હેમા શાસ્ત્રી
63 વર્ષના અભિનેતા વૂ ગ્વેસૂંગ ફિલ્મના સેટ પર આવે છે ત્યારે રાતના દસ વાગ્યા છે. જર્મન શેફર્ડ નસલનો એક શ્વાન એમના પર હુમલો કરે છે એ દૃશ્ય ભજવવાનું છે. શૂટિંગ સમયસર આટોપી અભિનેતા બીજે દિવસે વહેલી સવારે ફરી શૂટિંગ માટે સમયસર હાજર થઈ જાય છે. દિવસો ન્યૂ યર હૉલિડે- નવા વર્ષ નિમિત્તે ત્રણ દિવસની રજાના-ઉજવણીના છે, પણ ઍક્ટર ત્રણેય દિવસ ફિલ્મના સેટ પર હાજર રહી શૂટિંગ સમયસર પૂરું થાય એની તકેદારી રાખે છે.
ચીનમાં નવા વર્ષની ઉજવણી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં થતી હોય છે. એના થોડા દિવસો પહેલાં 60 વર્ષની અભિનેત્રી જિન યૂ ગાત્રો થીજી જાય એવી કડકડતી ટાઢમાં નિયત શૂટિંગ પૂરુંં થયા પછી તરત 300 કિલોમીટર દૂર પોતાના નિવાસસ્થાને પાછી ફરે છે.
આવાં ઉદાહરણ વિવિધ કારણોસર સતત વિસ્મય પમાડતા અને યુએસ જેવી મહાસત્તામાં ધ્રુજારી ઉત્પન્ન કરવાની ક્ષમતા અને તાકાત ધરાવતા એશિયાઈ દેશ ચીનની મનોરંજનની દુનિયાનાં નવાં સ્વરૂપ માઇક્રો ડ્રામા ઇન્ડસ્ટ્રીના છે.
2018માં શૉર્ટ વીડિયો પ્લૅટફૉર્મ પર ડોકિયું કર્યા બાદ કોવિડ-19ની મહામારીના સમયકાળમાં (2020-2021)માં આ ઇન્ડસ્ટ્રીમાં વેગ આવ્યો. સરકારી પીઠબળ ધરાવતી ચીનની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું આ નવું સ્વરૂપ જનતા માટે મનોરંજનના એક અલાયદા વિકલ્પ તરીકે ઊભરી રહ્યું છે. એટલું જ નહીં, એનું અર્થકારણ સ્કાયસ્ક્રેપર-ગગનચૂંબી ઇમારત જેવું નહીં, પણ બે માળના બાંધકામ જેટલું અને ક્યારેક તો એક સિંગલ રૂમ જેટલું હોવાથી અનેક આશાસ્પદ અને હોંશીલા ક્રિયેટિવ લોકો આ માધ્યમને અપનાવી સર્જન પ્રક્રિયા અંગે ઉત્સાહ દાખવી રહ્યા છે.
આમાં સૌથી રસપ્રદ વાત તો એ છે કે અનેક વડીલોને-60 વર્ષથી વધુ ઉંમરના કલાકારોને આ ઇન્ડસ્ટ્રીમાં નવી નવી તક મળી રહી છે. 30 સેકંડથી લઈ પાંચ મિનિટના એપિસોડ ધરાવતા શૉર્ટ ફૉર્મ વીડિયો શૃંખલાની લોકપ્રિયતા પાંખો ફેલાવી રહી છે. છેલ્લાં બે વર્ષમાં આ ઉદ્યોગે સ્પીડ પકડી છે અને અનેક ઍક્ટર્સ આ માધ્યમ માટે પણ ઉત્કંઠા દેખાડી રહ્યા છે.
મજેદાર વાત તો એ છે કે હમણાં આપણે જે બે વડીલ વૂ ગ્વેસૂંગ અને જિન યૂની વાત કરી એ લોકો વર્ષોથી અભિનય કરી રહ્યાં છે એવું નથી. નોકરીમાંથી રિટાયરમેન્ટ લીધા પછી નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ તરીકે તેમણે માઇક્રો ડ્રામા ઇન્ડસ્ટ્રીનો વિકલ્પ સ્વીકાર્યો છે. અનેક વડીલો ઉંમર પ્રમાણે નિરાંતના જીવનને પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે કેટલાક મુરબ્બીઓ વહેલી સવારે સેટ પર હાજર થઈ જવું,
મોડી રાત્રે કે આવશ્યકતા હોય તો લેટ નાઇટ શૂટિંગ કરવું, શિયાળાની કડકડતી ઠંડીમાં ઉનાળાનાં દૃશ્યોનું ફિલ્માંકન કરવું વગેરે બાબત સહજતાથી અપનાવી રહ્યા છે. તેમના માટે આ એક રૂટિન છે-દૈનિક ક્રમ છે. અલબત્ત, ઘણી મહેનત કરવી પડે છે. ‘આ કંઈ મોસાળ નથી કે મા પીરસણ હોય. કોઈ વસ્તુ આસાનીથી નથી મળી જતી, પણ જો કામ કરવામાં આનંદ આવતો હોય તો આગળ કેમ વધવું એ આવડી જાય છે.’ જિન યૂ ફોડ પાડી જણાવે છે.
એકવીસમી સદીના ત્રીજા દાયકામાં સ્થિર ગતિએ આગળ વધી વિકાસ કરી રહેલી ચીનની માઇક્રો ડ્રામા ઇન્ડસ્ટ્રીમાં વૂ ગ્વેસૂંગ અને જિન યૂ સહિત અનેક વડીલોને અભિનયના અજવાળા પાથરવાનો મોકો મળી રહ્યો છે. ત્રીસેક સેકંડથી માંડી પાંચ મિનિટ લંબાઈ ધરાવતી ‘વર્ટિકલી ફિલ્મ્ડ સિરીઝ’ (મોબાઇલ ફોનના સ્ક્રીનમાં ફિટ થઈ જાય એવી ટેક્નૉલૉજીથી શૂટ કરવામાં આવેલી એપિસોડ સ્ટોરી) છેલ્લાં થોડાં વર્ષોમાં અફાટ લોકપ્રિયતા મેળવી રહી છે. મોટી સંખ્યામાં ઍક્ટરો આ માધ્યમ પ્રત્યે ખેંચાણ અનુભવી એને અજમાવી રહ્યા છે. અનેક લોકો નોકરીમાંથી નિવૃત્તિ લીધા પછી અભિનયને અપનાવી રહ્યા છે.
જિન યૂ માટે તો આ કિશોરાવસ્થાનું સપનું સાકાર કરવાની ઘડી છે. 16 વર્ષની ઉંમરે શાંઘાઈ શહેરમાં યુથ ડ્રામા કંપનીમાં તેણે કામ કર્યું હતું. અભિનયની પાઠશાળામાં આગળ વધવાની એની તમન્ના હતી, પણ માતા-પિતાએ કહી દીધું કે ‘બેટા, પહેલાં ભણવાનું.’ ઍક્ટિંગની સૂટકેસ માળિયે ચડાવી જિન યૂએ ઈંગ્લિશ ભાષાના વિષયમાં ગ્રૅજ્યુએટ થઈ. ત્યાર બાદ 33 વર્ષ નોકરી કરી 2021માં નિવૃત્તિ લીધા બાદ પોતાની મનગમતી અભિનય પ્રવૃત્તિમાં ઝુકાવવાનું નક્કી કર્યું. ટીવી શો, મ્યુઝિકલ પ્રોગ્રામ વગેરેમાં પરફૉર્મ કર્યા પછી 2024થી તેણે માઇક્રો ડ્રામામાં કામ કરવાની શરૂઆત કરી. બે વર્ષમાં બારેક પ્રોડક્શનમાં તેણે કામ કર્યું છે. એમાંથી કેટલીક સિરીઝને તો એક બિલિયન કરતાં વધુ વ્યૂઝ મળ્યા છે.
ચીનમાં માઇક્રો ડ્રામા શૈલીની સિરીઝની શરૂઆત થઈ 2013માં. શરૂઆતમાં એની ખાસ નોંધ ન લેવાઈ અને સનસનીખેજ વાર્તા અને અણધાર્યા વળાંક લેતી કથા ધરાવતા આ સ્વરૂપને મનોરંજન ઉદ્યોગમાં ‘પીટ કલાસ ડ્રામા’ તરીકે ઓળખાણ મળી હતી. ફિલ્મો અને ટીવી સિરીઝ સરખામણીમાં એના માટે આદર ઓછો હતો. જોકે, કોવિડ મહામારી પછી પરંપરાગત ફિલ્મ ઉદ્યોગ અને ટીવી ક્ષેત્ર સંકોચાઈ જવાથી નાના બજેટના ફટાફટ પૂરા થઈ જતા માઇક્રો ડ્રામાનો ફેલાવો ચારેકોર ફેલાવા લાગ્યો.
2024 સુધીમાં તો ચીનની માઇક્રો ડ્રામા સિરીઝનો વકરો દેશની ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરતાં પણ વધી ગયો. 2027 સુધીમાં આ નવી ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર 100 બિલિયન યુઆન (આશરે 1400 અબજ રૂપિયા) આંબી જવાની ગણતરી મુકાઈ છે. 2025માં 40 હજાર વર્ટિકલ ફૉર્મેટના ડ્રામા ઑનલાઇન રિલીઝ થયા હતા. મતલબ કે દરરોજ નવા નક્કોર 110 એપિસોડ. જાણે મનોરંજનનો મહાકુંભ. ટૂંકમાં મનોરંજનના મહાકુંભમાં અનેક વડીલો સહિત અન્ય લોકો ડૂબકી લગાવી કામકાજ મેળવી રહ્યા છે.
માઇક્રો ડ્રામાના કથાનકના કેન્દ્રમાં જુવાનિયા હોય છે, પણ આ સિરીઝમાં અનેક સહાયક અભિનેતા - અભિનેત્રીની જરૂર પડે છે. જેમકે માતા-પિતા, સગાંસંબંધીઓ, પાડોશીઓ વગેરેનાં પાત્રો હોય છે અને આ પાત્રો મોટાભાગે સિનિયર સિટિઝન સાકાર કરતા હોય છે. ક્યારેક તો અહીં વડીલોની અછત પણ સર્જાય છે.
એક નિર્માતાએ જણાવ્યા અનુસાર માઇક્રો ડ્રામાનું નિર્માણ જેટ સ્પીડમાં થતું હોય છે. યુવા કલાકારો ઘણી વાર દિવસના 10 તો ક્યારેક 20 કલાક સુધી કામ કરતા હોય છે. અલબત્ત, વડીલોએ અમુક સીન જ કરવાના હોવાથી અને યુનિટના સભ્યોના સહયોગથી તેમના પર યંગસ્ટર્સ જેટલું પ્રેશર નથી રહેતું. તેમ છતાં મોડી રાત સુધી શૂટિંગ કે સેટ પર લાંબી રાહ વગેરેમાંથી છૂટકો નથી.