Tue Jul 28 2026

Logo

કવર સ્ટોરીઃ સેન્સરનો સાણસો... - ફિલ્મમેકરને પડે ફડકો

2026-07-10 09:16:00
Author: Hema shashtri
Article Image

 

હેમા શાસ્ત્રી

વાત વીસમી સદીની છે. પરણીને આવેલી નવી વહુનું સાસુમા બારીકાઈથી નિરીક્ષણ કરતાં. એની ખૂબીઓ વિશે મનમાં ને મનમાં રાજી થતાં, પણ એમનું કામ નવોઢામાં રહેલી ખામીઓ બિલોરી કાચથી શોધી કાઢવાનું રહેતું. સાસરિયાના ઉંબરે પગ મૂકતી વહુને સૌથી મોટો ફડકો નવી જવાબદારીઓનો નહીં, પણ સાસુ શું ભૂલ શોધી કાઢશે એનો રહેતો. એકવીસમી સદીની સાસુ વહુની ખોડ કાઢવાની હિંમત નથી કરતાં અને જો ભૂલ શોધી કાઢે તો વહુ એને ગણકારતી નથી.

જોકે 1952માં ‘સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સેન્સર્સ’ તરીકે સ્થપાયેલી અને 1989થી ‘સેન્ટ્રલ બોર્ડ ઑફ સર્ટિફિકેશન’ (સીબીએફસી) તરીકે ઓળખાતી વૈધાનિક સંસ્થા દરેક નવી ફિલ્મમાં ખોડ શોધી કાઢતી સાસુનું કામ આજે પણ કરતી હોવાથી ફિલ્મમેકરના દિલ-દિમાગમાં ફડકો પેદા કરે છે. સેન્સરના સાણસામાં ભેરવાઈ જવાની આશંકા-ભય સતાવતા હોય છે. સેન્સર સાસુની આંખ ક્યાં લાલ થશે અને ‘આ નહીં ચાલે’નો આદેશ શેના માટે છૂટશે એનો ક્યાસ કાઢવો આસાન નથી.

અહીં વાત છે માનવ અધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરાના જીવન અને કવન પર આધારિત ‘સતલુજ’ ફિલ્મની. પંજાબના વિપરીત સમયકાળમાં જસવંત સિંહની ન્યાય માટેની લડાઈ ફિલ્મનું કથાબીજ છે. ફિલ્મમાં દિલજિત દોસાંઝ પ્રમુખ ભૂમિકામાં છે અને અર્જુન રામપાલ, કંવલજીત સિંહ, ગીતિકા વિદ્યા ઓહલ્યન સહ કલાકારો છે. અગાઉ આ ફિલ્મનું નામ ‘પંજાબ 95’ હતું, જે સેન્સર બોર્ડના આદેશથી બદલીને ‘સતલુજ’ કરવામાં આવ્યું હતું. જોકે જાણવા જેવી વાત એ છે કે ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે એનું નામ ‘ઘલ્લુઘારા’ રાખવામાં આવ્યું હતું. 

1990ના દશકમાં પંજાબ પોલીસના અત્યાચારમાં મોટી સંખ્યામાં શીખ લોકોની હત્યા કરવામાં આવી હતી અને એના અંતિમસંસ્કાર ગુપ્ત રીતે કરવામાં આવ્યા હતા જેથી જનતાને એની જાણ ન થાય. જસવંત સિંહ ખાલરાએ એનો પર્દાફાશ કરતાં એમની હત્યા કરવામાં આવી હતી.અત્યંત સંવેદનશીલ કથા ધરાવતી ફિલ્મના કેટલાક હિસ્સામાં જાતીયવાદને ઉત્તેજન આપતાં ઉશ્કેરણીજનક સંવાદથી હિંસા ફેલાઈ શકે છે, એકંદરે આ ફિલ્મ દેશની અખંડતા સામે પ્રશ્ન ઊભા કરે છે અને કેટલાક દેશ સાથેના સંબંધો પર એની અવળી અસર પડી શકે છે એવું સેન્સર બોર્ડનું તારણ હતું. 

એટલે કેટલાક સંવાદ દૂર કરવાનો, 21 કટ કરવાનો અને એનું ટાઇટલ બદલવાનો આદેશ આપવામાં આવ્યો. ફિલ્મના નિર્માતાએ આ આદેશ વિરુદ્ધ અદાલતમાં અરજી દાખલ કરી. સુનાવણી દરમિયાન સેન્સર બોર્ડએ જણાવ્યું કે બહુ જલદી નિર્ણય જાહેર થશે. નિર્ણય આવ્યો એમાં ફરી ફિલ્મનું નામ બદલવાનું કહેવામાં આવ્યું અને બીજા સંખ્યાબંધ (127) કટ કરવા જણાવવામાં આવ્યું. 

જોકે, સેન્સરની માગણીઓનો અસ્વીકાર કરી નિર્માતાએ ફરી અદાલતમાં અપીલ કરી. ચારેક વર્ષથી ચાલી રહેલી લડતથી કંટાળી એક પણ કટ વિના, બધું ક્ધટેન્ટ એમનું એમ રાખી અને નવું ટાઇટલ ‘સતલુજ’ રાખી ફિલ્મ થિયેટરને બદલે કોઈ પણ પ્રકારના પ્રમોશન વિના ચુપચાપ ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ કરી દીધી....

બે દિવસ દરમિયાન અસંખ્ય લોકોએ આ ફિલ્મ જોઈ લીધી. અચાનક સેન્સર બોર્ડનું ધ્યાન પડતાં ઓટીટી પ્લૅટફૉર્મ પરથી ફિલ્મ હટાવી દેવી પડી છે. ભારતમાં સેન્સર બોર્ડના સર્ટિફિકેટ વિના ફિલ્મ રિલીઝ નથી કરી શકાતી અને ‘સતલુજ’ને સર્ટિફિકેટ નથી મળ્યું. નોંધવાની વાત એ છે કે બે દિવસમાં ફિલ્મ જોનારામાંથી અનેક લોકોએ એની પ્રશંસા કરી છે. આમ આવા વિવાદ બાદ આ ફિલ્મનું ભાવિ શું છે એ તો સેન્સર બોર્ડ જ જાણે.

મહારાષ્ટ્રના તેજસ્વી સમાજ સુધારક પતિ-પત્ની જ્યોતિરાવ ફુલે અને સાવિત્રીબાઈ ફુલેના જીવન અને કવન પર આધારિત ‘ફુલે’ ફિલ્મ પણ ‘સતલુજ’ની જેમ બાયોપિક છે. અર્થપૂર્ણ ફિલ્મો બનાવવા માટે જાણીતા અનંત મહાદેવન લિખિત અને દિગ્દર્શિત અને પ્રતીક ગાંધી અને પત્રલેખા (અફલાતૂન ઍક્ટર એવી રાજકુમાર રાવની પત્ની)ને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મ ગયા વર્ષે 11 એપ્રિલ (મહાત્મા ફુલેની જન્મજયંતી)ના દિવસે રિલીઝ કરવાની ગણતરી હતી. ફિલ્મ વિશે ખાસ્સી ઉત્સુકતા પણ હતી. 

જોકે રિલીઝના થોડા દિવસ પહેલાં બ્રાહ્મણ મહાસંઘ તરફથી વાંધાવચકા ઉઠાવવામાં આવ્યા અને સેન્સર બોર્ડે નિયત તારીખે ફિલ્મ રિલીઝ ન થવા દીધી. ફિલ્મમાં કેટલીક રજૂઆત સામે સેન્સરે વાંધો ઉઠાવ્યો હતો. એક સીનમાં બ્રાહ્મણના છોકરાઓ સાવિત્રીબાઈ પર મળ ફેંકતા દેખાડવામાં આવ્યા હતા. આ અને આવાં બીજા દૃશ્યો કાઢી નાખવાં અથવા બદલી નાખવાં એવાં સૂચનો સેન્સર બોર્ડ દ્વારા કરવામાં આવ્યાં. આનો તીવ્ર વિરોધ થયો, પણ અંતે સેન્સર બોર્ડના કટ સ્વીકારી ફિલ્મમાં કાપકૂપ કરી ફિલ્મ 25 એપ્રિલે રિલીઝ કરવામાં આવી હતી. ‘સતલુજ’ અને ‘ફુલે’ એ બંને ફિલ્મમાં સત્ય દર્શાવવાની કોશિશ હતી એવો એના મેકરોનો દાવો છે. જોકે સેન્સરને કદાચ એની સામે જ વાંધો હતો.

‘સિનેમેટોગ્રાફ ઍક્ટ 1952’ હેઠળ માહિતી અને પ્રસારણ મંત્રાલયના નેજા હેઠળ સેન્સર બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનની રચના કરવામાં આવી હતી. એ સમયે નૈતિકતાનો મુદ્દો નહોતો. ઉંમર અનુસાર (યુનિવર્સલ - યુ, યુ/એ 7+/13+/16+, ઍડલ્ટ્સ ઓન્લી (એ) અને સ્પેશ્યલિસ્ટ (એસ) એવા સર્ટિફિકેટ આપવાની જવાબદારી હતી. જો કોઈ સીન કે સંવાદ મૅચ્યોર ઑડિયન્સ માટે હોય તો ફિલ્મને એ અનુસાર સર્ટિફિકેટ આપવામાં આવતું હતું. 

આજનું સેન્સર બોર્ડ મોરલ પોલીસ બની ફિલ્મમેકરના દૃષ્ટિકોણમાં જ દખલગીરી કરે છે. જોકે ‘મસ્તી’ - ‘ગ્રાન્ડમસ્તી’માં મહિલાઓને સેક્સ ઑબ્જેક્ટ દેખાડવામાં આવે છે ત્યારે કે ‘કાંતારા’માં મહિલાને કમર પર ચીંટિયો ભરવાનું દૃશ્ય આવે છે ત્યારે આ નૈતિકતાનો વાવટો કેમ લહેરાતો નથી એવો સવાલ થવો સ્વાભાવિક છે.     

કાતરનાં કરતૂત
સેન્સર બોર્ડની કાતર ક્યાં કેવી ચાલતી હોય છે એનો ઇતિહાસ જૂનો છે. ગયા વર્ષે સેન્સર બોર્ડે ‘સુપરમેન’ ફિલ્મમાંથી 33 સેકંડના કિસિંગ સીન પર કાતર ચલાવી હતી. કેમ? કારણ કે એ ભારતીય દર્શકો માટે વધુ પડતું કામુક હતું. ફિલ્મ લાઇન છોડી રાજ્કારણમાં પ્રવેશેલા ઍક્ટર વિજયની છેલ્લી તમિલ ફિલ્મ ‘જન નાયકન’ પણ સેન્સર સર્ટિફિકેટમાં અટવાઈ ગઈ હોવાથી આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી, પણ હજી સુધી નથી થઈ. 

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં 1921ની કાનજીભાઈ રાઠોડ દિગ્દર્શિત મૂગી ફિલ્મ ‘ભક્ત વિદુર’થી લઈ ‘આંધી’, ‘કિસ્સા કુર્સી કા’ ‘બેન્ડિટ ક્વીન’, ‘ફાયર’ સહિત ઘણી ફિલ્મોને સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર મેળવવામાં તકલીફ પડી છે. ઍડલ્ટ્સ ઓન્લીનું સર્ટિફિકેટ આપી ‘ધુરંધર’ ફિલ્મમાંથી અપશબ્દો (ગાળો) પર કાતર ચલાવવાનો શું અર્થ એવો સવાલ પણ પૂછવામાં આવ્યો હતો. શું પુખ્ત વયના લોકો ગાળ સહન નહીં કરી શકે એવી માન્યતા છે? આ આને આવા કેટલાક સવાલો છે જેના કોઈ જવાબ નથી.