Fri Sep 04 2026

Logo

મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શનમાં ભારત સરકાર: ગેસની અછત રોકવા દેશમાં ESMA લાગુ! જાણો શું છે કાયદો?

2026-03-10 14:05:00
Author: Devayat Khatana
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શનમાં ભારત સરકાર: ગેસની અછત રોકવા દેશમાં ESMA લાગુ! જાણો શું છે કાયદો?

નવી દિલ્હી: ઈરાન અને મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવની અસર હવે ભારતીય બજાર પર દેખાવા લાગી છે, જેના કારણે કેન્દ્ર સરકારે LPGની અછતને રોકવા માટે મોટું પગલું ભર્યું છે. સરકારે દેશમાં એલપીજી સિલિન્ડરની અવિરત સપ્લાય સુનિશ્ચિત કરવા માટે 'આવશ્યક સેવા જાળવણી અધિનિયમ' (ESMA) અને આવશ્યક વસ્તુ અધિનિયમ લાગુ કર્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ દેશમાં ગેસના પુરવઠાને પ્રાથમિકતા આપવાનો અને સંભવિત અછત કે સંગ્રહખોરી જેવી પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાનો છે.

આ આદેશ હેઠળ સરકારે તમામ રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ યુનિટ્સને એલપીજીનું ઉત્પાદન મહત્તમ સ્તરે વધારવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત, પ્રમુખ હાઇડ્રોકાર્બન સ્ત્રોતોને પણ એલપીજી પૂલમાં વાળવાનો નિર્દેશ અપાયો છે જેથી ઘરેલું બજારમાં રાંધણ ગેસની ઉપલબ્ધતા જળવાઈ રહે. આ કાયદો લાગુ થવાથી ગેસના ઉત્પાદન, વિતરણ અને પુરવઠા સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓએ સરકારના નિયમોનું કડક પાલન કરવું પડશે.

શું છે ESMA?
ESMA એ ભારતીય સંસદ દ્વારા 1968માં પસાર કરાયેલ એક કાયદો છે, જેનો ઉપયોગ જાહેર હિતમાં અતિ આવશ્યક સેવાઓ ખોરવાય નહીં તે માટે કરવામાં આવે છે. આ કાયદો લાગુ થવાને કારણે હવે સંબંધિત ક્ષેત્રના કર્મચારીઓ હડતાળ પર ઉતરી શકશે નહીં અથવા કામ કરવાનો ઇનકાર કરી શકશે નહીં. કર્મચારીઓ બંધ કે કર્ફ્યુ જેવા બહાના હેઠળ કામથી અળગા રહી શકશે નહીં, કારણ કે આ સેવાઓમાં બાધ આવવાથી સામાન્ય જનતાના દૈનિક જીવન પર ગંભીર અસર પડી શકે છે.

આ કાયદાના દાયરામાં પેટ્રોલિયમ ઉપરાંત હોસ્પિટલ, સ્વચ્છતા, જળ પુરવઠો, વીજળી, પરિવહન અને બેંકિંગ જેવી મહત્વપૂર્ણ સેવાઓનો સમાવેશ થાય છે. ESMA ને મહત્તમ 6 મહિના માટે લાગુ કરી શકાય છે અને જરૂર જણાયે રાજ્ય સરકારો પણ તેમના સ્તરે તેને અમલમાં મૂકી શકે છે.