નવી દિલ્હી: કોંગ્રેસ નેતા પવન ખેડાએ આસામના સીએમના પત્ની પર કરેલા આક્ષેપ બાદ આસામ પોલીસે તેમના નવી દિલ્હી ખાતેના નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમજ આક્ષેપ કરેલા દસ્તાવેજોની શોધ કરી હતી.જેની બાદ આજે પવન ખેડાએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સીએમ હિમંતા બિસ્વા શર્મા અને ગૃહમંત્રી અમિત શાહ તેમની વિરુદ્ધ ચાલાકીપૂર્ણ કાર્યવાહી કરી રહ્યા છે.
તેલંગાણા હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે મારા નિવાસે 100 પોલીસ પહોંચી હતી. તેમજ મને ખબર નથી કે મારા ઘરમાંથી તે શું લઇ ગયા અને શું સાથે લઇને આવ્યા હતા. તેમણે લેપટોપનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત પવન ખેડાએ તેલંગાણા હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી પણ કરી છે.
આસામ પોલીસ પવન ખેડાના દિલ્હીના નિવાસ સ્થાને પહોંચી
જોકે, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાની પત્ની પાસે ત્રણ પાસપોર્ટ હોવાનો દાવો કર્યા બાદ કોંગ્રેસ નેતા પવન ખેડાની મુશ્કેલીઓ વધી હતી. આસામ પોલીસ મંગળવારે આ કેસના સંદર્ભે તપાસ કરવા પવન ખેડાના દિલ્હીના નિવાસ સ્થાને પહોંચી હતી.જેના લીધે પવન ખેડાને દિલ્હી પરત આવવાની ફરજ પડી હતી.
વિદેશમાં રાખેલી સંપત્તિ અંગેની માહિતી છુપાવી
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા પવન ખેડાએ દાવો કર્યો હતો કે રિંકી ભૂયાન શર્મા પાસે સંયુક્ત આરબ અમીરાત (UAE),એન્ટિગુઆ અને બાર્બુડા અને ઇજિપ્તના પાસપોર્ટ છે. કોંગ્રેસનો આરોપ છે કે મુખ્યમંત્રીએ તેમના ચૂંટણી સોગંદનામામાં આ વિદેશી પાસપોર્ટ અને વિદેશમાં રાખેલી સંપત્તિ અંગેની માહિતી છુપાવી હતી.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કાયદેસર કાર્યવાહીની વાત કહી હતી
આ આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આને કોંગ્રેસની હતાશા ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું કે આ તમામ આરોપો રાજકીય દ્વેષથી પ્રેરિત અને ખોટા છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે તેઓ આગામી 48 કલાકમાં પવન ખેડા વિરુદ્ધ ફોજદારી અને સિવિલ માનહાનિનો કેસ દાખલ કરશે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી આવા હીન કક્ષાના હુમલા કરી રહી છે અને હવે તેનો ફેંસલો અદાલતમાં જ આવશે.