Sun May 24 2026

Logo

'કોકરોચ જનતા પાર્ટી' મુસીબતમાં: સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ હવે સુપ્રીમ કોર્ટમાં CBI તપાસની માંગ

2026-05-24 20:45:14
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ને લઈને ચાલી રહેલો વિવાદ દિવસે દિવસે વધુ ગંભીર બની રહ્યો છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં CJP સાથે સંકળાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ CBI તપાસની માંગ કરવામાં આવી છે. 

અરજી કરનારે આક્ષેપ કર્યો હતો કે આ સંગઠન સાથે જોડાયેલા લોકોએ નકલી કાયદાકીય ડિગ્રીનો ઉપયોગ કર્યો છે અને પોતાને વકીલ કે કાયદાકીય નિષ્ણાત ગણાવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે. આ કથિત ગુનાહિત કાવતરા અને ન્યાયતંત્રની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડવા બદલ FIR નોંધવા માટે કોર્ટ સમક્ષ અપીલ કરવામાં આવી છે.

આ વિવાદ સોશિયલ મીડિયા પર પણ ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની 'વ્યવસ્થા પર હુમલો કરનારાઓ' અંગેની ટિપ્પણી બાદ આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો હતો. ગુપ્તચર બ્યુરો (IB)ના રિપોર્ટના આધારે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવતા CJP ના સત્તાવાર એક્સ હેન્ડલને ભારતમાં પ્રતિબંધિત કરી દીધું છે. 

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આઈટી એક્ટની કલમ 69A હેઠળ કાર્યવાહી કરતા સંગઠન પર દેશની સંપ્રભુતાને પડકારવાનો અને ભડકાઉ સામગ્રી ફેલાવવાનો ગંભીર આરોપ મૂક્યો છે.

શું છે 'કોકરોચ જનતા પાર્ટી'?

બોસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી અભિજીત દીપકે દ્વારા શરૂ કરાયેલ ટીખળસમાન ડિજિટલ આંદોલન છે. 'બેરોજગાર યુવાનોની અવાજ' તરીકે ઓળખાતું આ અભિયાન ખાસ કરીને Gen-Z યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. રમૂજ અને સત્તા-વિરોધી મીમ્સના માધ્યમથી શરૂ થયેલું આ આંદોલન ટૂંક સમયમાં જ લાખો ફોલોઅર્સ ધરાવતા ડિજિટલ વિરોધમાં ફેરવાઈ ગયું હતું. જોકે, પ્રતિબંધ બાદ પણ આ સંગઠને 'કોકરોચ ઇઝ બેક' નામે નવું હેન્ડલ શરૂ કરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયાસ કર્યો છે.

બીજી તરફ, આંદોલનના સ્થાપક અભિજીત દીપકેએ સંગઠન સામે થઈ રહેલી કાર્યવાહીને અન્યાયી ગણાવી છે. તેમણે દાવો કર્યો છે કે તેમનું ઇન્સ્ટાગ્રામ અને એક્સ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે અને સંગઠનની સત્તાવાર વેબસાઇટ પણ બંધ કરી દેવામાં આવી છે. દીપકેએ પોતાના સમર્થકોને સાવચેત રહેવા સૂચના આપતા કહ્યું છે કે હાલમાં તેઓ કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરી શકતા નથી, તેથી કોઈપણ પોસ્ટને CJPનું સત્તાવાર નિવેદન ન માનવું.