Wed Apr 22 2026

Logo

થાણે-બોરીવલી ટ્વિન ટનલ ૨૦૨૮ સુધી કાર્યરત થશે

2026-04-07 22:44:00
Author: Sapna Desai
Article Image

ANI


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના નીચેથી પસાર થનારી ૧૦.૨૫ કિલોમીટર લંબાઈની મહત્ત્વાકાંક્ષી  ટ્વિન ટનલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન મંગળવારે સવારના પાર પડયું હતું. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ હાલ બોરીવલીથી થાણે વચ્ચેનું અંતર પૂરું કરવામાં માટે ૯૦ મિનિટનો સમય લાગે છે તે ઘટીને માત્ર ૧૫ મિનિટમાં આ અંતર કાપી શકાશે.

 મુખ્ય પ્રધાને આ  પ્રોજેક્ટ  અંતર્ગત બનાવવામાં આવી રહેલી ટનલને મુંબઈના ઉપનગર બોરીવલીથી થાણે શહેરનું અંતર ઘટી જશે અને આ પ્રોજેક્ટ મે, ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા હોવાનું જણાવ્યું હતું.મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આ એક ગ્રીન પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ માટે અનેક વૃક્ષોને કાપવામાં આવવાના છે પણ તેની સામે ૧૧,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવવાનું છે. ટ્વિન ટલનનું માળખું સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ હોવાથી સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની જૈવવિવિધતા સુરક્ષિત રહેશે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પ્રોજેક્ટ પર વ્યક્તિગત રીતે ધ્યાન આપશે એવુ પણ ફડણવીસે કહ્યું હતું.

આ પ્રોજેક્ટ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. એમએમઆરડીએના અધિકારીના જણાવ્યા મુજબ ‘નાયક’ અને ‘અર્જુન’ સહિત ચાર વિશાળ હાર્ડ રોક ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)નો ઉપયોગ આ કામ માટે કરવામાં આવવાનો છે, જેમાં ૧૩.૩૪ મીટર વ્યાસના કટરહેડ સાથે ૨,૫૦૦ ટન વજનના છે.

છ લેનનો અંડરગ્રાઉન્ડ રોડ થાણે અને બોરીવલી વચ્ચેનું અંતર ૨૩ કિલોમીટરથી ઘટાડીને ૧૨ કિલોમીટર પર લાવશે અને મુસાફરીનો સમય પણ ૯૦ મિનિટથી ઘટાડીને માત્ર ૧૫ મિનિટ કરી નાખશે. આ રોડ નાશિક, કલ્યાણ અને નવી મુંબઈથી આવતા વાહનો માટે બાયપાસનું કામ કરશે, જેનાથી ઘોડબંદર રોડની ભીડ ઓછી થશે.


હાલ થાણે શહેરથી બોરીવલી જવા માટે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનને લાગીને આવેલા ઘોડબંદર રોડથી ઘોડબંદર ઘાટ, ફાઉન્ટન રોડથી પ્રવાસ કરવો પડે છે. ઘોડબંદર રોડથી થાણે-બોરીવલી બસ અને એસટીનો પણ વધુ ટ્રાફિક હોય છે. તેથી અહીં મોટા પ્રમાણમાં ટ્રાફિક રહેતો હોય છે.