નાગપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે કહ્યું હતું કે પશ્ચીમ બંગાળમાં ભાજપની ‘અદભુત’ જીત દર્શાવે છે કે પક્ષની વિચારધારાને હવે ત્યાંના લોકોમાં માન્યતા મળી છે અને તેમના દ્વારા લાવવામાં આવેલ સત્તા પરિવર્તન પૂર્વના રાજ્યના વિકાસનો માર્ગ ખૂલ્લો કરશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ ખાતાના પ્રધાન ગડકરી સુવેન્દુ અધિકારીના પશ્ચીમ બંગાળના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે કોલકાતા જતા પહેલાં બોલી રહ્યા હતા.
તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીઓમાં ભાજપે 294 સભ્યોની પશ્ચીમ બંગાળ વિધાનસભામાં 207 બેઠકો મેળવી હતી, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના 15 વર્ષના શાસનનો અંત લાવ્યો અને પૂર્વ ભારતમાં તેની સૌથી મહત્વપૂર્ણ સફળતાની સ્ક્રિપ્ટ લખી હતી. ભવાનીપુર વિધાનસભા બેઠક પર ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીને હરાવનારા અધિકારીએ શનિવારે પશ્ચીમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, જે ભગવા રાજકારણના દાયકાઓના પ્રતિકાર પછી રાજ્યના રાજકીય પરિદૃષ્યને ફરીથી ઉજાગર કરનાર એક મહત્વપૂર્ણ ક્ષણ છે.
2011માં ટીએમસી સત્તામાં આવ્યું તે પહેલાં, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના નેતૃત્વમાં ડાબેરી મોરચાએ સતત 34 વર્ષ સુધી રાજ્ય પર શાસન કર્યું હતું. ગડકરીએ કહ્યું હતું કે, ‘પશ્ચીમ બંગાળમાં પહેલીવાર ભાજપનો શાનદાર વિજય ભારતીય જનસંઘના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ છે.’ ‘મુખર્જીએ ખૂબ જ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી અને આજે બંગાળમાં અમારી વિચારધારાને માન્યતા મળી છે. આનાથી આપણા બધા કાર્યકરોને ખૂબ આનંદ થાય છે... બંગાળના લોકો દ્વારા લાવવામાં આવેલું પરિવર્તન નિ:શંકપણે ભવિષ્યમાં રાજ્યના વિકાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે,’ એમ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું.