(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉછીનાં નાણાં અને સોનાની વસ્તુઓ પાછી આપવાને બહાને દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારની હોટેલમાં બોલાવ્યા પછી મહિલા સાથે કથિત દુષ્કર્મ કરવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
કોલાબા પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ ભાસ્કર કુલ્લી (39) તરીકે થઈ હતી. આરોપી અને 42 વર્ષની ફરિયાદી એક જ કંપનીમાં કામ કરતાં હતાં, જેને પગલે તેમની વચ્ચે સારી ઓળખાણ હતી. ફરિયાદીના પતિ એક શિપિંગ કંપનીમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી અનુસાર દક્ષિણ મુંબઈના ગિરગાંવ પરિસરમાં રહેતો આરોપી કંપનીના સેલ્સ વિભાગમાં કામ કરતો હતો અને ફરિયાદી એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં. બન્ને વચ્ચે મિત્રતા થતાં આરોપીએ ફરિયાદી પાસેથી ઉછીનાં નાણાં પણ લીધાં હતાં.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતે કે સપ્ટેમ્બર, 2023માં છોકરીની સ્કૂલ ફી ભરવા અને બીજે મહિને માતાની આંખના મોતિયાના ઑપરેશનને બહાને આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા માગ્યા હતા. ફરિયાદીએ બે સોનાની બંગડી અને 10 હજાર રૂપિયા આરોપીને આપ્યા હતા. વારંવાર રૂપિયા પાછા માગવા છતાં આરોપી ઉડાઉ જવાબ આપતો હતો.
બાદમાં આરોપીએ સોનાની બંગડીઓ અને રૂપિયા આપવાને બહાને ફરિયાદીને કોલાબાની એક હોટેલમાં બોલાવી હતી. હોટેલની રૂમમાં ગયેલી ફરિયાદી સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે પછી બદનામીની ધમકી આપી આરોપી વારંવાર હોટેલમાં બોલાવતો હતો. 2023થી 2024 દરમિયાન આરોપીએ ધમકીને જોરે મહિલા પાસેથી છ લાખ રૂપિયાના દાગીના પડાવ્યા હતા. આખરે મહિલાએ કોલાબા પોલીસમાં ફરિયાદ કરી હતી.