Tue Sep 15 2026

Logo

બોટાદના બરવાળામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં એક શ્રમિકનું મોત, માલિક સહિત બે ગંભીર

2026-03-21 16:30:07
Author: Devayat Khatana
બોટાદના બરવાળામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં એક શ્રમિકનું મોત, માલિક સહિત બે ગંભીર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
બોટાદ જિલ્લાના બરવાળાના બેલા અને ટીંબલા ગામની સીમમાં આવેલી એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફટાકડા બનાવવા માટેના વિસ્ફોટક કાચા માલના સંગ્રહવાળા રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠતા થયેલો બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ફેક્ટરીના પતરા 100 મીટર દૂર જઈ પડ્યા હતા.

આ દુર્ઘટનામાં ત્યાં કામ કરી રહેલા શ્રમિક હાર્દિક સોલંકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બ્લાસ્ટની તીવ્રતાને કારણે ઈજાગ્રસ્તોના શરીરના અંગો બાજુના ખેતરોમાં જઈ પડ્યા હતા.

આ દુર્ઘટનામાં ફેક્ટરીના માલિક ભુપતભાઈ વ્યાસ અને અન્ય એક શ્રમિક જયદિપ સાથળા ગંભીર રીતે દાઝી જતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ દ્વારા બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માલિકની હાલત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે ભાવનગર રિફર કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.