડે છે.
સૌથી મોટો સામાજિક અન્યાય એ થાય છે કે આવા કિસ્સાઓમાં મીડિયા ટ્રાયલ શરૂ થઈ જાય છે. કોઈ પણ તપાસ વગર પુરુષનું નામ, તેનો ચહેરો અને તેની પ્રતિષ્ઠા પળવારમાં ધૂળધાણી કરી દેવામાં આવે છે. સમાજ માની લે છે કે જો સ્ત્રીએ ફરિયાદ કરી છે તો પુરુષ જ દોષી હશે. આ પ્રકારની માનસિકતા પુરુષના માનસિક સ્વાસ્થ્ય, તેની કારકિર્દી અને તેના પરિવારને અસાધ્ય નુકસાન પહોંચાડે છે.
જો કોઈ સ્ત્રી વર્ષો સુધી સંબંધમાં રહીને આનંદ માણી શકે છે, પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે તો સંબંધના અંતની જવાબદારી પણ બંને પક્ષે સમાન હોવી જોઈએ. સંબંધ હંમેશાં સુખદ વળાંક પર જ પૂરા થાય એવું જરૂરી નથી, પણ તેનો અર્થ એ નથી કે જે વ્યક્તિ ગઈકાલ સુધી તમારી આખી દુનિયા હતો, તે આજે અચાનક કાયદાની નજરમાં અપરાધી બની જાય.
હવે સમય આવી ગયો છે કે સમાજ, કાયદો અને ખાસ કરીને મીડિયા પોતાની માનસિકતામાં આમૂલ પરિવર્તન લાવે. પુખ્ત વયની’ બે વ્યક્તિ વચ્ચેના સંબંધને ઉભય પક્ષની જવાબદારી તરીકે જોવામાં આવે, નહીં કે માત્ર પુરુષની કામુકતા અને સ્ત્રીની લાચારી તરીકે. જ્યાં સુધી આપણે સ્ત્રીને તેના જાતીય નિર્ણયો માટે સમાન રીતે જવાબદાર નહીં માનીએ ત્યાં સુધી આપણે તેને સાચા અર્થમાં સમાન અધિકાર આપી શકીશું નહીં.
સંબંધોની નિષ્ફળતા એ જીવનનો એક ભાગ છે અને તેને કાયદાકીય અદાવત કે મીડિયાના સનસનાટીભર્યા સમાચારોનું સાધન બનાવવાને બદલે પરિપક્વતાથી સ્વીકારતાં શીખવું એ જ એક સ્વસ્થ અને સમાન સમાજની નિશાની છે.