Mon Jul 27 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ યુવાનોમાં કોક્રોચ પાર્ટી માટે કેમ ઊભરો આવી ગયો?

2026-05-23 08:34:00
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

ભારતમાં પોતાને રાજકીય સંગઠન ગણાવતી કોક્રોચ જનતા પાર્ટી સીજેપી અચાનક લાઈમલાઈટમાં આવી ગઈ છે અને વિવાદોની વણઝાર સર્જી દીધી છે. એક તરફ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સીજેપીના ફોલોઅર્સ ધડાધડ વધી રહ્યા છે અને વિપક્ષના કેટલાક નેતા પણ સીજેપીને ફોલો કરવા માંડ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકારે સીજેપીને રાષ્ટ્રની સુરક્ષા માટે ખતરારૂપ ગણાવીને તેના એક્સ એકાઉન્ટને બ્લોક કરાવી દીધું છે. તેનાથી ડગ્યા વિના સીજેપીએ એક્સ પર `કોકરોચ ઇઝ બેક' નામે નવું એકાઉન્ટ બનાવી દીધું છે. જે એકાઉન્ટ બ્લોક કરાયું તેના બે લાખ જેટલા ફોલોઅર્સ હતા જ્યારે નવું એકાઉન્ટ શરૂ થયું તેના 24 કલાક કરતાં ઓછા સમયમાં તો ફોલોઅર્સની સંખ્યા સવા લાખ પર પહોંચી ગઈ છે. 

આ ગાળો અને આક્ષેપો વચ્ચે જેન-ઝી એટલે કે યુવાઓના પ્રિય મનાતા ઈન્સ્ટાગ્રામ પર તો સીજેપીનું એકાઉન્ટ બ્લોકબસ્ટર બની ગયું છે. સીજેપીના ફોલોઅર્સ ભાજપ અને કૉંગ્રેસના ફોલોઅર્સ કરતાં પણ વધારે થઈ ગયા છે. ઈન્સ્ટા પર ભાજપના 90 લાખ અને કૉંગ્રેસના 1.34 કરોડ ફોલોઅર્સ છે જ્યારે સીજેપીના ફોલોઅર્સની સંખ્યા 2 કરોડને પાર થઈ ગઈ છે. ગુરુવાર સાંજ સુધીમાં સીજેપી ના ફોલોઅર્સનો આંકડો 1 કરોડને પાર નહોતો થયો એ જોતાં બે દિવસમાં જ આંકડો બમણો થઈ ગયો છે. અભિજીત દીપકેએ કોક્રોચ પાર્ટીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને હેક કરવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કર્યો પછી ફોલોઅર્સના વધારામાં તેજી આવી ગઈ છે. 

કેન્દ્ર સરકારે કોક્રોચ પાર્ટીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને હજુ બ્લોક નથી કરાવ્યું પણ તેને મળી રહેલા પ્રચંડ પ્રતિસાદને જોતા બહુ જલદી કોક્રોચ પાર્ટીનું ઈન્સ્ટા એકાઉન્ટ પણ બ્લોક થઈ જાય એવું બને. પાર્ટીના એક્સ એકાઉન્ટને બ્લોક કરવા માટે સરકારે એવું કારણ આપ્યું છે કે, આ પ્લેટફોર્મ્સ પરથી દેશની સુરક્ષા માટે ખતરારૂપ સામગ્રી પિરસાય એનો ખતરો હોવાનો ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)નો રિપોર્ટ છે તેથી તેનું એકાઉન્ટ બ્લોક કરી દેવાયું છે. 

રાષ્ટ્રીય સુરક્ષા અત્યંત સંવેદનશીલ મુદ્દો છે તેથી તેની સામેના ખતરાને ગંભીરતાથી લેવો પડે તેથી સરકારે પાણી પહેલાં પાળ બાંધીને એકાઉન્ટ બ્લોક કરી દીધું. કેન્દ્ર સરકારે પોતાની સત્તાનો ઉપયોગ કરીને કશું ખોટું કર્યું નથી પણ તેના કારણે કોક્રોચ પાર્ટીની લોકપ્રિયતામાં ઓટ નથી આવી એ સૂચક છે. 

જેન-ઝી તરફથી મળી રહેલા પ્રચંડ પ્રતિસાદ વચ્ચે સોશ્યલ મીડિયા પર જોરદાર જંગ પણ જામ્યો છે. સીજેપીનો સ્થાપક અભિજીત મૂળ છત્રપતિ સંભાજીનગરનો છે અને પુણેમાં માસ મીડિયાનો અભ્યાસ કર્યા પછી હાલમાં અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં ભણે છે. કોઈએ ખણખોદ કરીને શોધી કાઢ્યું છે કે, અભિજીત પહેલાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો કંઠીધારી હતો. 

2020 થી 2022 સુધી કેજરીવાલની આમ આદમી પાર્ટીના સોશ્યલ મીડિયા સ્ટે્રટેજિસ્ટ હતા અને 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અભિજીતે આપ માટે વાયરલ મીમ આધારિત ઓનલાઈન પ્રચાર સામગ્રી બનાવી હતી. આ વાત સાચી છે કે નહીં એ ખબર નથી પણ તેને મુદ્દો બનાવીને ભાજપ સમર્થકો અભિજીતને કેજરીવાલનો દલાલ ગણાવીને તૂટી પડ્યા છે. કેજરીવાલના ઈશારે અભિજીત દેશમાં અંધાધૂંધી અને અરાજકતા ફેલાવવા મથી રહ્યો છે એવા આક્ષેપોનો મારો ચાલી રહ્યો છે..

કોક્રોચ પાર્ટીનો મુકાબલો કરવા માટે ઓનલાઈન ઊગી જનતા પાર્ટી પણ ઊભી કરી દેવાઈ છે. પ્રખ્યાત કાર્ટૂન ઓગીથી પ્રેરિત થઈને બનાવાયેલું આ સંગઠન કોક્રોચ પાર્ટી અને અભિજીત સહિતના તેના સ્થાપકોની સામે ઝેર ઓકી રહ્યું છે. સામે કોક્રોચ પાર્ટીના સમર્થકો પણ જવાબ આપી રહ્યા છે તેથી વર્ચ્યુઅલ જંગ જામ્યો છે. અભિજીતે પોતે દલિત હોવાનું જાહેર કર્યું પછી સોશ્યલ મીડિયા પર જ્ઞાતિવાદી કોમેન્ટ્સનો ગંદવાડ પણ ઠલવાઈ રહ્યો છે. કેટલાક નીચ લોકો અભિજીતની જ્ઞાતિનો ઉલ્લેખ કરીને ગંદી ગાળો આપી રહ્યા છે. 

આ જંગ હજુ વધુ ઉગ્ર બનશે તેથી તેના વિશે અત્યારથી ઝાઝું પિષ્ટપિંજણ કરવાનો મતલબ નથી. અભિજીત દીપકે અમેરિકામાં રહીને અભિયાન ચલાવે છે તેથી તેના ઈરાદા પણ એકદમ શુદ્ધ છે એવું માની લેવાની જરૂર નથી. દીપકે વિશે વધારે વિગતો બહાર આવે, તેને કોનું પીઠબળ છે તેની ખબર પડે પછી તેના વિશે વધારે કંઈ કહી શકાય પણ અત્યારે મુખ્ય મુદ્દો કોક્રોચ પાર્ટીને યુવાઓ તરફથી કેમ પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે એ છે. તેનું કારણ કોક્રોચ પાર્ટીએ બનાવેલો પોતાનો પ્રોફાઈલ છે. હાલની યુવા પેઢીને પોતાને બાગી અને જૂનાં લોકોથી અલગ ગણાવાનું ગમે છે. અભિજીત દીપકે આણિ મંડળીએ કોક્રોચ પાર્ટીને આ જ વર્ગની પાર્ટી તરીકે રજૂ કરી તેનાથી જેન-ઝી તેના પર ઓળઘોળ થઈ ગઈ છે. 

કોક્રોચ પાર્ટીને એવા લોકોની પાર્ટી તરીકે રજૂ કરાઈ છે કે જેમને સિસ્ટમ ગણકારતું જ નથી. કોક્રોચ જનતા પાર્ટીએ પાર્ટીમાં જોડાવા માટે અનએમ્પ્લોઇડ (બેરોજગાર), લેઝી (આળસુ), ક્રોનિકલી ઓનલાઇન (ઓનલાઈનના બંધાણી) અને એબિલિટી ટુ રેન્ટ પ્રોફેશનલી (પ્રોફેશનલી પોતાનો ગુસ્સા વ્યક્ત કરવાની ક્ષમતા) એ ચાર મુખ્ય લાયકાત ગણાવી છે જ્યારે 5 વચનો અપાયાં છે. આ વચનોમાં મહિલાઓ માટે 50 ટકા અનામત મહત્ત્વનું છે પણ એ સિવાયનાં બાકીનાં વચનો ચૂંટણી પંચ, મીડિયા, ઉદ્યોગપતિઓ વગેરેને ટાર્ગેટ કરનારાં છે. ભાજપ તેમની મદદથી સત્તા કબજે કરી રહ્યો છે એવા આક્ષેપો થાય છે તેથી કોક્રોચ પાર્ટીનું નિશાન ભાજપ હોવાનું સ્પષ્ટ જ છે. 

પાર્ટીનું નામ કોક્રોચ પાર્ટી રખાયું એ માટે પણ ચીફ જસ્ટિસ સૂર્યકાન્તની કોમેન્ટ જવાબદાર છે તેથી ન્યાયતંત્ર પણ ટાર્ગેટ છે. 15 મે 2026 ના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે એક અરજી પર સુનાવણી દરમિયાન બેરાજગારોને કોક્રોચ સાથે સરખાવ્યા હતા. સૂર્યકાંતે કહેલું કે, આ વ્યવસાયમાં રોજગાર મળી રહ્યો નથી એવા કેટલાક યુવાનો કોક્રોચની જેમ મીડિયા, સોશ્યલ મીડિયામાં સક્રિય બનીને કે આરટીઆઈ તથા અન્ય પ્રકારના એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા શરૂ કરી દે છે. 

મીડિયામાં આ અહેવાલ છપાયો તેના બીજા જ દિવસે કોક્રોટ પાર્ટી શરૂ થઈ ગઈ તેથી યુવાનો તરત કનેક્ટ થઈ ગયા. ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે એ પછી સ્પષ્ટતા કરી કે, પોતાની વાતનું ખોટું અર્થઘટન કરાયું છે કેમ કે પોતે તો બોગસ ડિગ્રી લઈને વકીલાત કરનારા લોકોને કોક્રોચ ગણાવેલા પણ હવે કોણ તેમની વાત સાંભળે ? તીર છૂટી ગયું એ છૂટી ગયું.

કોક્રોચ પાર્ટીએ અત્યારે ધૂમ મચાવી છે પણ એ લાંબું ટકશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. સોશ્યલ મીડિયા પરનાં અભિયાન ઊભરા જેવાં હોય છે. થોડો સમય ઊભરો રહે ત્યાં લગી હોહા થાય ને પછી બધું ઠંડુંગાર. કોક્રોચ પાર્ટી અપવાદ સાબિત થાય છે કે નહીં એ જોઈએ.