Tue May 19 2026

Logo

મહારાષ્ટ્રમાં નીટ જેવું કૌભાંડ?

2026-05-19 19:57:01
Author: Vipul Vaidya
Article Image

Sachin Sawant


ટોચના રેન્કરોના બોર્ડ માર્ક્સ અને એમએચ-સીઈટી સ્કોર્સમાં વિસંગતી દર્શાવતાં કૉંગ્રેસનો આક્ષેપ: તપાસની માગણી કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: કોંગ્રેસે મંગળવારે મહારાષ્ટ્ર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (એમએચ-સીઈટી)માં ગંભીર ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓમાં ખૂબ ઓછા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ અને અન્ય ટેકનિકલ અભ્યાસક્રમો માટે લેવામાં આવેલી સીઈટીની પરીક્ષામાં લગભગ સંપૂર્ણ ગુણ મેળવ્યા હતા.કોંગ્રેસના નેતા સચિન સાવંતે જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાઓમાં ઓછા ગુણ મેળવનારા ઓછામાં ઓછા 22 વિદ્યાર્થીઓ એમએચ-સીઈટી 2025-26માં ટોચના પ્રદર્શન કરનારાઓમાં હતા, તેમણે એવો દાવો કર્યો હતો કે ગેરરીતિઓનું પ્રમાણ નીટ-યુજી પેપર લીક કેસ જેવું જ હતું.

‘ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં માંડ 35થી 40 ટકા મેળવનારા વિદ્યાર્થીઓએ એમએચ-સીઈટીમાં 100 ટકા ગુણ મેળવ્યા છે. આ એક ગંભીર ગેરરીતિ છે અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ, એમ સાવંતે કહ્યું હતું. જ્યારે કોઈ વિદ્યાર્થીને 100 પર્સેન્ટાઈલ માર્ક્સ મળ્યા હોવાનું કહેવાય છે, ત્યારે તેનો અર્થ એ થાય કે તેણે અન્ય ઉમેદવારો કરતાં લગભગ 99.9 ટકા વધુ માર્ક્સ મેળવ્યા છે.પોતાના આરોપોને સમર્થન આપવા માટે ઉદાહરણો આપતા સાવંતે કહ્યું કે ધોરણ 10માં 37 ટકા મેળવનાર એક વિદ્યાર્થીએ એમએચ-સીઈટીમાં 99.971 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.

ધોરણ 12માં 51 ટકા મેળવનારા બે વિદ્યાર્થીઓને 100 પર્સેન્ટાઈલ મળ્યા છે, જ્યારે ધોરણ 12માં 45 ટકા, 39 ટકા અને 35 ટકા મેળવનારા વિદ્યાર્થીઓએ પણ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.એમએચ-સીઈટીમાં ગણિતમાં 1, 2, 3, 4, 5, 6, 15, 16, 17 અને 18 ક્રમાંક ધરાવતા વિદ્યાર્થીઓ, જે બધાએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે, તેમનો  એચએસસીની પરીક્ષામાં ગણિતના પેપરમાં સરેરાશ 64.3 ટકા હતો, એમ કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે, આમાંથી છ વિદ્યાર્થીઓએ સરેરાશ કરતાં ઓછા ગુણ મેળવ્યા હતા, જેમના ગુણ એચએસસી ગણિતમાં 60, 54, 53, 53, 40 અને 35 હતા.

એમએચ-સીઈટીમાં ટોચના 20 રેન્કર્સમાંથી છ વિદ્યાર્થીઓએ તેમના એચએસસી ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત (પીસીએમ)માં 60 ટકાથી ઓછા ગુણ મેળવ્યા હતા. એક કિસ્સામાં, એચએસસીમાં પીસીએમમાં ફક્ત 39 ટકા ગુણ મેળવનાર વિદ્યાર્થી ટોચના 20 રેન્કર્સમાં સામેલ હતો, એમ સાવંતે જણાવ્યું હતું.સાવંતે 66મા ક્રમે આવેલા એક વિદ્યાર્થીના કિસ્સાનો પણ ઉલ્લેખ કર્યો હતો જેણે ધોરણ 10માં ગણિતમાં 22 ગુણ અને ધોરણ 12માં ગણિતમાં 33 ગુણ મેળવ્યા હતા, પરંતુ એમએચ-સીઈટીમાં 99.971 પર્સન્ટાઇલ મેળવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, એચએસસીમાં વિદ્યાર્થીનો કુલ પીસીએમ સ્કોર 47.67 ટકા હતો.

‘બોર્ડ પરીક્ષાના પ્રદર્શન અને સીઈટીના પરિણામો વચ્ચેની આ સ્પષ્ટ વિસંગતીઓ ગંભીર સવાલો ઉપસ્થિત કરે છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ખાતાના પ્રધાન ચંદ્રકાંત પાટીલે સમજાવવું જોઈએ કે આ કેવી રીતે થયું અને પરીક્ષા પ્રક્રિયા કોણ નિયંત્રિત કરે છે,’ એમ સચિન સાવંતે કહ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વાર્ષિક ધોરણે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનો ઉલ્લેખ કરતા સાવંતે કહ્યું કે નીટ અને એમએચ-સીઈટી જેવી પરીક્ષાઓને લગતા વારંવારના વિવાદો ગંભીર ચિંતાનો વિષય છે.કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે તેઓ એમએચ-સીઈટી અધિકારીઓને વિગતવાર ડેટા સાથે એક નવો પત્ર સુપરત કરશે, જેમાં તાત્કાલિક તપાસની માગણી કરવામાં આવશે.