Sun May 17 2026

Logo

ગોરેગામ ખાડી પર કેબલ-સ્ટેઈડ બ્રિજ:  ઓશિવરા, લોખંડવાલા વિસ્તાર જોડનારા બ્રિજનું કામ ૨૦૨૮માં પૂર્ણ થશે

2026-05-17 22:39:29
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ ઉપનગરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા એક નવો કેબલ-સ્ટેઈડ બ્રિજ ઊભો કરવાની છે. આ બ્રિજ બંધાઈ ગયા બાદ અંધેરી, ઓશિવરા, લોખંડવાલા અને ગોરેગામના રહેવાસીઓને ટ્રાફિકમાં મોટી રાહત મળી રહેવાની છે.
ગોરેગામની ખાડી પર એક નવો છ લેનના પુલનું બાંધકામ ચાલી રહ્યું છે, તેથી મુંબઈના મહત્ત્વના ટ્રાફિકથી ભરચક રહેતા લોખંડવાલા જંકશનમાં વાહનચાલકોને મોટી રાહત મળી રહેશે. ઈંધણની સાથે જ લોકોના સમયની પણ બચત થવાની છે.

હાલ પશ્ર્ચિમ ઉપનગરમાં એસ.વી.રોડ અને  લિંકિંગ રોડ તથા ઉત્તર-દક્ષિણ કોરિડોર છે. આ રૂટ પર અઠવાડિયાના સાતેય દિવસ ખાસ કરીને વર્કિંગ ડેમાં ભારે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. હાજી અલી જંકશન પ્રમાણે જ મિલ્લતનગર પાસેના લોખંડવાલા સર્કલમાં પણ મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. તેથી ઓશિવરા અને ભગતસિંગ નગર આ બે મહત્ત્વના રોડને લિંક રોડ સાથે જોડનારો ગોરેગામ ખાડી પૂલ બાંધવામાં આવવાનો છે. તેથી સિગ્નલ-મુક્ત પ્રવાસ શકય બનશે. તેમ જ આ પ્રોજેક્ટને કારણે મુંબઈના મહત્ત્વના લોખંડવાલા સર્કલના  ટ્રાફિકને ઘટાડવામાં મોટી મદદ થઈ રહેશે.

એ બાદ કોસ્ટલ રોડની ઉત્તર તરફ વર્સોવા-દહિસર કોસ્ટલ રોડ સાથે આ બ્રિજના એક ભાગને જોડવામાં આવશે. તેથી ઉત્તર-દક્ષિણ અને પશ્ર્ચિમ મુંબઈ દરમ્યાનનો પ્રવાસ વધુ સરળ અને ઝડપી થશે. આ પુલની લંબાઈ ૫૪૨ મીટર છે. તેમાંથી ૨૩૮ મીટર લાંબો ભાગ કેબલ-સ્ટેઈડ રહેશે. સમગ્ર બ્રિજની પહોળાઈ ૨૮.૫૫ મીટરની રહેશે. દરેક બાજુએ ૧.૫ મીટર યૂટિલિટી  કોરિડોર બાંધવામાં આવવાનો છે.આ રોડ છ લેનનો હશે, જેમાં ત્રણ લેન ઉત્તર તરફ જનારા અને ત્રણ લેન દક્ષિણ તરફ જનારા માર્ગ પર રહેશે.  આ પ્રોજેક્ટ માટે કુલ ૪૧૮.૫૩ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આ બ્રિજનું કામ પૂર્ણ કરવામાં ૩૬ મહિનાનો (ચોમાસાના ચાર મહિના બાદ કરતા) સમય લાગવાનો છે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પયાર્યી ઉત્તર-દક્ષિણ માર્ગે ઓશિવરા અને ગોરેગામ જોડવામાં મહત્ત્વનો સાબિત થશે. મોતીલાલ પુનર્વિકાસ જેવા નવા પ્રોજેક્ટ આ વિસ્તારમાં આવતા હોવાથી આગામી વર્ષોમાં નાગરિકો માટે આ બ્રિજ બહુ ઉપયોગી સાબિત થશે.