(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપ અને શિંદેની સત્તા આવ્યા બાદ તેમને મુંબઈગરાની મૂળભૂત સમસ્યાને વાચા આપવાનો સમય ન હોવાની ટીકા કૉંગ્રેસે કરી છે. પાલિકાની પહેલી સભામાં રજૂ કરવામાં આવેલા ૨૭ પ્રસ્તાવમાં લગભગ ૨૦ પ્રસ્તાવ રસ્તા, ચોક અનેે અન્ય કામમાં નામાંતર કરવાના છે. આ પ્રસ્તાવને જોતા ભાજપ મહાયુતિને વિકાસ કરતા જગ્યાઓના નામ બદલવામાં વધુ રસ હોવાનો પાલિકામાં કૉંગ્રેસે ટીકા કરી છે.
પાલિકામાં કૉંગ્રેસના ગ્રૂપ લીડર અશરફ આઝામીએ સત્તાધારીઓની ટીકા કરતા કહ્યું હતું કે મુંબઈ મહાનગરમાં સૌથી વધુ ગંભીર સમસ્યા પ્રદૂષણ, ટ્રાફિક તથા પીવાના પાણીની છે. મુંબઈમાં પ્રદૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. નાના બાળકો અને વરિષ્ઠ નાગરિકોને તેને કારણે ત્રાસ થઈ રહ્યો છે.
શ્ર્વાસોશ્ર્વાસને લગતી બીમારીનું પ્રમાણ વધી રહ્યુંં છે. મુંબઈગરાને રસ્તા પર ચાલવાનું મુશ્કેલ થઈ ગયું છે. રસ્તા તથા ફૂટપાથ પર અતિક્રમણનું પ્રમાણ વધી ગયું છે. રસ્તા પર ખાડા છે. લોકોને ચાલવામાં અને વાહન ચલાવવામાં તકલીફ થઈ રહી છે. પીવાના પાણીની, મુંબઈગરાના આરોગ્ય સહિત ઝૂંપડપટ્ટીના નાગરિકોની સમસ્યા છે.
પહેલી સભામાં આ મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈતી હતી, તેને લગતા પ્રસ્તાવ લાવવા જોઈતા હતા પણ સત્તાધારીને નાગરિકોની મૂળભૂત સમસ્યા પર ચર્ચા કરવા માટે સમય નથી. વિકાસને બદલે નામાતરણમાં સત્તાધારીઓને રસ છે. મુંબઈગરાને વિકાસ જોઈએ છે, તે માટે કૉંગ્રેસ અવાજ ઉઠાવશે એવો દાવો પણ કૉંગ્રેસી નેતાએ કર્યો હતો.