- ભરત ભારદ્વાજ
ભારત સહિત 11 દેશોના બનેલા બ્રિક્સ સંગઠનનું બે દિવસનું શિખર સંમેલન નવી દિલ્હીમાં સમાપ્ત થઈ ગયું. આ સંમેલનમાં ઘણી ચર્ચાઓ થઈ અને વાતો પણ થઈ. રશિયા અને ચીન જેવા દુનિયાના સૌથી મહત્ત્વના બે દેશો બ્રિક્સ સંમેલનમાં સભ્ય છે. રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ બંને આ સંમેલનમાં હાજર હતા. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બંને દેશના વડાઓ સાથે મંત્રણાઓ થઈ તેમાં દ્વિપક્ષી મુદ્દાઓ અંગે કેટલાક નિર્ણયો પણ લેવાયા.
બ્રિક્સમાં ઈરાન, યુએઈ વગેરે દેશો પણ સભ્ય છે. આ દેશો સાથે આર્થિક સહકાર વધારવા સહિતના મુદ્દે પણ ભારતે ચર્ચા કરી. દુનિયામાં અમેરિકાની વધતી દાદાગીરી, ઈરાન પરના પ્રતિબંધો, ઈરાન પર હુમલાની ઝાટકણીને લગતા ઠરાવો દ્વારા અમેરિકા સામે લાલ આંખ પણ કરાઈ. અમેરિકા દ્વારા ધડાધડ લદાઈ રહેલા ટૅરિફ્સની પણ ટીકા કરાઈ છે પણ ભારત માટે સૌથી મહત્વની બાબત પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ટીકા કરીને આતંકવાદ અંગે કરેલો ઠરાવ છે.
પહલગામનો આતંકવાદી હુમલો ભારતમાં છેલ્લાં કેટલાંક વરસોમાં થયેલા સૌથી ભીષણ આતંકવાદી હુમલામાંથી એક છે. 2 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમાં થયેલા આ ભયંકર આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કરી નાખી હતી. જેમની હત્યા કરાઈ એ બધા જમ્મુ અને કાશ્મીર ફરવા આવેલા પ્રવાસીઓ હતા. આતંકવાદીઓએ તેમના ધર્મ પૂછીને હત્યા કરી હતી. સીધા શબ્દોમાં કહીએ તો હિંદુઓને ગોળીએ દઈને ઉપર પહોંચાડી દેવાયા હતા.
બ્રિક્સ શિખર સંમેલનમાં રશિયા અને ચીન સહિત તમામ દેશોએ પહલગામ આતંકી હુમલાની ઝાટકણી કાઢીને આતંકવાદીઓને આશ્રય આપનારા વિરુદ્ધ સાથે મળીને કાર્યવાહી કરવાનો ઠરાવ કર્યો છે. આતંકવાદીઓને મળતાં નાણાં એટલે કે ટેરર ફંડિગને રોકવા અને આતંકીઓને આશ્રય આપનારાં સામે કડક કાર્યવાહી કરવા પણ બધા દેશો સહમત થયા છે.
આ ઠરાવમાં તમામ પ્રકારના આતંકવાદની ટીકા કરીને આતંકવાદને કોઈ ધર્મ, રાષ્ટ્રીયતા કે સમુદાય સાથે જોડવાની ટીકા કરાઈ છે. આતંકવાદીઓ અને આતંકી સંગઠનો સામે સામૂહિક કાર્યવાહીની તરફેણ કરાઈ છે અને યુનાઈટેડ નેશન્સ આતંકવાદ સામે લડવા માટે ઝડપથી આંતરરાષ્ટ્રીય સંધિને આગલી બનાવે એ મુદ્દા પર ભાર મુકાયો છે.
બ્રિક્સ દુનિયામાં અમેરિકાની સાથે ના હોય એવા દેશોનું સૌથી મોટું સંગઠન છે. આ સંગઠન ભારતમાં થયેલા આતંકવાદી હુમલાની ટીકા કરતો ઠરાવ કરે એ સારી વાત છે. રાજદ્વારી રીતે આ ઠરાવ મહત્વનો ગણાવાય છે પણ તેનાથી વાસ્તવિક રીતે કોઈ ફરક પડે ખરો ? બિલકુલ નહીં. મોદી સરકારના ચમચા આ ઠરાવને ભારતની મોટી સિદ્ધિ ગણાવે છે પણ રાજદ્વારી રીતે પણ આ સિદ્ધિ નથી. ભારતે પાકિસ્તાનના નામજોગ ઠરાવ કરાવ્યો હોત ને બીજા દેશોએ તેને ટેકો આપ્યો હોત તો એ સિદ્ધિ કહેવાય પણ ઠરાવમાં ગોળગોળ વાતો છે ને પાકિસ્તાનનો તો ઉલ્લેખ જ નથી.
પહલલગામ હુમલો પાકિસ્તાને કરાવેલો એવું આપણે કહીએ છીએ ને તેનો ઉલ્લેખ જ ના હોય એવા ઠરાવનો કોઈ મતલબ ખરો ? આ હુમલાનો બદલો લેવા માટે સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને ધોળે દિવસે તારા બતાવી દીધા એવા દાવા કરીએ છીએ. પહલગામ હુમલા પછી હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરે આતંકવાદીઓની કમર તોડી નાખી એવા દાવા પણ કરાય છે પણ હુમલાની ટીકા કરતા ઠરાવમાં પાકિસ્તાનની વાત જ નથી.
આપણે બીજી એક વાત પણ સમજવા જેવી છે. ભારત બ્રિક્સનો યજમાન દેશ છે તેથી ભારતને રાજી રાખવા રશિયા, ચીન, સઉદી અરેબિયા સહિતના દેશોએ પહલગામ હુમલાની ટીકા પણ કરી નાખી અને આતંકવાદ સામે લડવાના મુદ્દે ડાહી ડાહી વાતો કરતા ઠરાવને ટેકો પણ આપી દીધો પણ આતંકવાદ સામેની લડાઈમાં વાસ્તવિક રીતે આ દેશો ભારતની સાથે નથી રહેતા કે પોતે ઠરાવમાં જેના માટે સહમતિ આપી છે તેનું પાલન પણ નથી કરતા. આ નક્કર વાસ્તવિકતા છે એ જોતાં આ ઠરાવથી ભારતે બહુ ખુશ થવાની જરૂર નથી કે તેના કારણે કશું બદલાઈ જશે એવી આશા પણ રાખવા જેવી નથી.
આપણે બીજા આતંકવાદી હુમલાની વાત ના કરીએ ને બ્રિક્સના ઠરાવમાં જેની નિંદા કરાઈ છે એ પહલગામ હુમલાની જ વાત કરીએ તો સમજાશે કે, બ્રિક્સના સભ્ય દેશોની જ કથની અને કરણીમાં બહુ મોટો ફરક છે. પહલગામમાં આતંકવાદી હુમલો કોણે કરાવ્યો એ જગજાહેર છે. પાકિસ્તાને આ હુમલો કરાવેલો એવું ભારતે ગાઈવગાડીને કહ્યું છતાં હજુ સુધી રશિયા, ચીન, સઉદી અરેબિયા કે બ્રિક્સના સભ્ય એવા બીજા કોઈ દેશે પાકિસ્તાન સામે આકરું વલણ લીધું નથી.
પહલગામ હુમલાની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઇએની ચાર્જશીટ મુજબ, આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હતો અને લશ્કર-એ-તૈયબાના આતંકી સૈફુલ્લાહ ઉર્ફે લંગડા દ્વારા હુમલાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલા માટે ચાર વર્ષથી તૈયારી કરવામાં આવી હોવાનો દાવો પણ તપાસમાં થયો છે. આ ચાર્જશીટ ત્રણેક મહિના પહેલાં મૂકાયેલી પણ બ્રિક્સના કોઈ દેશે તેને ધ્યાનમાં લઈને હુમલાનું કાવતરું ઘડનારાને ભારતને સોંપવા પાકિસ્તાન પર દબાણ કર્યું નથી.
ભારતમાં પાકિસ્તાન આતંકવાદ ફેલાવે છે એવું બધા સ્વીકારે છે છતાં કોઈ દેશ આ આતંકવાદી આકાઓને ભારતને સોંપવાની માગણીમાં સૂર પુરાવતો નથી. ચીન તો આતંકવાદીઓ સામે પગલાં લેવાના ભારતના પ્રયત્નોમાં વિઘ્નો ઊભાં કર્યા કરે છે. ભારતે હફીઝ સઈદ તથા બીજા આતંકવાદીઓને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવા માટે યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં ઠરાવ રજૂ કર્યા ત્યારે અમેરિકા સહિતના દેશોએ ભારતને ટેકો આપ્યો છે પણ ચીને વીટો વાપરીને આ ઠરાવોને ઉડાવી દીધા છે.
ચીન એક તરફ આ ધંધા કરે ને બીજી તરફ બ્રિક્સના ઠરાવમાં પહલગામ હુમલાની ટીકા કરે તેનો મતલબ ખરો? સઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશોનું વલણ પણ ચીનથી અલગ નથી. સઉદી અરેબિયા તો મક્કા કરાર દ્વારા પાકિસ્તાન પર થનારા હુમલાને પોતાના પરનો હુમલો ગણીને પાકિસ્તાનને મદદ કરવા બંધાયું છે ત્યારે આ ઠરાવમાં તેમનો ટેકો દંભથી વધારે કંઈ નથી.
આતંકવાદ સામેની લડાઈ ભારતે એકલા જ લડવાની છે ને એકલા જ પાકિસ્તાનને પછાડવાનું છે એ વાસ્તવિકતા છે એ જોતાં બ્રિક્સના કે બીજા કોઈ પણ સંગઠનના ઠરાવની કોઈ કિમત નથી. રશિયા, ચીન કે બીજો કોઈ દેશ ભારતમાં આતંકવાદ ફેલાવવા બદલ પાકિસ્તાન સામે આકરાં નિયંત્રણો મૂકે કે સંબંધોમાં કાપ મૂકે તો એ દેશ આતંકવાદ સામેની લડતમાં ભારત સાથે છે એ સાબિત થાય. બાકી ઠરાવોમાં ટેકાથી ખુશ થવું નહીં. ઠરાવોથી આતંકવાદ પણ મટતો નથી તેથી આવા ઠરાવો ચમચાઓને ખુશ કરવા ચાલે, દેશને કોઈ ફાયદો નથી.