Mon Jun 08 2026

Logo

ચેમ્બુરમાં પૂરપાટ વેગે આવેલી કારે રિક્ષાને  અડફેટે લેતાં વૃદ્ધાનું મોત: બે જણ ઘવાયા

2026-03-31 18:38:36
Author: Yogesh D. Patel
Article Image

મુંબઈ: ચેમ્બુર વિસ્તારમાં પૂરપાટ વેગે આવેલી કારે રિક્ષાને અડફેટમાં લેતાં 65 વર્ષની વૃદ્ધાનું મોત થયું હતું, જ્યારે અન્ય બે જણ ઘાયલ થયા હતા. નેહરુ નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલી વૃદ્ધાની ઓળખ ચાંદ બી હુસૈન શેખ તરીકે થઇ હતી. અકસ્માતમાં હાફિઝા બાબા શેખ (35) અને રિક્ષાચાલક વીરેન્દ્ર પ્રસાદ ઘાયલ થયા હતા. પોલીસે આ પ્રકરણે ગુનો નોંધીને કારના ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ચાંદ બી શેખ અને હાફિઝા શેખે કુર્લા પશ્ર્ચિમના ચુનાભટ્ટી વિસ્તારમાં જવા માટે ભિવંડીથી રિક્ષા પકડી હતી. રિક્ષા ચેમ્બુરમાં પોસ્ટર કોલોની નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે પૂરપાટ વેગે આવેલી કારે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.
કારની ટક્કરથી રિક્ષામાં બેઠેલી ચાંદ બી શેખ બહાર ફેંકાઇ ગઇ હતી અને ડિવાઇડર સાથે ભટકાઇ હતી, જેમાં તેના માથામાં ગંભીર ઇજા થઇ હતી, જ્યારે રિક્ષાચાલક અને હાફિઝા શેખને પણ ઇજા પહોંચી હતી. 

અકસ્માતને પગલે નાગરિકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઘાયલ થયેલા ત્રણેય જણને ત્વરિત રાજાવાડી હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં, જ્યારે ડોક્ટરોએ ચાંદ બી શેખને તપાસીને મૃત જાહેર કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.અકસ્માત બાદ કારનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો, પણ બાદમાં તેને પોલીસે પકડી પાડ્યો હતો. કારના ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)